Tue Sep 01 2026

Logo

મધ્ય રેલવેમાં મોડી રાત્રે પ્રવાસ કરનારાઓ સાવધાન: આવતીકાલથી 15 દિવસનો નાઈટબ્લોક, ફાયદો શું થશે એ પણ જાણો

2026-08-27 19:00:40
Author: Mumbai Samachar Team
મધ્ય રેલવેમાં મોડી રાત્રે પ્રવાસ કરનારાઓ સાવધાન: આવતીકાલથી 15 દિવસનો નાઈટબ્લોક, ફાયદો શું થશે એ પણ જાણો

મુંબઈ: મધ્ય રેલવેમાં રાત્રે મુસાફરી કરતા પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર છે. ટિટવાલા સ્ટેશન પર 15 ડબ્બાની લોકલ ટ્રેન રોકી શકાય તે માટે પ્લેટફોર્મના વિસ્તરણનું કામ કરવા 28 ઓગસ્ટની મધરાતથી 11 સપ્ટેમ્બરની મધરાત સુધી 15 દિવસનો વિશેષ રાત્રિ બ્લોક લેવામાં આવશે. આ દરમિયાન દરરોજ આશરે પાંચથી છ કલાક સુધી ટ્રેન વ્યવહારને અસર થશે.

પ્રથમ તબક્કામાં 28 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી દરરોજ રાત્રે 11.30થી સવારે 5.10 વાગ્યા સુધી કલ્યાણ અને વાશિંદ વચ્ચેની અપ અને ડાઉન નોર્થ-ઈસ્ટ લાઈન પર ટ્રાફિક અને પાવર બ્લોક રહેશે. જેના કારણે ટિટવાલા-કસારા રૂટ પર મોડી રાત્રે લોકલ સેવા ખોરવાશે.

બ્લોક દરમિયાન કેટલીક લોકલ ટ્રેનો રદ કરવામાં આવશે, જ્યારે કેટલીક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરાશે. 28 ઓગસ્ટની રાત્રે સીએસએમટીથી ટિટવાલા જતી રાત્રે 10, 10.50 અને 11.42 વાગ્યાની લોકલ રદ રહેશે. સીએસએમટીથી કસારા જતી રાત્રે 12.08 વાગ્યાની લોકલ પણ રદ કરવામાં આવશે. ટિટવાલાથી સીએસએમટી અને થાણે તરફની કેટલીક રાત્રિ સેવાઓ પર પણ અસર પડશે.

29 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન કેટલીક ટિટવાલા તરફની સેવાઓને આસનગાંવ સુધી લંબાવવામાં આવશે, જ્યારે ટિટવાલાથી શરૂ થતી કેટલીક લોકલ આસનગાંવથી દોડાવવામાં આવશે. કેટલીક સેવાઓ થાણે અથવા કલ્યાણ સુધી શોર્ટ ટર્મિનેટ કરાશે. તેથી મોડી રાત્રે પ્રવાસ કરતા મુસાફરોએ ઘરેથી નીકળતા પહેલાં ટ્રેનનું સુધારેલું સમયપત્રક તપાસવું પડશે. 

મેલ અને એક્સપ્રેસ ટ્રેનોને પણ આ બ્લોકની અસર થશે. કેટલીક ટ્રેનોને વાશિંદ અથવા આટગાંવ ખાતે રોકવામાં આવશે, જ્યારે કેટલીક ટ્રેનો 10થી 20 મિનિટ મોડી દોડી શકે છે. એટલે રાત્રે લાંબા અંતરની ટ્રેન પકડનારા મુસાફરોએ પણ બ્લોકના સમયનું ખાસ ધ્યાન રાખવું પડશે.

આ કામગીરીનો મુખ્ય હેતુ ટિટવાલા સ્ટેશનને 15 ડબ્બાની લોકલ માટે તૈયાર કરવાનો છે. 15 ડબ્બાની લોકલમાં 12 ડબ્બાની સરખામણીએ ત્રણ ડબ્બા વધુ હોવાથી એક ટ્રેનમાં આશરે 25 ટકા વધુ મુસાફરોને સમાવી શકાય છે. મધ્ય રેલવે દ્વારા 15 ડબ્બાની લોકલ સેવાઓ વધારવાની પ્રક્રિયા ચાલી રહી છે અને ઓગસ્ટથી વધુ 22 સેવાઓને 15 ડબ્બાની લોકલમાં અપગ્રેડ કરવામાં આવી છે.

રેલવેના આ કામને કારણે આગામી 15 દિવસ મોડી રાત્રે મુસાફરી કરનારા મુસાફરો માટે હાલાકીભર્યા રહેશે, પરંતુ કામ પૂર્ણ થયા બાદ ટિટવાલા સ્ટેશન પર 15 ડબ્બાની લોકલ માટે સુવિધા ઉપલબ્ધ થશે. તેથી આ સમય દરમ્યાન મુસાફરોને રાત્રિના પ્રવાસ પહેલાં લોકલનો સમય અને રૂટ તપાસીને જ નીકળવાની સલાહ આપવામાં આવી છે.