Sun Oct 11 2026

Logo

ઘૂમતો ગગનપ્રવાસી ચંદુ, જતો રહ્યો છે

Delhi   2026-10-11 08:12:00
Author: Shobhit Desai
ઘૂમતો ગગનપ્રવાસી ચંદુ, જતો રહ્યો છે

 

ઘૂમતો ગગનપ્રવાસી ચંદુ, જતો રહ્યો છે

 

આજે આટલું જ - શોભિત દેસાઈ

 

ચંદ્રકાંત હંસરાજ શાહ

 

મેં ચંદુ પાસે સાંભળવા ધારેલી કવિતા

- શોભિત દેસાઈ 

હલો! દોસ્ત!

એક દિવસ

લોહનાં ફૂલોની સાંકળ

સાવ અચાનક

આખા શરીર પરથી

સરી પડે એ પહેલાં

મારે સુગંધોનું  Revision કરી લેવું છે...

‘કોઈ’ના વાળને ખૂબ સ્મરું છું હમણાં હમણાંનો...

પહેલ વહેલું ફૂલ તો જોયું’તું ઘણાં સમય પહેલાં

પણ સુગંધનો પરિચય ત્યારે મેળવ્યો હતો...

જાણું છું એક આખો બાગ નીકળી ચૂક્યો છે પવનપાવડી પહેરીને મારી તહેનાત માટે...

બસ એ આવે ત્યાં સુધી મારે મારા પૂરા મનોરથ સાથે મને સાચવી રાખવાનો છે.



 

પ્રમાણમાં સ્હેજ અળખામણા એવા શ્રાદ્ધના દિવસ ચાલે છે જે અમારા માટે અતિ શુકનિયાળ થઈ ગયાં છે, આજે તમારી બધાની સાથે અમે અમારા જીગરનાં ટુકડા ચંદુને યાદ કરવાના છીએ તે?!

ચંદુ સિધાવ્યો ચોથી નવેમ્બર 2023ના રોજ અને નવનીત સમર્પણના સંપાદક સન્મિત્ર દિપક દોશી કહેણ મોકલે છે: લેખ મોકલો. શૂન્યાવકાશમાંથી ખુદને ભેગો કરી હું કવિ પ્રફુલ્લ પંડ્યાની ગુજરાતી કવિઓ ઉપરની ટીવી ધારાવાહિક કલમ કથે તે કહીએને અનુસરું છું અને જે પરિણામ મેળવું છું એ ચંદુના ગયાના ત્રણ વર્ષે મુંબઈ સમાચારના મારા અતિ વ્હાલાઓ માટે અહીં મૂકું છું.

*****

મહત્ત્વનો અને સહેજ મોટો તારો ખરી જાય ત્યારે આકાશ થોડો વખત માટે કેવું સૂમસામ બને એ તો નીરખ્યું હોય જેણે બહુ ધ્યાનથી ગગનને એના ધ્યાન બહાર ના જ રહે. તો... જેનું આખું ગગન ખરી પડ્યું એવા તારાનું અસ્તિત્વ બહેર મારી જાય કે નહીં?!

ચંદ્રકાંત હંસરાજ શાહ, પોસ્ટ ગોઈંજ વાયા સલાયા  જિલ્લો જામનગર મુંબઈમાં ક્યારે આવ્યો હશે એનો અડસટ્ટો છે; એ માટુંગા પ્રીમિયરમાં હતો કે અમુલખ અમીચંદમાં હતો એનોય અડસટ્ટો છે... પણ એને વિશે  ‘હતો’ ક્રિયાપદ મૂકવું એટલે એ ક્રિયાપદ સૌથી ઉદાસ ક્રિયાપદ બની જાય એ સનાતન, નિશ્ચિત  છે.

‘ચંદુ : મારી દૃષ્ટિએ’માં તમને લઈ જઉં.

