દેશના આમ આદમીને મેડિસિન માફિયાઓની ચુંગાલમાંથી કોણ ઉગારશે?
વિધિની આ તે કેવી વક્રતા છે કે દેશના આમ આદમી પર મેડિકલ માફિયાનો નાગચૂડ જેવો કબજો છે ત્યારે કેન્દ્ર સરકારનાં કહેવાતાં નિયંત્રણોને ગણકાર્યા વગર મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ જીવનરક્ષક દવાઓનો બેફામ ભાવ લઈને સામાન્ય નાગરિકને તરફડાવીને ‘હત્યા’ કરી રહી છે એ તરફ આંગળી ચીંધીને દેશની સર્વોચ્ચ અદાલતે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે ત્યારે સરકાર ભેદી રીતે મૌન છે
કવર સ્ટોરી - વિજય વ્યાસ
સુપ્રીમ કોર્ટે છેલ્લા પખવાડિયામાં દવાઓના વેચાણ અંગે વ્યક્ત કરેલી ચિંતાની ખાસ નોંધ નથી લેવાઈ એ દુ:ખદ ઘટના કહી શકાય. ભારતમાં મેડિકલ દવાઓનું ક્ષેત્ર આમેય પહેલેથી સાવ ધણીધોરી વિનાનું છે,જેના પર મેડિકલ માફિયાઓનો સખત કબજો છે. સરકારને આ માફિયાઓને અંકુશમાં લેવામાં રસ નથી તેથી પ્રજાનો ઘાણ નીકળી રહ્યો છે. દર્દીને દવા વિના ચાલે નહીં ને સમયસર દવા ન મળે તો જીવ જતો રહે તેથી લોકો જખ મારીને જીવનભરની બચત કે મરણમૂડી ખર્ચીને પણ મોંઘા ભાવે દવાઓ ખરીદે છે. લોકોની આ મજબૂરીનો મેડિસિન માફિયાઓ પૂરો ગેરલાભ ઉઠાવી રહ્યા છે ને સરકાર ચૂપચાપ તમાશો જોઈ રહી છે તેની સામે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરવી પડી છે.
પંદરેક દિવસ પહેલાં એટલે કે 29 સપ્ટેમ્બર, 2026ના રોજ સુપ્રીમ કોર્ટે જીવનરક્ષક દવાઓના બેફામ ભાવ લઈને ચલાવાતી લૂંટ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરીને દવાઓની પડતર કિંમત પર મહત્તમ 16 ટકા જ નફો લેવાનો કાયદો બનાવવાની તરફેણ કરી હતી. ખાસ કરીને અસાધ્ય એવા કૅન્સરની દવાઓ ફાર્મા કંપનીઓ છૂટક વેપારીઓને આપે એ ભાવ કરતાં દસ ગણાથી વધારે ભાવે ગ્રાહકને પધરાવીને લૂંટ ચલાવે છે તેની સામે આક્રોશ વ્યક્ત કરીને સર્વોચ્ચ અદાલતે કહેલું કે આ રીતે ઊંચો નફો લઈને દવા વેચવી એ હત્યાકાંડ સમાન છે. આ વાત સાવ સાચી છે કેમ કે દવાઓના ઊંચા ભાવના કારણે ઘણા લોકો દવાઓ જ ખરીદી શકતા નથી ને રીબાઈ રીબાઈને મરે છે. તેમની મોત હત્યા સમાન જ કહેવાય કેમ કે કૃત્રિમ રીતે દવાઓના ભાવ વધારીને તેમને મરવાની ફરજ પાડવામાં આવે છે.
આપણી કમનસીબી પાછી એ છે કે કાયદાનું યોગ્ય રીતે પાલન થતું નથી તેના કારણે લોકો પીડાઈને મરી રહ્યા છે. ભારતમાં દવાઓના ભાવોને કાબૂમાં રાખવા માટે ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઑર્ડર (DPCO), 2013 અમલમાં છે. આ કાયદા હેઠળ ફાર્મા કંપની જે ભાવે દવા આપે તેના પર હોલસેલ વ્યાપારી 8 ટકા અને રીટેઇલ વ્યાપારી 16 ટકા નફો લઈ શકે એવી જોગવાઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા આવશ્યક અને જીવનરક્ષક દવાઓનું નૅશનલ લિસ્ટ ઑફ એસેન્શિયલ મેડિસિન્સ (NLEM) તૈયાર કરવામાં આવે છે. આવી સરકારી જોગવાઈ આ લિસ્ટની દવાઓને લાગુ પડે છે જ્યારે બાકીની દવાઓના કેસમાં દર વરસે ભાવ વધારો કરવા પર મનાઈ છે. ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે કેન્દ્ર સરકારને સવાલ કર્યો છે કે ‘ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઑર્ડર (DPCO), 2013 તમામ દવાઓ પર કેમ લાગુ નથી કરાતો? મતલબ કે તમામ દવાઓ પર મહત્તમ 16 ટકા જ નફો લઈ શકાય એવી કાયદાકીય જોગવાઈ કેમ નથી કરાતી?’
