Tue Oct 06 2026

Logo

મુંબઈ અને પુણે એરપોર્ટ પર ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ મોડી પડતાં પ્રવાસીઓ પરેશાન, કારણ શું?

2026-06-03 21:22:00
Author: Mumbai Samachar Team
મુંબઈ અને પુણે એરપોર્ટ પર ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ મોડી પડતાં પ્રવાસીઓ પરેશાન, કારણ શું?

મુંબઈ: ઈંધણના ભાવમાં વધારાને કારણે આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્લાઇટ્સની સંખ્યા ઓછી થઈ છે. મુસાફરોને વિમાનમાં ટેકનિકલ ખામીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. આજે સવારે મુંબઈ એરપોર્ટથી લંડન જતી બ્રિટિશ એરવેઝની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આ ખામીને કારણે ફ્લાઇટ લગભગ ચારથી પાંચ કલાક મોડી પડી હતી. બીજી બાજુ પુણેથી દુબઈ જનારી સ્પાઈસજેટની ફ્લાઈટ મોડી પડવાને કારણે પ્રવાસીઓને હાલાકી પડી હોવાનું જણાવ્યું હતું.

બુધવારે સવારે 9:30 વાગ્યે બ્રિટિશ એરવેઝની ફ્લાઇટ લંડન જવા મુંબઈથી ઉપડવાની હતી. મુસાફરો વિમાનમાં ચઢ્યા પછી ખબર પડી કે વિમાનમાં ટેક્નિકલ ખામી છે. વિમાનમાં એર કન્ડીશનીંગ સિસ્ટમ કામ કરી રહી ન હતી. 

વિમાન રનવે પર પાર્ક હોવાથી ગરમીને કારણે મુસાફરો પરસેવાથી રેબઝેબ થઈ ગયા હતા. બપોરે બે વાગ્યાની આસપાસ  ખામી દૂર કરવામાં આવી. ત્યારબાદ વિમાન ઉડ્યું હતું. જોકે, આ વિલંબથી ઘણા મુસાફરોની આગળના આયોજનમાં વિક્ષેપ પડતા તેમણે એરલાઇન્સના કામકાજ પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો.

પુણેથી દુબઈ જનારી સ્પાઈસજેટની ફ્લાઈટ મોડી પડવાને કારણે આખી રાત એરપોર્ટ પર લોકોને રાહ જોવી પડી હતી. પ્રવાસીઓએ કહ્યું હતું કે આ અંગે અમને કોઈ જાણકારી આપી નહોતી અને લાંબા સમય સુધી રાહ જોવા માટે પર્યાપ્ત સુવિધા પણ પૂરી પાડી નહોતી. પહેલી જૂનના રાતના 8.50 વાગ્યે પુણેથી દુબઈ રવાના થવાની હતી, પરંતુ એના પછી ફ્લાઈટને ઉપાડવાનું ટાળવામાં આવ્યું હતું. 

લગભગ સવારે 6.15 વાગ્યાના સુમારે ફ્લાઈટ દુબઈ રવાના થઈ હતી, પરંતુ નવ કલાક સુધી એરપોર્ટ પર રોકાઈ જવાને કારણે અનેક પ્રવાસીઓના કામકાજ અટકી પડ્યા હોવાનું પ્રવાસીએ જણાવ્યું હતું.