અમે બંને કવિતા જેવી કોઈક પ્રાસવાદી પ્રવૃત્તિમાં સંડોવાયા 1973થી અને મળ્યા ઠેઠ 1974 નવેમ્બર મહિનામાં, વિલેપાર્લે કેળવણી મંડળની ગંગેશ હોસ્ટેલમાં. મહેકતા માણસની ગંધના પારખુ એવા મને 1 નંબરના રૂમની પાળી ઉપર એ સમજ ના પડે કે આ અહીંયાં આ ક્ષણે સુગંધોનું આનંદબજાર ભરાયું હોય એવું કેમ લાગે છે? સામે જોયું તો ચંદુ... લેંઘો અને અડધી બાંયનો બુશકોટ સજાવીને મરકી રહ્યો હતો. હું ત્યારે B.Com.(Senior)માં અને ચંદુ Inter Commerceમાં. મારાથી બે વરસ પાછળ અને ઉંમરમાં ત્રણ મહિના અને માસુમિયતમાં અનેક ગણો આગળ. સા... ગીત કેવું લખે, ખબર છે?

એક વ્યભિચારિણીનું ગીત

મૂઈ ! મારા કડલા પર વ્હાલમનો હાથ એને ભૂલી જવાય કેમ!?

ખેતરમાં બાજરાની ઓથ નૈ, ઓથ વિના અમથું અવાય કેમ!?

ગામની ગરાસણી તો હોય એવી ,આપણાથી એવા થવાય કેમ!

તમે આ વાંચતાં હશો ત્યારે મને 67 પૂરાં થયાં હશે (2023 પ્રમાણે) આ ઉંમરે કવિતાના બાકીના ભાગનો ભોગ લેવાઈ ગયો છે સ્મૃતિ સંદૂકના maintenance પેટે. પણ ગીતના ગીતછાપ ઢાળમાં આવતા ‘જવાય,’ ‘અવાય,’ ‘થવાય,’ ગામને પાદર ઝુલતા હીંચકે બેઠેલા તમને મધ ના ચટાડે તો જ નવાઈ.

અને પાછી મહાપદ્યધારી ચંદુમહારાજે શરૂઆત તો ગઝલથી જ કરેલી અને પછી એને પડતી મેલી દીધેલી એ બેવફાઈનું દુ:ખ તો ગઝલને આજેય છે મસમોટું.

જિંદગી બુઠ્ઠી બની

લો, ફરી કાઢી અણી

શબ્દને પણ પાંખ ફૂટી ત્યારથી આ વાત ચાલુ થાય છે

છેવટે ભાષા જ ખૂટી ત્યારથી આ વાત ચાલુ થાય છે

 

મેં હજી તો આંખ પણ  ફોડી નથી ને સાવ અંધારું થયું?!

શ્ર્વાસમાંથી ગંધ છૂટી ત્યારથી આ વાત ચાલુ થાય છે.

અમે બંનેએ પ્રાસવાદી ઘૂસણખોરી પણ કરી છે એકબીજામાં . એ મને એનો આ મત્લો ખેરાત કરે-

ખડ હશે, ઘુવડ હશે કાં જડ હશે

આવનારું મોત આડેધડ હશે.

વિનિમયમાં હું એને થોકબંધ દાદનો વરસાદ પડે એવો શેર આપું.

આગમન એનું હતું

કોઈએ ચૂંટી ખણી

અને પછી તો આપણા ચંદુલાલ ગુજરાતી ગીતની નાયિકાના જુવાનજોધ લાવણ્યના રવાડે એવા ચઢ્યા કે એમનામાં કોઈકે સાવ નવા રમેશ, તો કેટલાકે રમેશે પૂરું કર્યાથી શરૂ કરનારનાં દર્શન કર્યાં. મારું નોંધવું છે કે રમેશને છોકરા-છોકરીનાં ગીત-કવિતાના ઓધાન રહ્યા એ પહેલાં ચંદુલાલ ‘કુંવારા છોકરાની વેદનાનું ગીત’ અવતારી ચૂક્યા હતા-

લીલા લીલા માણસ માથે ઊગ્યા વડના ટેટા

ટેટા રાતા રાતા મોટા મોટા

ટોળાં વચ્ચે આજ ઊડે કાચી કાયાની અફવાઓના ગોટે ગોટા

ચંદુને ત્યાં ચાર-પાંચ છંદ તો નોકરી જ કરતા હતા. એમાંય કટાવ છંદને તો એવું ચંદુએ ખાનગીમાં થોડું વિશેષ મહેનતાણું કરી આપેલું કે કટાવ છંદ પંક્તિઓની પંક્તિઓની પંક્તિઓ સુધી જાગૃત અને અતૂટ રહે... આઘોપાછો થવાનું નામ ન લે.

