Sat Sep 12 2026

Logo

હસતાં હુઆ એક નૂરાની ચહેરા...

2026-03-22 10:48:00
Author: Bharat Ghelani
હસતાં હુઆ એક નૂરાની ચહેરા...

 

જેની પાછળ છૂપાયેલી હોય છે કેવી કેવી અસહ્ય આધિ- વ્યાધિ? એનો યથાર્થ ચિતાર આપતો શાબ્દિક એક્સ-રે... 

ક્લોઝ અપ -ભરત ઘેલાણી

બ્રુસ વિલિસ,  અમિતાભ બચ્ચન,  હ્રતિક રોશન , સલમાન ખાન , સામંથા પ્રભુ 

કોઈ એક પારંગત ખેલાડી એની કરિયરમાં અવ્વલ સ્થાને પહોંચવાના સહી માર્ગે હોય અને ત્યાં અચાનક એને કોઈ એવી ઈજા થાય છે કે એણે એ સ્પોર્ટસ- એ ગેમ છોડવી પડે થોડા મહિના માટે- એકાદ વર્ષ માટે ને કદાચ હંમેશને માટે એની તીવ્ર અનિચ્છા છતાં ત્યારે એ વખતે એક ખેલાડીની વેદના સમજી શકાય છે... ખેલજગતમાં અનેક સિદ્ધિ -પ્રસિદ્ધિ મેળવનારા ખેલાડીની અફલાતૂન કરિયર પર આમ અચાનક પૂર્ણવિરામ મુકાઈ જતું હોય છે. આને આપણે ‘પ્રોફેશનલ હઝાર્ડ’ કહીએ છીએ, પણ કયારેક વિભિન્ન ક્ષેત્રની જાણીતી વ્યક્તિઓ-સેલિબ્રિટીસનેય કોઈ અણધાર્યા કારણસર પોતાના પ્રોફેશન વ્યવસાય છોડવો પડે છે.

આનું બહું જાણીતું અને તાજું ઉદાહરણ છે હોલિવૂડનો દિગ્ગજ કલાકાર બ્રુસ વિલિસ...અનેક સુપરહીટ ફિલ્મોનો આ 71 વર્ષીય અદાકાર અત્યાર સુઘી રૂપેરી પડદા પર સક્રિય રહીને બોક્સ ઑફિસના રેકોર્ડસ તોડી રહ્યો હતો. બ્રુસે અનેક ટેલિવિઝન શો ઉપરાંત આજ સુધીમાં 124 જેટલી ફિલ્મ કરી છે અને એની આ ચાર-પાંચ ફિલ્મ રિલીઝની તૈયારીમાં હતી ત્યાં અચાનક એની ધૂંઆધાર કેરિયર પણ બ્રેક લાગી ગઈ,  કારણ કે એ ‘અફેસિયા’ (APHASIA) નામની બીમારીની અડફેટમાં આવી ગયો હતો. આ સુપર હીરોની જિંદગીમાં એક એવો વિલન પ્રવેશી ગયો છે કે   ‘એકશન હીરો’ તરીકે પંકાયેલો આ હીરો આજે ત્રણેક વર્ષથી તદ્દન નિષ્ક્રિય થઈ ગયો છે.. 

‘અફેસિયા’ (APHASIA) નામની આ એક એવી મગજની વિકૃતિ છે કે જેમાં એનો ભોગ બનતી વ્યક્તિની વાતચીત તેમજ લખવા-વાંચવાની ક્ષમતાને સારી એવી ક્ષતિ પહોંચે છે. લખેલા શબ્દો એ બરાબર સમજી ન શકે-બોલવામાં એને ઠીકથી રજૂ ન કરી શકે એ જે વ્યક્ત કરવા ઈચ્છે એ એવું અસ્પષ્ટ હોય કે સામેવાળા સમજી ન શકે. બીજા શબ્દોમાં કહીએ તો એની સંદેશવ્યવહારની શક્તિ ખોરવાઈ જાય છે. ‘વાચાઘાત’ તરીકે પણ ઓળખાતી મગજની આવી વિકૃતિમાં અમેરિકન ઍકટર બ્રુસ વિલિસ એવો સપડાયો છે કે ‘ડાઈ હાર્ડ’ ફિલ્મ સિરીઝને લીધે વિખ્યાત થઈ ગયેલા આ મર્દાના હીરોએ ફિલ્મ કેરિયરમાંથી કમને- કટાણે નિવૃત્તિ લેવી પડી છે. પોતે સંવાદ બરાબર વાંચી ન શકે- ચહેરાના હાવભાવ સાથે તાલમેળ કરી એને યથાર્થ સ્ક્રીન પર પેશ ન કરી શકે તો એવા અભિનયનો કોઈ અર્થ રહેતો નહોતો. તમે આવા બળુકા અદાકારની આજની સાવ અસહાય અવસ્થાની વીડિયો ક્લિપ ‘યુટ્યૂબ’ પર  જોશો તો તમે પણ વિચલીત થઈ જશો.... 

