Thu Oct 01 2026

Logo

ચારધામ યાત્રા પર સંકટ! ત્રણ દિવસ સુધી યાત્રા સ્થગિત શા માટે કરવામાં આવી?

2026-09-26 17:34:10
Author: Mumbai Samachar Team
ચારધામ યાત્રા પર સંકટ! ત્રણ દિવસ સુધી યાત્રા સ્થગિત શા માટે કરવામાં આવી?

હરિદ્વારઃ ઉત્તર ભારતના પહાડી પ્રદેશના વાતાવરણમાં એક મોટો પલટો જોવા મળ્યો છે. એકતરફ કેદારનાથ ધામમાં સીઝનની પ્રથમ હિમવર્ષા થઈ ચૂકી છે તો બીજીતરફ ખરાબ હવામાનને કારણે ચારધામ યાત્રામાં બ્રેક મારવાની ફરજ પડી છે. તા.26 સપ્ટેમ્બર શનિવારથી આગામી ચાર દિવસ સુધી ચારધામ યાત્રા બંધ રહેશે. હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલા એલર્ટ તથા પૂર્વાનુમાનને ધ્યાને લેતા ચારધામ યાત્રા બંધ કરવાની ફરજ પડી છે. 27 સપ્ટેમ્બર રાત્રી સુધી ચારધામ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે. 

જિલ્લાધિકારી રાખશે નજર

ચારધામ યાત્રા સંગઠન, ચારધામ યાત્રા ટ્રસ્ટ તથા ઋષિકેશ કેંપ તરફથી આ વિષય પર ગઢવાલ મંડળના તમામ જિલ્લાધિકારીઓને જરૂરી ગાઈડલાઈન્સ આપવામાં આવી છે. આ ગાઈડલાઈન્સમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, હવમાન ખાતના એક રિપોર્ટ અનુસાર ઉત્તરાખંડમાં હવામાન ખાતાએ રેડએલર્ટ આપ્યું છે. આ ચેતવણીને ગંભીરતાથી લેતા નિર્ણય લેવામાં આવ્યો છે. ચારધામમાં દર્શન કરવા માટે આવતા પ્રવાસીઓ-ભાવિકોની સુરક્ષાને પ્રાથમિકતા અપાતા યાત્રા સ્થગિત કરવામાં આવી છે. આ સાથે જિલ્લાધિકારીઓએ પોત-પોતાના જિલ્લામાં જરૂરી સાધનસામગ્રી સાથે સમિક્ષા કરવાના આદેશ આપવામાં આવ્યા છે. હવામાન સામાન્ય થયા બાદ ચારધામ યાત્રાને ફરીથી શરૂ કરી દેવામાં આવશે. 

રવિવાર સુધી હવામાન ભારે

હવામાન વિભાગે 27 સપ્ટેમ્બર સુધી ઉત્તરાખંડના જુદા જુદા જિલ્લાઓમાં વરસાદને લઈ રેડ અને ઓરેન્જ એલર્ટ આપ્યું છે. શનિવારે પણ ભારે વરસાદને કારણે પાંચ જિલ્લા બાગેશ્વર, પિથૌરાગઢ, ચંપાવત, નૈનિતાલ અને ઉધમસિંહનગર માટે એલર્ટ જાહેર કરાયું  હતું. દહેરાદૂન, પૌડી, રૂદ્રપ્રયાગ, ચમૌલી તથા અલ્મોડા માટે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હરિદ્વાર, ઉત્તરાકાશી તથા ટિહરી માટે પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં શનિવારે સ્કૂલ પણ બંધ રાખવામાં આવી હતી. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ સ્થાનિકો તથા પ્રવાસીઓને એલર્ટ રહેવાની અપીલ કરી છે. લોકોને સલાહ આપી છે કે, તેઓ રેડ તથા ઓરેન્જ એલર્ટ દરમિયાન જરૂરી હોય તો જ યાત્રા કે પ્રવાસ કરે. રસ્તાઓ અને હવામાનની સ્થિતિને ધ્યાને લઈને ઘરની બાહર નીકળે. જરૂરી હોય તો જ યાત્રા કરે. ગાઈડલાઈન્સનું કડકપણે પાલન કરે.