મુંબઈ: દિલ્હી પોલીસે દિલ્હીમાં સીજેપી (કોંક્રોચ જનતા પાર્ટી)ના આંદોલન દરમિયાન કથિત રીતે ઉપયોગમાં લેવાયેલા નાનામાં નાના પથ્થરોમાંથી પણ વિરોધીઓના ફિંગરપ્રિન્ટ્સ એકત્રિત કર્યા છે, જેને તેમની ઓળખ માટે આધાર નંબર સાથે લિંક કરવામાં આવશે, એમ મહારાષ્ટ્રના ભાજપના પ્રધાન ચંદ્રકાંત પાટીલે દાવો કર્યો હતો.
ગુરુવારે પશ્ચિમ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ પ્રધાન દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પર શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે ઠેકડી ઉડાવી કહ્યું હતું કે પોતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને વૈજ્ઞાનિક સંશોધનના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર માટે પાટીલના નામની ભલામણ કરવાનું સૂચન કરશે.
કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)એ પરીક્ષાના પેપર લીક થવાના મામલે દિલ્હીના જંતર-મંતર ખાતે એક મહિના સુધી વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું. આ પ્રદર્શન દરમિયાન અથડામણ, બેરિકેડ તોડવા અને પથ્થરમારાની ઘટનાઓ બની હતી. 20 જુલાઈએ હજારો વિરોધીઓએ 'સંસદ ચલો' મોરચો કાઢ્યો ત્યારે તીવ્ર હિંસા ફાટી નીકળી હતી, જેમાં અથડામણોમાં પ્રદર્શનકારીઓ તેમજ સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા હતા.
પાટીલે દાવો કર્યો હતો કે દિલ્હી પોલીસે ગુનાહિત ભૂતકાળ અને કથિત વિદેશી લિંક્સ ધરાવતા વિરોધીઓની સંડોવણી સ્થાપિત કરવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક વિગતવાર અહેવાલ તૈયાર કર્યો છે.
તેમણે કહ્યું હતું કે 'દિલ્હી પોલીસે એક વિગતવાર અહેવાલ તૈયાર કર્યો છે જે દરેકને આશ્ચર્યચકિત કરી દેશે. તેમાં અદ્યતન ટેકનોલોજી પર આધારિત વિશ્લેષણ છે જે દર્શાવે છે કે ગુનાહિત આરોપોનો સામનો કરી રહેલા લોકો અને વિદેશી તત્વો વિરોધમાં કેવી રીતે સામેલ હતા. તેઓએ વિરોધ દરમિયાન ઉપયોગમાં લેવાતા નાનામાં નાના પથ્થરો પણ એકત્રિત કર્યા છે.
તેમની ઓળખ માટે અને તેમના ભૂતકાળના રેકોર્ડ તપાસવા માટે તેમના પર મળેલા ફિંગરપ્રિન્ટ્સને આધાર નંબર સાથે લિંક કરવામાં આવશે. રિપોર્ટના આધારે પોલીસ પોતાના દાવાઓને સમર્થન આપશે.'