આમ અચાનક આ રીતે કોઈની સક્રિય કેરિયર ખોરવી નાખે એવી આ અટપટી બીમારી ‘અફેસિયા’ વિશે અમદાવાદના સુપ્રસિદ્ધ સાઈકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણી કહે છે : ‘આપણી વાત વ્યકત કરતી વખતે -બોલતી વખતે ભાષાની જે ન ધારેલી ગરબડ સર્જાય એને ‘અફેસિયા’ કે ‘અફેઝિઆ’ કહે છે. તબીબી દ્રષ્ટિએ તો એના અનેક પ્રકાર છે, પરંતુ સમજવામાં સરળ રહે એ માટે એનું આ રીતે વર્ગીકરણ કરી શકાય. એક: આ વિકારથી ગ્રસ્ત વ્યક્તિ લાંબું લાંબું બોલ્યા જ કરે, જેનો કોઈ ચોક્કસ અર્થ ન નીકળે. એની એ ભાષાકીય અભિવ્યક્તિ અર્થહીન હોય (Fluent Aphasia). બીજા પ્રકારમાં દરદી બહુ ટૂંકુ બોલે. વાકયને બદલે શબ્દથી કામ ચલાવે કે સાવ અધૂરં બોલે જેમકે એને કહેવું હોય કે ‘હું બહાર જાઉં છું’ તો એ વાત તોડીને આમ કહેશે: ‘હું’ .‘બહાર’ (Nonfluent Aphasia). આવી વાણી વિકૃતિના બીજા કેટલાક પ્રકારમાં એમની વાત - વાણી એવી વેર-વિખેર થઈ ગઈ હોય કે પોતે જાણતો હોવા છતાં દરદી પોતાની વાત બોલીને સમજાવી નથી શકતો. એક પ્રકાર તો એવો વિચિત્ર છે કે અફેસિયાગ્રસ્ત વ્યક્તિ ઈચ્છા ન હોવા છતાં એ સતત અપશબ્દો-ગાળ બોલ્યાં જ કરે..!’

આવી તકલીફ થવાનું કારણ કોઈ પણ કારણસર મગજને ઈજા પહોંચી હોય કે પછી મગજમાં રક્તભ્રમણ અટકી ગયું હોય કે પછી અન્ય કોઈ કારણસર સ્ટ્રોક પક્ષઘાતનો હુમલો થાય તો ‘અફેસિયા’ની વિકૃતિ સર્જાઈ શકે. આવી વ્યાધિવાળાની માનસિક તેમજ તબીબી સારવાર કરવી પડે, જે બહુ લાંબી ચાલે છે.

પખવાડિયા પહેલાં-  28 ફેબ્રુઆરીના  ‘રેર ડિસીઝ  ડે’ વખતે અનેક અજાણ્યાં જલદી ન જોવાં મળે એવાં કેટલાક દુર્લભ રોગની વિગતો બહાર આવી છે .

જીવનના ઉત્તરાર્ધ -વૃદ્ધાવસ્થા દરમિયાન માણસને કુદરતી રીતે જ પાર્કિન્સન કે અલ્ઝાઈમર જેવી વ્યાધિ વળગે છે, પણ અમેરિકન હીરો બ્રુસ વિલિસન એ વળગેલા ‘અફેસિયા’ જેવી એક અન્ય વ્યાધિ ‘ઓનોમેટોમેનિયા’ છે.  કાબેલ અદાકાર નસિરુદ્દીન શાહે પણ સ્વીકાર્યું છે કે એને ‘ઓનોમેટોમેનિયા’ પજવે છે..

