નવી દિલ્હી: નવી દિલ્હીમાં 12 અને 13 સપ્ટેમ્બરે યોજાનારી 18 મી બ્રિક્સ (BRICS)સમિટ માટે તૈયારીઓ આખરી તબક્કામાં છે. જેમાં મળતી માહિતી મુજબ ચીનના ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ સમિટમાં સામેલ થશે. આ અંગે ચીનના વિદેશ મંત્રાલયે સત્તાવાર પૃષ્ટિ કરી છે. આ ઉપરાંત આ સમિટના અન્ય બ્રિક્સ દેશોના નેતાઓ પણ સામેલ થશે.
શી જિનપિંગ સપ્ટેમ્બર 2014માં પ્રથમ વખત ભારતની મુલાકાતે
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સપ્ટેમ્બર 2014માં પ્રથમ વખત ભારતની મુલાકાતે આવ્યા હતા. જ્યારે તેમણે પીએમ મોદી સાથે વિસ્તૃત વાતચીત કરી હતી.શી જિનપિંગ વર્ષ વર્ષ 2016માં બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે ગોવા આવ્યા હતા. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે છેલ્લે વર્ષ 2019માં ચેન્નાઈ નજીક આવેલા મામલ્લાપુરમ ખાતે વડાપ્રધાન મોદી સાથેની અનૌપચારિક સમિટ માટે ભારતની મુલાકાત લીધી હતી.
સાત વર્ષ બાદ ભારતની મુલાકાત
આ ઉપરાંત વર્ષ 2020માં ગલવાન ઘાટીમાં અથડામણોને કારણે દ્વિપક્ષીય સંબંધોમાં તણાવ આવ્યા બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની આ સાત વર્ષમાં ભારતની પ્રથમ મુલાકાત હશે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ સામેલ થશે
ભારત 18 મી બ્રિક્સ સમિટની યજમાની કરી રહ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી યજમાન તરીકે તેમાં ભાગ લેશે. આ સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ,
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન,દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા,ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી,ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો,ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન અને ઇથોપિયાના વડાપ્રધાન અબી અહેમદ સામેલ થશે.
બ્રિક્સમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ
ઉલ્લેખનીય છે કે, બ્રિક્સમાં મૂળભૂત રીતે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થતો હતો. તેનો વર્ષ 2024માં વિસ્તાર કરીને તેમાં ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન અને સંયુક્ત આરબ અમીરાતને સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે વર્ષ 2025માં ઇન્ડોનેશિયા પણ તેમાં જોડાયું.
વિશ્વની 11 મુખ્ય ઉભરતી અર્થવ્યવસ્થાઓનું સંગઠન
બ્રિક્સ વિશ્વની 11 મુખ્ય ઉભરતી અર્થવ્યવસ્થાઓના એક પ્રભાવશાળી સંગઠન તરીકે ઉભરી આવ્યું છે. આ સંગઠન વૈશ્વિક વસ્તીના આશરે 49.5 ટકા, વૈશ્વિક જીડીપી (GDP)ના લગભગ 40 ટકા અને વૈશ્વિક વેપારના આશરે 26 ટકા હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે.