કૉલકાતાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના પરિણોમા પછી પાંચ લોકોની હત્યા થઈ છે, જેમાં ભાજપના દિગ્ગજ નેતા સુવેંદુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથની મધ્યગ્રામમાં હત્યા થઈ છે. આ કેસની તપાસ માટે હવે SIT (સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ)નું ગઠન કરી દેવામાં આવ્યું છે, આ ટીમમાં રાજ્ય પોલીસની સાથે CIDના અધિકારીઓ પણ તપાસમાં જોડાશે.
ભાજપના નેતા સુવેંદુ અધિકારીએ આરોપ લગાવ્યો છે કે, પીએ ચંદ્રનાથ રથની હત્યા એક પૂર્વ આયોજિત કાવતરૂ હતું. અધિકારીએ દાવો કર્યો હતો કે ચંદ્રનાથને એટલા માટે ટાર્ગેટ કરવામાં આવ્યો, કારણ કે તે મારી સાથે જોડાયેલો હતો. અમે ભવાનીપુરમાંથી મમતા બેનર્જીને માત આપી હતી, જ્યારે રથનો મૃતદેહ હોસ્પિટલમાંથી મધ્યમગ્રામ સ્થિત એમના આવાસ પર લઈ જવામાં આવી રહ્યો હતો, એ સમયે અધિકારીએ આ વાત કહી.
હત્યા પાછળનું કારણ મમતાની હાર
અધિકારીએ કહ્યું કે, જે રીતે ચંદ્રનાથની હત્યા કરવામાં આવી છે, આપણે જેટલી પણ નિંદા કરીએ એટલી ઓછી છે. ભવાનીપુરમાંથી મમતાની હાર એ હત્યાનું કારણ હોઈ શકે છે. હત્યારાઓની સામે કડક કાયદાકીય પગલાં તેમજ સજાની માગ કરતા ભાજપ નેતાએ ઉમેર્યું કે, રથના પરિવારની પડખે હું ઊભો છું. પરિવારની માગ છે કે, આ હત્યાને અંજામ આપનારાઓને પકડવામાં આવે તથા કડક સજા આપવામાં આવે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાંથી જાણવા મળ્યું હતું કે, એમને ચાર ગોળી વાગી હતી. ડ્રાઈવર બુદ્ધદેવની સ્થિતિ પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ફોરેન્સિક અને CIDની ટીમ તપાસ કરી રહી છે. ગોળી વાગતા જ એમના શરીરના અન્ય અંગોએ પણ કામ કરવાનું બંધ કરી દીધું હતું. હાર્ટમાંથી ગોળી આરપાર નીકળી હતી.
પૂર્વ આયોજિત કાવતરૂ હતુ
પોલીસે જણાવ્યું હતું કે, આ એક પૂર્વ આયોજિત કાવતરૂ છે. હુમલો કરનારાઓએ પ્લાનિંગથી આ હત્યા કરી છે.ચંદ્રનાથ રથની કારને પહેલા એક કારે રોકવાનો પ્રયાસ કર્યો. એ પછી બાઈક પર આવેલા શખ્સો કાર પાસે પહોંચ્યા, પછી ખૂબ નજીકથી રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા છે. ફાયરિંગ થયા બાદ આરોપીઓ સ્થળ પર ફરાર થઈ ગયા હતા.પોલીસને ઘટનાસ્થળેથી ફૂટેલી ગોળીઓ મળી છે. ફોરેન્સિક ટીમે સ્થળ પરથી કેટલાક સેમ્પલ પણ લઈ લીધા છે. પોલીસને આશંકા છે કે આ હુમલો ગ્લોક 47 પિસ્તોલથી કરવામાં આવ્યો છે. આ પ્રકારના હથિયાર સામાન્ય આરોપીઓ પાસે હોતા નથી. આ કેસમાં એક્સપર્ટ શૂટરની મદદ લેવાઈ હોઈ શકે છે.
કારમાં ખોટી નંબર પ્લેટ હતી
તપાસમાંથી જાણવા મળ્યું છે કે, આરોપીઓ જે કાર લઈને આવ્યા હતા એમાં ખોટી નંબર પ્લેટ લાગી હતી. કારના ચેસિઝ નંબર અને એન્જિન પરના નંબર પણ નકલી હતા.આના પરથી કહી શકાય કે હત્યાનું પ્લાનિંગ હતું જ.
સીસીટીવી રિપોર્ટમાંથી જાણવા મળ્યું હતું કે ફાયરિંગ બાદ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા. ડરતા ડરતા લોકો ચંદ્રનાથની કાર પાસે આવ્યા હતા. લોકોએ જોયું કે, રથના શરીર પર એકથી વધુ ગોળીઓ વાગી છે. રથનું પ્રાણ વગરનું શરીર કારની આગળની સીટમાં હતું. પછી વધુ સારવાર માટે ડ્રાઈવર તથા ચંદ્રનાથને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ફાયરિંગ બાદ પશ્ચિમ બંગાળ પર ફરી સુરક્ષાનો મુદ્દો ઊઠ્યો છે. પરિણામ બાદ પણ હિંસા અનેક મુદ્દાઓ પર આશંકા પ્રબળ કરે છે.