આ ‘ઓનોમેટોમેનિયા’ એટલે એક એવી માનસિક અવસ્થા, જેનાથી ગ્રસ્ત વ્યક્તિ જાણતાં -અજાણતાં એકના એક શબ્દો કે વાક્યો કે ગીતની કડી કે પોતાના મનપસંદ સંવાદ સુધ્ધાં અર્થહીન બોલ્યાં કરે- ગણગણાવ્યાં કરે. આ અવસ્થા વિશે નસિરુદ્દીન કહે છે કે મને ખુદને ખબર હોતી નથી કે હું શું અને શા માટે આવી હરકત દિવસ તો ઠીક, રાતનાય ઊંઘમાં કરતો રહું છું. !

 નિષ્ણાત મનોચિકિત્સકો આવા એકધારા બબડાટનું અર્થઘટન આ રીતે કરે છે : ‘કોઈ પણ કારણસર મનમાં પેસી ગયેલાં શબ્દ-સંવાદ વારંવાર બોલવાની કુટેવ દૂર કરવા અસરગ્રસ્તને માનસચિકિત્સકની સારવાર આપવી પડે. મનમાં અજાણે ધરબાયેલી કોઈ વાતને લીધે આવું થઈ શકે. એ કારણ શોધીને આવા બબડાટને શાંત પાડી શકાય.’

આ સદીના મહાનાયક એવા અમિતાભ બચ્ચનને કારણે જે બીમારી વિશે આજે સામાન્ય લોકો પણ પરિચિત થઈ ગયા છે એ છે : ‘માયસ્થેનિયા ગ્રેવિસ’. આ એક એવી ન્યુરોમ્સ્ક્યુલર વ્યાધિ છે, જેમાં શરીરના ચેતાતંતુ અને  સ્નાયુ વચ્ચેનો સંપર્ક તૂટી જાય છે. પરિણામે ચાનો કપ કે પાણીનો ગ્લાસ સુધ્ધાં ઊંચકી ન શકાય કે પછી આંખના પલકારા પણ મારવા અશક્ય બની જાય. અમિતજીને તો ઘણી વાર પોતાના શર્ટના બટન પણ બીડવામાં તકલીફ થતી...

બીજી તરફ, એક સાથી પાંચ-સાત વિલનને એકલે હાથે ફટકારતા સલમાન ‘ભાઈ’ દાંત અને જડબામાં અચાનક  થતા તીવ્ર દુખાવાથી ત્રાહિમામ પોકારી ગયા હતા. તબીબી ભાષામાં ‘ટ્રાઈજેનિમલ ન્યુરાલ્યુઝિયા’ તરીકે ઓળખાતી આ  ‘સ્યુસાઈડલ ડિસીઝ’ માં એની યાતના એવી આકરી હોય છે કે એનાથી ગ્રસ્ત વ્યક્તિની આપઘાત કરવાની પ્રબળ ઈચ્છા થઈ જાય છે. દેશમાં એની સારવારથી ખાસ ફાયદો ન થવાથી સલમાને અમેરિકા જઈને એની સર્જરી કરાવી પછી એ બીમારીમાંથી એને થોડીક રાહત મળી હતી.

આમ તો ‘ડિમેન્શિયા’ પણ ‘અલ્ઝાઈમર’ જેવી જ વૃદ્ધાવસ્થા વખતે વળગતી બિમારી છે. રિશી કપૂરના અવસાન પછી રણધીર કપૂરને ‘ડિમેન્શિયા’ની વ્યાધિ લાગુ પડી ગઈ છે. એ વારંવાર ભૂલી જાય છે કે નાના ભાઈ રિશીનું  અવસાન થયું છે. રણધીર કપૂર ભત્રીજા રણબીરને ઘણી વાર કહે છે કે : ‘તારા ડેડી કયાં છે. એને ફોન લગાડ -મારે વાત કરવી છે!’ 