કહેવા જેવી વાત હજી તો તારા સુધી પહોંચે

ત્યાં તો સૂરજ જેવા સૂરજને પણ બાંધી

લે છે દરિયાના મોજાનો ખિલ્લો

સાંજ પડે ને બન્ને આંખો એક તસુભર ડોલ્યા વિના મારા જેવા માણસને પણ ચીંધે આડો ચીલો

એક દિવસના ચહેરા ઉપર ઢોળાયેલા તડકાને તો ફાટ ભરીને ખેંચી જઈએ નસ નસમાં ઉતારી લઈએ

પછી રાતનાં અંધારામાં એકબીજાના હોઠ ઉપરથી ધગધગતું કૈં લેવડદેવડ કરવા જેવું લાગે ત્યારે કરતા રહીએ

સાવ ધમણના જેવી છાતી ઊંડે ઊંડે જાય પછી તો રગ રગ પહોળી થાય આપણી છાતીનો તો વંશ જ આખો લીલો...કહેવા જેવી વાત...

(1976ની કોઈક સાંજે અમે પહોંચ્યા Hostel  પર ત્યારે ચંદુલાલે એમના અત્યંત સ્વચ્છ, સુઘડ, મરોડદાર, સુવાચ્ય લખાણમાં એક કાગળ અમને પકડાવ્યો ત્યારે ત્યારની અમારી શતાવધાની સ્મરણશક્તિવાળા અમને એક જ વખત વાંચીને આ ઉપરની કવિતા યાદસ્થ થઈ ગયેલી તે આજે ક્ષીણ થતી સ્મરણમંજૂષાને કળાય છે.)

જ્યોતના દીવાનો કોઈ નક્કી ગોખલો ન હોય. એને જે ગોખલે પેટાવો એને રોશનીસભર થયે જ છૂટકો. તે હંસરાજશેઠના સુપુત્ર ચંદુલાલ ગયા નાટકમાં, તો નાટકના સ્વરૂપનેય દોમ દોમ બનાવી દીધું, એ તો મુંબઈના, અત્યારના 60-65ના એટલે 43 વર્ષ પહેલાં 20-25ના, દરેક ગુજરાતી, ગવાહીસભર બનીને કહેશે.

ચંદુ શાહ રૂપાંતરિત અને ગીતકાર ચંદુ શાહથી સુશોભિત ગુજરાતી નાટકની ભરયુવાની ‘ખેલૈયા’ 1980થી 1982ને યાદ કરીએ.

ધીમી ધીમી હવા ચલે છે, ઠંડી ઠંડી હવા ચલે છે. ગણગણ કરતી ગતિ હવાની થરથરતી છે...

જુઓ પાંદડા ફરફર થાતાં, તાલ પુરાવે તથ્થા તથ્થા, શરૂ થયો મોસમનો પહેલો વરસાદ પહેલો વરસાદ

