નેતાજીની સુવિધા માટે 'ખાસ' દોઢ કરોડની ઈનોવા કાર પર ફડણવીસે લગાવી બ્રેક! BMCને આપ્યો ઠપકો
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)ના છ વરિષ્ઠ પદાધિકારી માટે લગભગ દોઢ કરોડ રૂપિયાના ખર્ચે નવી ટોયોટા ઈનોવા ક્રિસ્ટા કાર ભાડે લેવાના પ્રસ્તાવે મહારાષ્ટ્રની રાજનીતિનો પારો ઊંચે ચઢાવી દીધો છે. વિરોધ પક્ષના વિરોધ વચ્ચે હવે ખૂદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ મુદ્દે હસ્તક્ષેપ કરીને પાલિકાને જાહેર નાણાંના બિનજરૂરી ખર્ચ સામે કડક સંદેશ આપ્યો છે, પરંતુ આ વિવાદને લઈ રાજ્યમાં ભાજપ વિરુદ્ધ ભાજપના માહોલનું નિર્માણ થયું છે.
ફડણવીસે સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી છે કે "લોકોના પૈસા માત્ર વિકાસ કાર્યો અને જનકલ્યાણ માટે ખર્ચાવા જોઈએ. બિનજરૂરી ખર્ચ બંધ કરો અને પ્રજાના હિત પર ધ્યાન આપો". મુખ્ય પ્રધાનના આ નિવેદન બાદ પાલિકા હવે આ પ્રસ્તાવ પાછો ખેંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ વિવાદની શરૂઆત 30 જુલાઈએ યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકથી થઈ હતી. બેઠકમાં ઉપ મેયર, હાઉસ લીડર, વિપક્ષના નેતા તેમ જ ત્રણ મહત્વપૂર્ણ સમિતિઓના અધ્યક્ષ માટે નવી ટોયોટા ઈનોવા ક્રિસ્ટા ઉપલબ્ધ કરાવવાનો પ્રસ્તાવ રજૂ થયો હતો.
ખાસ વાત એ છે કે હાલમાં આ તમામ પદાધિકારીઓ પાસે મહિન્દ્રા સ્કોર્પિયો-એન જેવી એસયુવી ગાડી ઉપલબ્ધ છે. તેમ છતાં નવી ગાડીઓની જરૂરિયાત કેમ ઉભી થઈ તે મુદ્દે કોંગ્રેસના ગૃપ લીડર અશરફ આઝમીએ સવાલ ઉઠાવ્યો હતો. તેની સાથે સાથે મનસેના નગરસેવકોએ પણ આ પ્રસ્તાવનો વિરોધ રમકડાંની ગાડીઓ આપીને નોંધાવ્યો હતો.
કિશોરી પેડણેકરે પણ આ પ્રસ્તાવને વખોડ્યો હતો. તેમણે પાલિકાની આર્થિક સ્થિતિનો ઉલ્લેખ કરતાં આ ખર્ચને બિનજરૂરી ગણાવ્યો અને કહ્યું હતું કે જ્યારે નાગરિક સુવિધાઓ માટે નાણાંની જરૂર હોય ત્યારે આવી વૈભવી સુવિધાઓને પ્રાથમિકતા આપવી યોગ્ય નથી.
વિવાદે ત્યારે નવો વળાંક લીધો જ્યારે ભાજપના જ નેતાઓ આ પ્રસ્તાવના વિરોધમાં જાહેરમાં દેખાયા અને મુખ્ય પ્રધાન ફડણવીસે જાહેરમાં જ આ ખર્ચ સામે નારાજગી વ્યક્ત કરી. રાજકીય વર્તુળોમાં આ સમગ્ર ઘટનાને 'ભાજપ વિરુદ્ધ ભાજપ'ની સ્થિતિ તરીકે જોવામાં આવી રહી છે.
ભાજપના ગૃપ લીડર ગણેશ ખણકરે દાવો કર્યો કે આ પ્રસ્તાવ તમામ રાજકીય પક્ષોના નેતાઓની સંમતિથી આગળ વધ્યો હતો અને હવે રાજકીય લાભ માટે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે ભવિષ્યમાં આવા દરેક પ્રસ્તાવ પર તમામ પક્ષોના નેતાઓની સહી લેવામાં આવશે જેથી બાદમાં કોઈ વિવાદ ઊભો ન થાય. સ્થાયી સમિતિના અધ્યક્ષ પ્રભાકર શિંદેએ પણ કહ્યું કે વિરોધ પક્ષના સભ્યો આ નિર્ણયથી સંપૂર્ણપણે વાકેફ હતા.
આક્ષેપો વચ્ચે ગણેશ ખણકરે વધુ એક મહત્વની સ્પષ્ટતા કરી હતી. તેમના જણાવ્યા મુજબ પાલિકાની યોજના આ વાહનો ખરીદવાની નહોતી, પરંતુ 'વેટ લીઝ' પદ્ધતિ હેઠળ ભાડે લેવાની યોજના હતી. એટલે કે મહાનગરપાલિકા માત્ર ડ્રાઈવર અને ઈંધણનો ખર્ચ ઉઠાવશે, વાહનોની ખરીદી નહીં કરે. તેમણે મેયર અને મ્યુનિસિપલ કમિશનરને બાદ કરતાં તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વરિષ્ઠ અધિકારીઓ માટે એકસમાન વાહન નીતિ બનાવવાની પણ ભલામણ કરી હતી.
મુખ્ય પ્રધાનના કડક વલણ બાદ હવે પાલિકા માટે આ પ્રસ્તાવ જાળવી રાખવો મુશ્કેલ માનવામાં આવી રહ્યો છે. રાજકીય વિશ્લેષકોના મતે આ ઘટનાએ સ્પષ્ટ કર્યું છે કે સરકાર હવે જાહેર નાણાંના ખર્ચને લઈને વધુ સંવેદનશીલ દેખાવા માંગે છે. બીજી તરફ, વિરોધ પક્ષ આ મુદ્દાને 'જનતાના પૈસા સામે સત્તાધીશોની સુવિધા' તરીકે રજૂ કરી રહ્યો છે. આમ દોઢ કરોડની ઈનોવા કારનો પ્રસ્તાવ હવે માત્ર વાહનોની ખરીદીનો મુદ્દો રહ્યો નથી, પરંતુ મહારાષ્ટ્રની રાજનીતિમાં જવાબદારી, જાહેર ખર્ચ અને સત્તાધારી પક્ષની આંતરિક અસહમતિનું પ્રતિક બની ગયો છે.