Tue Sep 15 2026

Logo

સ્વતંત્રતા દિવસ પૂર્વે જેસલમેરમાં ભારત પાકિસ્તાન સરહદે બીએસએફનું ઓપરેશન એલર્ટ

2026-08-10 18:09:45
Author: Chandrakant Kanoja
સ્વતંત્રતા દિવસ પૂર્વે જેસલમેરમાં ભારત પાકિસ્તાન સરહદે બીએસએફનું ઓપરેશન એલર્ટ

જેસલમેર: દેશમાં સ્વતંત્રતા દિવસ પૂર્વે બીએસએફએ જેસલમેરમાં ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર તકેદારી વધારી દેવામાં આવી છે. જેની માટે સરહદ પર 'ઓપરેશન એલર્ટ' શરૂ કરવામાં આવ્યું છે.  જે 17 ઓગસ્ટ સુધી અમલમાં રહેશે. જેમાં સરહદી ચોકીઓ પર સૈનિકોની સંખ્યા વધારવાની સાથે  ઉંટ અને ફૂટ પેટ્રોલિંગ પણ વધુ તીવ્ર બનાવવામાં આવ્યું છે.

ફોરવર્ડ આઉટપોસ્ટ પર ટુકડીઓની સંખ્યા બમણી કરી

બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ નહેરો અને રેતીના ટેકરાઓ વચ્ચે સ્થિત તેની ફોરવર્ડ આઉટપોસ્ટ પર ટુકડીઓની સંખ્યા બમણી કરી છે. પરંપરાગત ઊંટ-સવારી પેટ્રોલિંગની સાથે ફૂટ પેટ્રોલિંગ પણ નોંધપાત્ર રીતે વધાર્યું છે. 

નાઇટ-વિઝન ડિવાઇસ અને હાઇ ટેક ડ્રોન ડિટેક્શન સિસ્ટમનો ઉપયોગ

આ ઉપરાંત રાત્રિ દરમિયાન સરહદ પારની ગતિવિધિઓનું નિરીક્ષણ કરવા માટે નાઇટ-વિઝન ડિવાઇસ, હેન્ડ-હેલ્ડ થર્મલ ઇમેજર્સ અને હાઇ-ટેક ડ્રોન ડિટેક્શન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અધિકારીઓ સુરક્ષા વ્યવસ્થાનું મૂલ્યાંકન કરવા માટે વ્યક્તિગત રીતે ફોરવર્ડ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે. તેમજ ચોવીસ કલાક દેખરેખ રાખવામાં આવી રહી છે.

શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓની સઘન તપાસ

આ  ઓપરેશન હેઠળ  સરહદને અડીને આવેલા ગામોમાં પણ તકેદારી વધારી દેવામાં આવી છે. જેમાં જિલ્લા પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ સાથે સંકલનમાં વિવિધ સ્થળોએ રોડ બ્લોક ગોઠવવામાં આવ્યા છે. તેમજ સરહદી વિસ્તારોમાંથી પસાર થતા શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓની સઘન તપાસ કરવામાં આવી રહી છે.