અહીં ‘ડિમેન્શિયા’ તથા ‘અફેસિયા’ વચ્ચેનો એ ભેદ છે કે ‘અફેસિયા’એ બોલતી વખતે થતી અભિવ્યક્તિની ગરબડ છે. બીજી તરફ, ‘ડિમેન્શિયા’ એ સ્મૃતિભ્રંશની અવસ્થા છે. વધતી જતી ઉમરે મગજના કોષોના ઘસારાને લીધે યાદ ન રહેવાની પરિસ્થિતિ સર્જાય છે. મગજના આ બન્ને વિકારની સારવાર લાંબી ચાલે, છતાં એમાંથી મુક્તિ મળશે કે નહીં એ ચર્ચાસ્પદ છે.

 અમિતજી સલમાનની જેમ બોલિવૂડની સ્ક્રીન પર ‘ગ્રીક ગોડ’ જેવી સુદૃઢ-મોહક કાયા ધરાવતો હ્રતિક રોશન પણ એક આધિ વ્યાધિથી પરેશાન છે. હ્રતિક પોતાના જ એકશન સીન્સ કરવાનો આગ્રહ રાખે છે. પરિણામે કેટલીક વાર એ ઈજાગ્રસ્ત પણ થાય છે. આવા જ એક સ્ટંટ દૃશ્ય દરમિયાન ઈજા થતાં એના મગજમાં લોહીના ગઠ્ઠા જામવા શરૂ થઈ ગયા પછી એને માથાનો અસહ્ય દુખાવો શરૂ થઈ ગયો, જેને તબીબી ભાષામાં ‘ક્રોનિક સબડયુરલ હેમેટોમા’ કહે છે. લાંબી સારવાર પછી એણે બ્રેન સર્જરી કરાવવી પડી પછી માથાના સતત દુખાવામાંથી એને સદભાગ્યે રાહત મળી-જે જલદી બધાને મળતી નથી. 

દક્ષિણની સુપર તારિકા સામંથા રુથ પ્રભુ, જેણે તાજેતરમાં ડિવોર્સ પછી ફરી મેરેજ કર્યા એ પણ એક દુર્લભ ગણાય એવી ‘માયોસાઈટિસ’ની બીમારીથી પીડાઈ છે. આ એક ઓટો ઈમ્યુન ડિસઓર્ડર છે, જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ ભૂલથી પોતાના જ કોષો પર હુમલો કરે છે. આના કારણે શરીરેના સ્નાયુ પર સોજા આવે છે અને બેસવા ઊઠવાની ક્રિયા અત્યંત પીડાદાયક બની જાય છે. લાંબી સારવાર અને જીવનશૈલીમાં આકરા ફેરફાર કરવાથી આ રોગમાં રાહત મળે છે..

આ જ રીતે યુવા અદાકાર વરુણ ધવન પણ એક અજાણી વ્યાધિથી ભોગ બન્યો છે. કાનની અંદર કોઈ પણ કારણસર થતી ‘વેસ્ટિબ્યુલર હાઈપોફંકશન’ બીમીરીને લીધે શરીર પર સંતુલન  રહેતું નથી. દુખાવા સાથે સતત ચક્કર પણ આવે છે. આની સારવાર પણ લાંબી ચાલે છે.    

આ બધા વચ્ચે , ‘મિસ યુનિવર્સ’ એવી આપણી રૂપસુંદરી હરનાઝ કૌલ સંધુ પણ એક વિચિત્ર બીમારીમાં સપડાઈ હતી. અચાનક એનું જેટ સ્પીડે વજન વધી ગયું ત્યારે તબીબી પરીક્ષણ પછી જાણવા મળ્યું છે કે હરનાઝ ‘સીલિઆક’ નામના ‘ઓટોઈમ્યુન’ ડિસઓર્ડરના વિકારથી પીડાઈ રહી હતી, જેમાં આપમેળે વજન વધવા માંડે.        
 
 આ બીમારીઓનો ભોગ આજકાલ અનેક યુવતી બની રહી છે. એની કોઈ દવા નથી. મન મક્કમ કરીને ડાયેટિંગ કરવું એ જ એની એક માત્ર અસરકારક સારવાર છે!