સુપ્રીમ કોર્ટે કંપની દ્વારા 2700 રૂપિયામાં વેપારીને અપાતી કૅન્સરની દવાને દવાનો છૂટક વેપારી દસ ગણા એટલે કે 27 હજાર રૂપિયાના ભાવે વેચે તેને ધોળે દિવસે -ખુલ્લે આમ પાડવામાં આવતી ધાડ ગણાવીને ઝાટકણી કાઢતાં કહ્યું છે કે આરોગ્ય માનવીય જરૂરિયાત છે, લોકોની લાચારીનો લાભ ઉઠાવીને નફો કરવાની તક નથી. દર્દીઓ પોતાના જીવન માટે સંઘર્ષ કરી રહ્યા હોય ત્યારે જીવનરક્ષક દવાઓ ‘વિલાસની વસ્તુ’ ન બની જવી જોઈએ. કૅન્સર જીવલેણ બીમારી છે તેથી દર્દી અને તેનો પરિવાર મોટી લડાઈ લડતો હોય છે. આ લડાઈ સિવાય દર્દીના પરિવારે દવાના આસમાને પહોંચેલા ભાવ સામે વધારાની લડાઈ લડવી ન પડે તેવી સ્થિતિ હોવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશ સરકારની પણ ઝાટકણી કાઢેલી કેમ કે સરકારે 1,300 રૂપિયામાં ખરીદેલી કૅન્સરની દવા 32,000 રૂપિયામાં સ્ટોર પર વેચાય છે. સુપ્રીમ કોર્ટે આ સ્થિતિને બદલીને કડક ભાવ નિયમન અને જવાબદારી નક્કી કરવા પર ભાર મૂક્યો છે.
જોકે આ આક્રોશ સામે કેન્દ્ર સરકારે કોઈ પ્રતિક્રિયા નથી આપી ત્યાં સુપ્રીમ કોર્ટે ફાર્મા કંપનીઓ દ્વારા ડૉક્ટરોને મફત ભેટ કે બીજી રીતે ખુશ કરીને પોતાની કંપનીની દવા લખવા માટે પ્રેરતી ફાર્માસ્યુટિકલ કંપનીઓ સામે પગલાં લેવાની ભલામણ કરવા એક સમિતિ બનાવવા ફરમાન કર્યું છે. ‘ફેડરેશન ઑફ મેડિકલ એન્ડ સેલ્સ રિપ્રેઝન્ટેટિવ્સ એસોસિએશન ઑફ ઇન્ડિયા’ અને અન્યો દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીઓમાં ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા દવાઓના માર્કેટિંગ અને પ્રમોશન માટે જાત જાતની અનૈતિક પ્રવૃત્તિઓ આચરાય છે એવો આક્ષેપ કરીને તેના પર નિયંત્રણ માટે કાયદો બનાવવા વિનંતી કરી છે.
એ અરજીમાં દાવો કરાયો છે કે ડૉક્ટરો પોતાની જ દવા લખે એ માટે ફાર્મા કંપનીઓ પુષ્કળ નાણાં ખર્ચે છે. ડૉક્ટરો તેની લાલચમાં જરૂરી ના હોય એવી દવાઓ પણ લખી નાખે છે તેથી દવાઓનું વેચાણ તો વધે છે, પણ લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો પણ પડે છે. લોકોના જીવનના અધિકાર અને નાગરિકોના સ્વાસ્થ્યના અધિકારનું ગંભીર ઉલ્લંઘન થયું હોવાનો આક્ષેપ પણ અરજીમાં કરવામાં આવ્યો છે.
