Thu Jul 23 2026

Logo

દિલ્હીની જીમખાના ક્લબ બાદ મુંબઈની બ્રિચકેન્ડી ક્લબ રડાર પર, શશી થરૂરે શૅર કર્યો પોતાનો કડવો અનુભવ

2026-05-29 13:04:00
Author: mumbai samachar team
Article Image

મુંબઈઃ ઈડી અને સરકારી વિભાગોની દિલ્હી જીમખાના ક્લબ પર કરવામાં આવેલી કડક કાર્યવાહી વચ્ચે મુંબઈના દક્ષિણના પોશ વિસ્તારમાં ભૂલાભાઈ દેસાઈ પર  સ્થિત બ્રિચ કેન્ડી ક્લબ રડારમાં હોવાનું જાણવા મળ્યું છે. આ ક્લબ યુરોપિયન દબદબો, જાતિય ભેદભાવના નિયમોને લઈને ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ ક્લબ સાથે જોડાયેલો એક જૂનો કિસ્સો કોંગ્રેસ સાંસદ શશશી થરૂરે જણાવ્યો હતો. સાંસદે કહ્યું હતું કે, બાળપણમાં મને માત્ર ભારતીય હોવા પર ક્લબના સ્વિમિંગ પૂલની બાહર કાઢી મૂકવામાં આવ્યો હતો.

કોસ્ટલ રોડ પરનું આકર્ષણ
આ આલિશાન ક્લબની સ્થાપના 1878માં બોમ્બેના માત્ર યુરોપિયન નિવાસીઓના મનોરંજન માટે કરવામાં આવી હતી. માત્ર ગોરાઓના મનોરંજન માટે આ ક્લબ શરૂ થઈ હતી. અરબ સાગરના કિનારે ચાર એકરની જમીન પર કિંમતી અને પ્રાઈમ ગણાતી જમીન પર ક્લબનું મુખ્ય આકર્ષણ આનું વિશાળ આઉટડોર સોલ્ટવોટર પૂલ છે. તેને ખાસ કરીને અવિભાજિત બ્રિટીશ ભારતના ભૌગોલિક નકશાના આકારમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેના સભ્યો દરિયા કિનારે સ્થિત ભવ્ય રેસ્ટોરન્ટ અને બારમાં ઉપલબ્ધ શેકેલા સીફૂડ અને વૈભવી સુવિધાઓને માણવા માટે જાણીતા છે. મુંબઈના કોસ્ટલ રોડ પર નિર્માણ થવાના કારણે અરબ સાગરનો એ ભાગ થોડો પાછળ ખસી ચૂક્યો છે, જે પહેલા ક્યારેક મસ્ત પૂલની સામે અરબી સમુદ્ર ઘુઘવાતો હતો. 

ક્લબની ફી કેટલી?
આ ક્લબની ફી 1.2 કરોડ રૂપિયાથી વધારે હોવાનું માનવામાં આવે છે. ક્લબમાં સભ્ય ફી બાદ પ્રવેશ માટે 10 વર્ષથી વધારેનો સમય હોય છે. સૌથી મહત્વપૂર્ણ વિવાદ ક્લબના શાસન માળખાની આસપાસનો છે. એવો આક્ષેપ કરવામાં આવે છે કે, આજે પણ, ક્લબના ટ્રસ્ટ અને મેનેજમેન્ટમાં વાસ્તવિક સત્તા ફક્ત યુરોપિયનો અથવા યુરોપિયન પાસપોર્ટ ધરાવતા વ્યક્તિઓના હાથમાં છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ મુદ્દા પર ચર્ચા વધુ તીવ્ર બની છે. આ ક્લબને લઈને યુઝર્સ પણ ઘણા પ્રશ્નો કરી રહ્યા છે.  વેન્ચર કેપિટાલિસ્ટ કૌશિક સુબ્રમણ્યમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, બ્રીચ કેન્ડી ક્લબનો વિવાદ દિલ્હી જીમખાના ક્લબ કરતા ઘણો વધારે છે. સરકારની જમીન પર બનેલી આ ક્લબ આજ સુધી ફક્ત યુરોપિયનો અથવા યુરોપિયન પાસપોર્ટ ધરાવતા વ્યક્તિઓ જ ટ્રસ્ટ અને મેનેજમેન્ટમાં સભ્ય રહેલાઓને જ અહીંયા એન્ટ્રી મળે છે. આ સિસ્ટમ વર્ષ 2026 માં પણ ચાલુ છે. તે આશ્ચર્યજનક છે.