* * *

તારા વિનાનો મેં સૂંઘ્યો પવન, મારા છલકાતાં શ્ર્વાસ થયો હું ખાલીખમ

તારા વિનાનું મેં જોયું આકાશ, તું સામે હોય છે તો કલબલતા શ્ર્વાસ

* * *

આંગળીમાં ફૂટે ટચાકા ને ટાચકામાં રઘવાતું 

કોડીલું નામ

એમ કેમ સહેજમાં હું કહી દઉં કે લખલખતું નામ એ છે કલબલતું નામ

* * *

છોકરો: ફેર ફુદરડી ફર દઈ તાલી, ભમ્મ ચક્કેડી ભમ ચૈતાલી

છોકરી: જુલમ સિતમના જોગી બાવા, હું આવી છું તારી થાવા

* * *

આવ્યા આવ્યા ખેલૈયા આવીયા રંગ રાજિયા ખેલૈયા

રંગ લાવ્યા છે ખેલ કોઈ સાંજનો... રંગભીનો ખેલૈયા

દીવાની જ્યોતની કમાલ એ છે કે જ્યાં જાય ત્યાં એ અજવાળું કરે જ. ચંદુ અહીંનું સર્વસ્વ છોડીને અમેરિકા જાય તો અમેરિકા પછી કોરું રહી શકે? Impossible. અને 84માં અમેરિકા જનાર ચંદુને 87માં અમેરિકા જનાર આદિલ મન્સૂરી મળી ગયા અને બંને મહાસમર્થોએ ગીત-ગઝલની ધૂમ મચાવી કોલંબસના વારસામાં, એ વાત એટલે જવા દઈએ કે ગાડી જુદે રસ્તે ચઢી જાય. પણ લગભગ 90ની આસપાસ ચંદુ Stonewash Jeansની જાહેરાત જુએ છે બોસ્ટનથી ન્યૂ યોર્ક જતાં, અને એને મળે છે ગુજરાતી કવિતામાંથી તાજગી શોધતા અતિસંવેદનશીલ અન્યભાષીઓ માટેનો જવાબ અને ઊતરે છે કલમથી કાગળ પર...

ખંતીલા એક ખેડૂત નામે પટેલ બેચરભૈ

બેચરભૈને Blue Jeans  સાથે લેવાદેવા નૈ

બ્લૂ જીન્સ કવિતાઓમાં જો તમે Blue Jeans જ વાંચો તો તમે ચંદુએ ગોઠવેલા છટકામાં આબાદ ફસાયા. Jeans નામના કપડાને Blue રંગ આપીને ચંદુએ છટકું ગોઠવ્યું છે માણસજાતના ભૂખરા બનતા જતા મૂળની શોધનું... gensનું... જી હા, જીન્સ (Jeans) અને જિન્સ (Gens)ના ઔચારિક શ્ર્લેષનો ભવ્યાલંકાર...

Blue Jeans કાવ્યસંગ્રહ માટે તો ચંદુને કોઈ International Brand દ્વારા કપડું પૂરું પડાયું હતું Cover Page માટે.

બસ, આમ સતત જીવ્યે જતાં, પરિવાર વિસ્તારતાં, ચંદુમાંથી ઈશાનીમાંથી શૈલી-કુશાન બનતાં,S-4 Incs નામની એક અતિ ગૌરવશાળી American Corporate Identity, establish કરતાં, શુદ્ધ દેશીમાંથી અતિમોંઘા અને બહુ ઊંચા માયલા જવલ્લે જ ઉપલબ્ધ એવા શોખ પોષતા અને આજુબાજુના આછા-પાતળાથી લઈને અતિઅંગત એવા સૌને આંખની પાંપણ ઉપર સજાવીને મદદરૂપ બનતાં ચંદુ આવી પહોંચ્યો છે એના Observatory, powerની maximum sharpness પર. અને ચંદુ માંડે છે એકવીસમી સદીનું દેશી અમેરિકનો ઉપરનું એકમાત્ર મહાકાવ્ય REAR VIEW MIRROR. લગભગ 700-750 પંક્તિઓમાં પથરાયેલા આ મહાકાવ્યની સૌથી મોટી વિશિષ્ટતા એ એનો માત્રામેળ છંદ. સાગર છે 100 માઈલના પરિઘવાળો-એકલી નાવ છે તમારી, આખા 100 માઈલમાં- ઉપર 

ચંદ્રમાં છે પૂનમ પછીની બીજનો અને પંક્તિએ 

પંક્તિએ તમે દ્રવી રહ્યા છો. આંખ કોરી અને ગાલ ભીના થતા જાય છે તમારા-કારણ? ભ્રામક સુખની દરેક જંજાળ પાછળ છુપાયેલા અનંત વિષાદની બારીકાઈ તમને પળે પળે હચમચાવી રહી છે. માંડણી કરે છે.

