Mon Jun 08 2026

Logo

'પહેલા તમે દારૂ પીવો છો, પછી દારૂ તમને... ' બોમ્બે હાઈકોર્ટે શખ્સને વળતર આપવાનો ઇનકાર કર્યો...

2026-02-13 17:27:38
Author: Savan Zalariya
Article Image

મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે રેલ્વે અકસ્માતમાં ઘાયલ થયેલા એક વ્યક્તિને વળતર આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે નોંધ્યું કે અકસ્માત વખતે અરજદાર દારૂના નશામાં હતો. આ દરમિયાન હાઈકોર્ટે દારૂના દુષ્પ્રભાવ અંગે ચેતવણી આપી. કોર્ટે અમેરિકાના પ્રખ્યાત નવલકથાકાર એફ સ્કોટ ફિટ્ઝગેરાલ્ડનાં એક વાક્યનો પણ ઉલ્લેખ કર્યો હતો.

જસ્ટિસ જિતેન્દ્ર જૈનની સિંગલ બેન્ચે બુધવારે એક આદેશ પસાર કર્યો હતો, જેની એક નકલ ગુરુવારે જાહેર કરવામાં આવી હતી. રેલ્વે અકસ્માતના ઘાયલ થયેલા એક શખ્સે વળતરની માંગ કરી હતી, વર્ષ 2014માં રેલ્વે ક્લેમ્સ ટ્રિબ્યુનલે તેની અરજી ફગાવી દીધી હતી, ટ્રિબ્યુનલનાં ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.  

સુનાવણી બાદ આપેલા ચુકાદામાં હાઈ કોર્ટે કહ્યું કે જ્યારે કોઈ શખ્સ અત્યંત દારૂ પીધેલી હાલતમાં હોય, પ્લેટફોર્મની બોર્ડરની નજીક ઉભો હોય, ત્યારે એ રેલ્વે કાયદાની કલમ 124A હેઠળ આવે છે, એવામાં તેને વળતર આપી શકાય નહીં. 

આ ચુકાદામાં હાઈ કોર્ટે એફ સ્કોટ ફિટ્ઝગેરાલ્ડનાં એક ક્વોટનો ઉલ્લેખ કર્યો. જસ્ટિસ જૈને કહ્યું, “મને એફ. સ્કોટ ફિટ્ઝગેરાલ્ડએ લખેલા આ વાક્યની યાદ આવે છે. ફર્સ્ટ યુ ટેક અ ડ્રીંક, ધેન ડ્રીંક ટેક્સ અ ડ્રીંક, ધેન ડ્રીંક ટેક્સ યુ.” 

કોર્ટે કહ્યું, “દારૂ બધું જ બરબાદ કરી દે છે. દારુ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય, કૌટુંબિક સંબંધોમાં ભંગાણ, સામાજિક તકલીફ, કારકિર્દીમાં વિક્ષેપ અને લાંબા ગાળે જીવનશૈલીના ગંભીર પરિણામોનું કારણ બને છે.” 

બોમ્બે હોસ્પિટલમાં લેબ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા અરજદારે દાવો કર્યો હતો કે 10 માર્ચ, 2001ના રોજ મધ્યરાત્રિએ, તે મરીન લાઇન્સ સ્ટેશન પર ટ્રેનમાં ચઢવા માટે પ્લેટફોર્મ રાહ જોઈ રહ્યો હતો ત્યારે, ટ્રેને તેને  ટક્કર મારી હતી.

ટ્રેનની ટક્કરને કારણે ઈજા થતા તેને જીટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને પછી બોમ્બે હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલના જણાવ્યા મુજબ તેણે દારૂ પીધેલો હતો.