સોશિયલ મીડિયા પર જોરશોરથી ચર્ચા
સોશિયલ મીડિયા પર, લોકો દિલ્હી જીમખાના ક્લબ અને બ્રીચ કેન્ડી ક્લબ વચ્ચે સરખામણી કરી રહ્યા છે. ઘણા લોકો દલીલ કરે છે કે, આધુનિક ભારતના સંદર્ભમાં, આવી સિસ્ટમો સમાનતા અને લોકશાહી મૂલ્યોના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. કેટલાક લોકો એવો પણ પ્રશ્ન કરી રહ્યા છે કે સ્વતંત્રતા પછી પણ આવા નિયમો આટલા વર્ષો સુધી કેમ ચાલુ છે. ખાનગી ક્લબો ઐતિહાસિક રીતે તેમના વિશિષ્ટ સભ્યપદ અને મોટા દરજ્જા માટે પ્રખ્યાત રહી છે. જ્યારે જાતિ, વારસો અથવા ઓળખ જેવા પરિબળો પ્રવેશ માટે અવરોધો બની જાય છે, ત્યારે મામલો ફક્ત મનોરંજન અને પ્રતિષ્ઠા વિશેનો આ વિષય રહેતો નથી. દિલ્હી જીમખાના ક્લબ પહેલાથી જ સરકારી જમીનના ઉપયોગ અને તેની કથિત રીતે ઉચ્ચ કક્ષાની સંસ્કૃતિને લઈને વિવાદમાં ફસાયેલ છે. આ વચ્ચે, મુંબઈનું બ્રીચ કેન્ડી ક્લબ પણ હવે તપાસ હેઠળ છે. આ તે જ ક્લબ છે જ્યાંથી શશી થરૂરને તેમના બાળપણમાં ફક્ત એટલા માટે દૂર કરવામાં આવ્યા હતા કારણ કે તેઓ ભારતીય હતા.

શશી થરૂરે જણાવી આપવીતિ
કોંગ્રેસના સાંસદ શશી થરૂર પોતે પણ બ્રીચ કેન્ડી ક્લબના કટ્ટર વંશીય વિશિષ્ટતા અનોખા નિયમનો ભોગ બન્યા છે. આ દુઃખદ ઘટનાને યાદ કરતાં તેમણે ખુલાસો કર્યો કે, 1960 ના દાયકાના મધ્યમાં - ભારતને સ્વતંત્રતા મળ્યાના લગભગ 20 વર્ષ પછી - તેમને બાળપણમાં ફક્ત 'ભારતીય' હોવાના કારણે ક્લબના સ્વિમિંગ પૂલમાંથી દૂર કરવામાં આવ્યા હતા. અમેરિકન મિત્ર સાથે ક્લબની મુલાકાતે ગયા હતા, જેમણે ક્યારેય આવી ઘટનાની અપેક્ષા રાખી ન હતી. ક્લબના આ કઠોર, ડબલ સ્ટાન્ડર્ડ ભેદભાવપૂર્ણ વહીવટી માળખાને ભારતીય નાગરિકો દ્વારા દેશભરની વિવિધ અદાલતોમાં સમયાંતરે પડકારવામાં આવ્યો છે. ન્યાયતંત્રએ તેના ઐતિહાસિક સ્થાપના દસ્તાવેજોની પવિત્રતાને સતત પ્રાથમિકતા આપી છે. 2015 માં, બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ એસ.સી. ગુપ્તેએ તેમના ચુકાદામાં, ક્લબના બંધારણ દ્વારા નિર્ધારિત ટ્રસ્ટ વ્યવસ્થા - ફક્ત યુરોપિયનો માટે અનામતની માન્યતાને સમર્થન આપ્યું હતું. 