આ બંને મુદ્દા ગંભીર છે કેમ કે દવાઓના ભાવ પર નિયંત્રણ નથી તેના કારણે ગંભીર બીમારીના દર્દીની સાથે તેના પરિવારની હાલત પણ બગડી જાય છે. દર્દીને દર્દ મારી નાખે છે જ્યારે પરિવારને દવાઓનો ખર્ચ મારી નાખે છે. નિષ્ણાતોએ આ સ્થિતિને નિવારવા માટે દવા પર મહત્તમ છૂટક વેચાણ કિંમત એટલે કે મૅક્સિમમ રીટેઇલ પ્રાઇસ (એમઆરપી) લખવાના બદલે રીટેલર્સ કૉસ્ટ પ્રાઇસ (આરસીપી) લખવાનો ઉપાય સૂચવ્યો છે. રીટેલર્સ કૉસ્ટ પ્રાઇસનો મતલબ છે, છૂટક વેપારીને દવા ખરીદવામાં થતો ખર્ચ. છૂટક વેપારી તેના પર નક્કી કરેલો મહત્તમ નફો લે એવી વ્યવસ્થા ગોઠવાય તો આપોઆપ લૂંટ બંધ થઈ જાય એવો તેમનો મત છે. છૂટક વેપારી આરપીસી પર મહત્તમ 8 ટકા સુધી નફો લઈ શકે એવી વ્યવસ્થા હોવી જોઈએ. ગ્રાહકને આકર્ષવા માટે એ ઓછો નફો લે તો વાંધો નથી, પણ નક્કી મર્યાદા કરતાં વધારે નફો ના લઈ શકે.
આ વાત તાર્કિક પણ છે અને સ્વીકૃત પણ છે કેમ કે ‘ઑલ ઇન્ડિયા ઑર્ગેનાઇઝેશન ઑફ કેમિસ્ટ્સ ઍન્ડ ડ્રગિસ્ટ્સ (AIOCD)’એ પણ આ વાતમાં સહમતિ દર્શાવી છે. કૅન્સર સહિતના ગંભીર રોગ માટેની દવાઓ માટે અત્યારે કાનૂની રીતે 8 ટકા અને 16 ટકાનું માર્જિન છે તેના બદલે જથ્થાબંધ વેપારીઓ માટે 10 ટકા અને છૂટક વેપારીઓ માટે 20 ટકા માર્જિન રાખવું જોઈએ એવો તેમનો મત છે. 16 ટકા ને 20 ટકામાં ઝાઝો ફરક નથી એ જોતાં આ પ્રકારનો કાયદો બનાવાય તો કોઈ વિરોધ પણ નહીં થાય તેથી સરકારે કાયદો બનાવી દેવો જોઈએ.
ડૉક્ટરોને વિદેશ યાત્રા સહિત ગિફ્ટની લાલચો આપીને દવાઓ લખવા પ્રેરવામાં આવે છે તેના માટે તો પહેલેથી આચારસંહિતા અસ્તિત્વમાં છે જ. હવે જરૂર કાયદો બનાવવાની છે કે જેથી દોષિતોને સજા કરી શકાય. કેન્દ્ર સરકારે પોતે સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે ફાર્માસ્યુટિકલ્સ વિભાગે ફાર્માસ્યુટિકલ્સ માર્કેટિંગ પ્રૅક્ટિસ માટે યુનિફૉર્મ કોડ (UCPMP) જારી કર્યો છે. આ આંચારસંહિતા ફાર્માસ્યુટિકલ કંપનીઓ, મેડિકલ રીપ્રેઝન્ટેટિવ્સ અને એજન્ટોને લાગુ પડે છે. આ આચારસંહિતા પ્રમાણે ફાર્માસ્યુટિકલ કંપનીઓ ડૉક્ટરો કે તેમના પરિવારના સભ્યોને ભેટ, મુસાફરી સુવિધાઓ, આતિથ્ય, રોકડ અથવા બીજી કોઈ રીતે આર્થિક મદદ કરે તેના પર પ્રતિબંધ મૂકે છે. સમસ્યા એ છે કે આ આચારસંહિતા છે ને તેનો કોઈ ભંગ કરે તો તેના માટે સજાની કોઈ જોગવાઈ નથી. કેન્દ્ર સરકારે કાયદો બનાવીને સજાની જોગવાઈ કરવી જોઈએ કે જેથી સજાના ડરે આ અનૈતિકતા બંધ થાય.
ભારતમાં કરોડોની વસ્તી છે તેથી બહુ મોટું માર્કેટ છે. મેડિસિન માફિયાઓ તેનો ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છે. ડૉક્ટરો પણ પોતાનો ધર્મ ભૂલીને તેમને સાથ આપી રહ્યા છે તેના કારણે લોકોની હાલત ખરાબ છે. સરકારે લોકોની સ્થિતિ સમજીને મેડિસિન માફિયાઓ પર અંકુશ મેળવવા માટે નફાની ટોચમર્યાદા નક્કી કરવી જ જોઈએ, નહીંતર બીમારી અને દવાના બેફામ ભાવના બેવડા ફટકાથી દર્દી સાથે એનો પરિવાર પણ તરફડીને મરી જશે.