આ કવિતાથી મહાકવિ બનવાના છે એ ચંદ્રકાંત શાહ આ પંક્તિઓથી, અમેરિકાના ગરાજ (Garage)માં  ગોઠવાયેલી જિંદગીની ગાડી (Car)ને બહાર કાઢતાં...

(આપણે Car Drive કરીએ ત્યારે રીઅર વ્યૂ મિરરમાં જોઈએ...)

રીઅર વ્યૂ મિરર, આ આંખ અને ડામરના રસ્તાનો ટ્રાયેન્ગલ

રીઅર વ્યૂ મિરરમાં જોવાનું આટલું ગણિત અને એ જ એનો ઍન્ગલ...

રીઅર વ્યૂ મિરરમાં દેખાતી દુનિયાથી દૂર દૂર ખસવાનું ઘડી ઘડી સહેજ સહેજ જોવાનું, જોવાનું 

એટલે કે

આપણું હતું જે બધું,એ હવેથી આપણું ન હોવાનું...

અને સંકેત આપે છે કવિ રીયર વ્યૂ મિરર દ્વારા ધીમે ધીમે બધુ છોડવાનાં સમજણ અને માહાત્મ્યનો.ના, આપણે દૃશ્યો-જગ્યાઓ વટાવતાં નથી. આપણે પાછળ દેખાતું બધું (જાણ બહાર લગભગ) છોડતાં જઈએ છીએ...અને પૂર્ણાહૂતિ આદરે છે કવિ આ પંક્તિઓ દ્વારા આ એકમેવ પદ્યચમત્કારની-

પછી

શ્વાસોમાં, સ્પર્શમાં,સુગંધોમાં, સ્વાદોમાં , આંખો, અવાજોમાં, દૃશ્યોમાં, રંગોમાં,

વાણીમાં અને લહેરપાણીમાં

ઓચિંતું સિનિયર સિટિઝન ડિસ્કાઉન્ટ!

આશ્ર્ચર્યો જિજ્ઞાષા પ્રસન્નતા

ઉદાસી આવેગ ઉદ્વેગમાં પણ સિનિયર સિટિઝન ડિસ્કાઉન્ટ!

ગયાં વર્ષો-ડિરેક્શન આપવામાં

ગયાં વર્ષો-ડિરેક્શન લેવામાં

લેવાના-

અંતે તો-

અંત જેના જોઈ ના શકાય એવા હાઈ-વે

અંધારું ઓઢીને ઊભેલા ફ્રી-વે

જોવાના-

જિંદગીમાં લેવાની રહી ગયેલ ઍક્ઝિટનાં

પાટિયાંના પતરાં

પણ-

લેવાની અંત તો-

દૂરથી જ દેખાતા

અંગ્રેજી ‘એચ’વાળા બ્લૂ રંગના બોર્ડ પર

દોરેલા ઍરોની દિશામાં વંકાતા રસ્તાની

ઍક્ઝિટ

ખંભા પર માણસ, સ્મશાન અને ઓગળતા રસ્તાનો ટ્રાયેન્ગલ

એ પછીથી આપણે ‘ન’ હોવાનું આટલું ગણિત અને એ જ એનો ઍન્ગલ

2021ની એની મા ઉપરની ‘જાત્રા’ કવિતા વિશે એક પણ અક્ષર અત્યારે આલેખાય તો એનો મહિમા ઘવાય જએટલી મહાન છે એ કવિતા. માટે...

થૈ ક્ષીણ બારમાસી, ચંદુ જતો રહ્યો છે

વીલમાં દઈ ઉદાસી  ચંદુ જતો રહ્યો છે

 

રોકાઈ પૃથ્વી ગ્રહ પર છપ્પનથી લઈને ત્રેવીસ

ઘૂમતો ગગનપ્રવાસી ચંદુ જતો રહ્યો છે...

*** *** ***

આજે આટલું જ...