મામલો કોર્ટમાં પ્રક્રિયા અંતર્ગત રહ્યો
ત્યારબાદ, 2022 માં, હાઈકોર્ટની એક ડિવિઝન બેન્ચે આ જ લાંબા સમયથી ચાલતા વલણને મજબૂત રીતે પુનરાવર્તિત કર્યું. ભારતીય મૂળના સભ્યો ધરાવતી એડ-હોક સમિતિને તાત્કાલિક તેમના પદ ખાલી કરવાનો આદેશ આપતા, કોર્ટે સ્પષ્ટ કર્યું કે, કાયદેસર રીતે ફક્ત યુરોપિયન નાગરિકો જ આ જાહેર ચેરિટેબલ ટ્રસ્ટના સામાન્ય ટ્રસ્ટી તરીકે સેવા આપવા માટે લાયક છે. મહારાષ્ટ્ર પબ્લિક ટ્રસ્ટ્સ એક્ટ હેઠળ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે નોંધાયેલ હોવા છતાં, ક્લબ તેના પોતાના ખાનગી ઐતિહાસિક નિયમોથી સખત રીતે બંધાયેલ છે. આ નિયમને લઈ થયેલી ચર્ચા નવી નથી. આજ સુધી, દેશની કોઈપણ સર્વોચ્ચ અદાલત કે વિધાનસભાએ હાઈકોર્ટના આ ચુકાદાને ઉલટાવી નથી.

નિર્ણય અને નિયંત્રણ કોના હાથમાં?
1967માં સિટી સિવિલ કોર્ટ દ્વારા મંજૂર કરાયેલા ટ્રસ્ટ બંધારણ મુજબ, ક્લબના ટ્રસ્ટ સભ્યોને ફક્ત "બોમ્બેમાં રહેતા યુરોપિયનો" તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે. ફક્ત આ વ્યક્તિઓને જ ટ્રસ્ટી તરીકે સેવા આપવાનો અને મેનેજમેન્ટ કમિટીમાં સામેલ થવાનો અધિકાર છે. ક્લબ નીતિઓનું નિર્માણ, નાણાકીય નિર્ણયો લેવા, સભ્યપદ પ્રવેશ પ્રક્રિયા અને વહીવટી નિયંત્રણ બધું જ આ ટ્રસ્ટ સભ્યોના હાથમાં છે. તેનાથી વિપરીત, ક્લબમાં હાલમાં આશરે 4000 સામાન્ય સભ્યો છે, જેમાંથી મોટાભાગના ભારતીય નાગરિકો છે. જ્યારે આ સભ્યો ક્લબની બધી સુવિધાઓનો ઉપયોગ કરે છે અને વિશેષાધિકાર માટે નોંધપાત્ર સભ્યપદ ફી ચૂકવે છે ત્યારે તેમને ટ્રસ્ટને લગતી બાબતોમાં મતદાનનો અધિકાર આપવામાં આવ્યો નથી. 

હાઈ પ્રોફાઈલ પરિવાર સભ્ય છે
વધુમાં, સામાન્ય સભ્યો ક્લબમાં કોઈપણ વહીવટી અથવા વ્યવસ્થાપક હોદ્દા સંભાળવા માટે અયોગ્ય છે. મુંબઈના પ્રભાવશાળી અને જૂના પૈસાવાળા પરિવારોમાં ક્લબમાં સભ્યપદને પ્રતિષ્ઠાનું પ્રતીક માનવામાં આવે છે, એક જૂથ જેમાં અગ્રણી ઉદ્યોગપતિઓ, પારસી પરિવારો, રાજદ્વારીઓ અને અન્ય ઉચ્ચ પ્રોફાઇલ પરિવારોનો સમાવેશ થાય છે. દિલ્હીની જીમખાના ક્લબ પણ ખૂબ જ વૈભવી છે અને પોતાની આગવી સુવિધાઓ માટે ચર્ચામાં રહી છે. એવામાં આ ક્લબ પણ હવે રડારમાં હોય એવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.