હાલમાં જ મેડિકલ જર્નલ 'ધ લેન્સેટ'માં પ્રકાશિત કરવામાં આવેલા નવા રિપોર્ટમાં બ્રેસ્ટ કેન્સરને લઈને જે આંકડાઓ અને દાવાઓ કરવામાં આવ્યા છે એ ખૂબ જ ચિંતાજનક છે. રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર આગામી બે દાયકામાં બ્રેસ્ટ કેન્સર એ એક વૈશ્વિક કટોકટી બની શકે એમ છે. વાત કરીએ 2020ની તો એ સમયે બ્રેસ્ટ કેન્સરના જે 23 લાખ કેસ જોવા મળ્યા હતા અને 2042 સુધીમાં આ આંકડો વધીને 30 લાખને અને મૃત્યુઆંક 10 લાખ સુધી પહોંચવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.
ભારત માટે ચિંતાજનક છે પરિસ્થિતિ
ભારત માટે આ રિપોર્ટના આંકડા લાલ બત્તી સમાન છે. હવે ધીરે ધીરે ભારતમાં બ્રેસ્ટ કેન્સર મહિલાઓમાં જોવા મળતું સૌથી કોમન કેન્સર બની ચૂક્યું છે. પશ્ચિમી દેશોની સરખામણીમાં ભારતમાં મહિલાઓ ખૂબ જ નાની ઉંમરે (અંદાજે 30થી 50 વર્ષની વચ્ચે) જ આ ગંભીર અને જોખમી બીમારીનો શિકાર બની રહી છે.
દર ચાર મિનિટે એક મહિલાને બ્રેસ્ટ કેન્સર ડાયગ્નોસ થાય છે
આ ઉપરાંત ભારતમાં દર બેમાંથી એક મહિલા કે જેને સ્તન કેન્સરનું નિદાન થાય છે, તેમનું મૃત્યુ થાય છે. આનું મુખ્ય કારણ જાગૃતિનો અભાવ અને મોડે મોડે કરવામાં આવેલું નિદાન છે. એક અંદાજ મુજબ, ભારતમાં દર ચાર મિનિટે એક મહિલામાં સ્તન કેન્સરનું નિદાન થાય છે અને દર આઠ મિનિટે એક મહિલા આ બીમારીને કારણે જીવ ગુમાવે છે.
60 ટકાથી વધુ કેસમાં એડવાન્સ સ્ટેજ પર ડિટેક્ટ થાય છે
ધ લેન્સેટ'ના રિપોર્ટમાં ભારત જેવા દેશો માટે કેટલીક પાયાની સમસ્યાઓ વિશે પણ વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. આ વિશ્લેષણ અનુસાર ભારતમાં 60 ટકાથી વધુ કેસો એડવાન્સ સ્ટેજ એટલે કે સ્ટેજ ત્રીજા કે ચોથા સ્ટેજમાં પહોંચ્યા પછી જ ખબર પડે છે, જેના કારણે બચવાની શક્યતા ઓછી થઈ જાય છે.
કેન્સરની કોસ્ટલી ટ્રીટમેન્ટ પણ છે કારણ
ગ્રામીણ અને રૂઢિચુસ્ત વિસ્તારોમાં મહિલાઓ સ્તન સંબંધિત સમસ્યાઓ વિશે વાત કરતા અચકાય છે, જે જીવલેણ સાબિત થાય છે. મોસ્ટ ઈમ્પોર્ટન્ટલી એટલે કે કેન્સરની કોસ્ટલી ટ્રીટમેન્ટ મધ્યમ વર્ગીય અને સામાન્ય પરિવારો માટે એક મોટા બોજ સમાન છે, જોકે સરકારી યોજનાઓ હવે આમાં મદદરૂપ થઈ રહી છે.
બચવા માટે શું છે ઉપાયો
વાત કરીએ 'ધ લેન્સેટ'ના રિપોર્ટના મુખ્ય તારણોની 2040 સુધી દુનિયાભરમાં બ્રેસ્ટ કેન્સરના કેસમાં વાર્ષિક 40 ટકાનો વધારો જોવા મળી શકે છે. જે કેન્સર શરીરના અન્ય ભાગોમાં ફેલાઈ ગયું હોય, તેના દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવશે. સરકારોએ બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનીંગ પ્રોગ્રામ્સને પ્રાથમિકતા આપવી પડશે.
નિષ્ણાતોના મતે, ભારતમાં મૃત્યુદર ઘટાડવા માટે 'અર્લી ડિટેક્શન' (વહેલું નિદાન) જ એકમાત્ર રસ્તો છે. 20 વર્ષની ઉંમર પછી દરેક મહિલાએ દર મહિને 'સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન' કરવું જોઈએ અને 40 વર્ષ પછી નિયમિત મેમોગ્રાફી કરાવવી જોઈએ, જેથી બ્રેસ્ટ કેન્સર સામેની જંગ માટેની પૂર્વ તૈયારીઓ કરવા માટે હાથમાં પૂરતો સમય રહે.