હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર ગણાતી ચારધામ યાત્રા 2026ની શરૂઆત 19મી એપ્રિલના રોજ અક્ષય તૃતીયાના શુભ અવસરથી થવા જઈ રહી છે. ઉત્તરાખંડના ગઢવાલ હિમાલયમાં સ્થિત યમુનોત્રી, ગંગોત્રી, કેદારેશ્વર અને બદ્રીનાથના દર્શન માટે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દેશના ખુણે-ખુણેથી ઉમટી પડે છે. આ વર્ષે અક્ષય તૃતિયા એટલે કે 19મી એપ્રિલથી આ યાત્રા શરૂ થવા જઈ રહી છે. યાત્રા પર જવા માટેની ઓનલાઈન, ઓફલાઈન પ્રોસેસ શું છે એની માહિતી આ સ્ટોરીમાં આપવામાં આવી છે.
યાત્રીઓની સુરક્ષા અને ભીડના નિયંત્રણ માટે ઉત્તરાખંડ સરકાર દ્વારા રજિસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ચારધામની યાત્રા પર જતાં પહેલાં તમે કેવી રીતે રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને યાત્રા દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એની તમામ માહિતી અહીં આપવામાં આવી છે.
ચારધામ યાત્રાનું ઓનલાઈન રજિસ્ટ્રેશન આ રીતે કરોઃ
તમે પણ ચારધામની યાત્રા પર જવા માંગો છો તો એ માટે અહીં જણાવાવમાં આવેલા કેટલાક સિમ્પલ અને ક્વિક સ્ટેપ્સને ફોલો કરવા પડશે. યાત્રાળુઓની સુવિધા માટે સરકારે ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને માધ્યમો ઉપલબ્ધ કરાવી આપવામાં આવ્યા છે.
⦁ ચારધામની યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા માટે તમારે ઓફિશિયલ વેબસાઈટ registrationandtouristcare.uk.gov.in પર જવું પડશે.
⦁ આ સાઈટ પર જઈને તમારી પર્સનલ ડિટેઈલ્સ અને જર્નીની ડેટ નાખો.
⦁ વેલિડ આઈડેન્ટિટી કાર્ડ જેમ કે આધાર કાર્ડ,વોટર આઈડી અપલોડ કરો.
⦁ ઓટીપી વેરિફિકેશન પૂર્ણ કરો અને QR કોડ વાળું રજીસ્ટ્રેશન કાર્ડ ડાઉનલોડ કરો.
વોટ્સએપ પર કરો ક્વિક સિમ્પલ રજિસ્ટ્રેશન
જો તમે વેબસાઈટનો ઉપયોગ ન કરી શકતા હોવ, તો વોટ્સએપની મદદથી પણ રજિસ્ટ્રેશન કરાવી શકો છો.
⦁ તમારા મોબાઈલમાંથી 8394833833 નંબર પર 'Yatra' લખીને મેસેજ કરો.
⦁ ત્યારબાદ પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપો અને આખી પ્રોસેસ કમ્પલિટ કરો.
⦁ આ સિવાય તમે 01351364 નંબર પર કોલ કરીને પણ પ્રતિનિધિની મદદથી રજિસ્ટ્રેશન કરાવી શકો છો.
આ રીતે કરો ઓફલાઈન રજિસ્ટ્રેશન કાઉન્ટર
જે યાત્રાળુઓ ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રોસેસથી પરિચિત નથી એ લોકો માટે પ્રશાસન દ્વારા ઓફલાઈન રજિસ્ટ્રેશન કાઉન્ટની સુવિધા પણ આપવામાં આવી છે. અહીં કેટલાક ઓફલાઈન કાઉન્ટરની માહિતી આપવામાં આવી છે જેના પરથી તમે ઓફલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકો છો.
1. હરિદ્વાર: રાહી હોટલ ખાતે
2. ઋષિકેશ: આઈએસબીટી, આરટીઓ અને ગુરુદ્વારા ખાતે
3. અન્ય સ્થળો: બરકોટ (યમુનોત્રી), હીના (ગંગોત્રી), સોનપ્રયાગ (કેદારનાથ) અને પાંડુકેશ્વર (બદ્રીનાથ).
યાત્રા સમયે ધ્યાનમાં રાખવાની વાતોઃ
⦁ ગ્રીન કાર્ડ અને ટ્રિપ કાર્ડ: ખાનગી કે વ્યાવસાયિક વાહનો માટે greencard.uk.gov.in પરથી કાર્ડ મેળવવું અનિવાર્ય છે.
⦁ હેલ્થ એડવાઈઝરી: આ યાત્રા ઊંચાઈવાળા વિસ્તારોમાં હોવાથી તમામ યાત્રીઓએ મેડિકલ ચેકઅપ કરાવવું અને સ્વાસ્થ્ય સંબંધી સૂચનાઓનું પાલન કરવું હિતાવહ છે.
⦁ યાત્રા કાર્ડના ફાયદા: આ રજીસ્ટ્રેશન કાર્ડ માત્ર એન્ટ્રી પાસ નથી, પરંતુ તે સરકાર દ્વારા આપવામાં આવતા ભોજન અને રહેઠાણ જેવી સુવિધાઓ મેળવવામાં પણ મદદરૂપ થાય છે.