Tue Oct 06 2026

Logo

બૉમ્બે હાઈ કોર્ટે પૌત્રીની હત્યાના આરોપી દાદાની જામીન અરજી ફગાવી, કહ્યું- 'આપણા દેશમાં હજુ પણ પુત્રને પ્રાધાન્ય અપાય છે'

2026-09-18 17:58:36
Author: Mumbai Samachar Team
બૉમ્બે હાઈ કોર્ટે પૌત્રીની હત્યાના આરોપી દાદાની જામીન અરજી ફગાવી, કહ્યું- 'આપણા દેશમાં હજુ પણ પુત્રને પ્રાધાન્ય અપાય છે'

મુંબઈઃ બૉમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચે ગઢચિરોલી જિલ્લાના એક મહિનાની પૌત્રીની હત્યાના કેસમાં આરોપી દાદા ગોપીનાથ જાનકુ પ્રધાનના જામીન ફગાવી દીધા છે. પરિવાર પુત્ર ઈચ્છતો હોવા છતાં બીજી દીકરી જન્મતા આઘાતજનક પગલું ભરાયું હતું. કોર્ટે કડક ટિપ્પણી કરતા જણાવ્યું કે સમાજમાં પુત્ર પ્રત્યેનો પક્ષપાત હજુ પણ ચિંતાનો વિષય છે.

બોમ્બે હાઈ કોર્ટે પરિવાર બીજી દીકરી ઇચ્છતો ન હોવાથી પોતાની એક મહિનાની પૌત્રીની હત્યા કરવા બદલ ધરપકડ કરાયેલ એક વ્યક્તિને જામીન આપવાનો ઇનકાર કર્યો છે. હાઈ કોર્ટની નાગપુર બેન્ચના ન્યાયાધીશ એમ. એમ. નેરલિકરે ૯ સપ્ટેમ્બરે પસાર કરેલા એક આદેશમાં આરોપી ગોપીનાથ જાનકુ પ્રધાનની જામીન અરજી ફગાવી દીધી હતી.

પૂર્વ મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાની પોલીસે ૨૦૨૩માં પ્રધાન વિરુદ્ધ હત્યા અને પુરાવાનો નાશ કરવાના આરોપસર કેસ નોંધ્યો હતો. તેમના પર આરોપ હતો કે તેમણે તેમની એક મહિનાની પૌત્રીને ટબમાં ડુબાડીને મારી નાખી હતી. 

તે વ્યક્તિએ પોતાની જામીન અરજીમાં નિર્દોષ હોવાનો દાવો કર્યો અને ધ્યાન દોર્યું કે મૃત બાળકની માતા, જે આ કેસમાં આરોપી પણ છે, તેને અગાઉ જામીન મળી ચૂક્યા છે. ન્યાયમૂર્તિ નેરલિકરની બેન્ચે તેના આદેશમાં નોંધ્યું હતું કે, "તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે કે આઝાદીના 80 વર્ષ પછી પણ આપણા દેશમાં લોકો હજુ પણ પુત્રને જ પ્રાધાન્ય આપે છે."

શંકા જતાં એક સ્થાનિક રહેવાસીએ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી, જેના પગલે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, બાળકના મૃતદેહને જમીનમાંથી બહાર કાઢવામાં આવ્યો અને પોસ્ટમોર્ટમ તપાસમાં મૃત્યુનું કારણ ડૂબવાને લીધે શ્વાસ રૂંધાયો હોવાનું જણાયું હતું.

પ્રધાનની જામીન અરજી ફગાવી દેતાં અદાલતે નોંધ્યું હતું કે આરોપીનું વર્તન અને ગુનો આચરવાની પદ્ધતિથી તેને કોઈ પણ પ્રકારની રાહત આપી શકાય નહીં.  
(પીટીઆઈ)