(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકામાં છ રાજકીય પદાધિકારીઓનાં સત્તાવાર વાહનો બદલવા માટે પાલિકાના ૧.૫ કરોડ રૂપિયાના પ્રસ્તાવથી સ્થાયી સમિતિમાં રાજકીય ઘર્ષણ જોવા મળ્યું હતું. વિરોધ પક્ષે ખર્ચની જરૂરિયાત પર સવાલ ઉઠાવતા ભાજપે રાજકીય દંભનો આરોપ લગાવતા દાવો કર્યો હતો કે આ જ પક્ષોએ અગાઉ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું તો હવે જાહેરમાં તેનો વિરોધ શા માટે કરે છે?
પાલિકા દ્વારા ડેપ્યુટી મેયર, ગૃહના નેતા, વિરોધ પક્ષના નેતા અને ત્રણ મુખ્ય સમિતિના અધ્યક્ષો સહિત વરિષ્ઠ રાજકીય પદાધિકારીઓ માટે છ નવી ટોયોટા ઇનોવા ક્રિસ્ટા વાહનો પર ખર્ચ કરવાનો પ્રસ્તાવ મૂક્યા પછી સત્તાવાર વાહનો અંગેનો વિવાદ વધુ વકર્યો હતો. પાલિકામાં કોંગ્રેસના જૂથના નેતાએ આ પગલાની ટીકા કરી નાણાકીય પડકારો વચ્ચે મહિન્દ્રા સ્કોર્પિયો-એન બદલવાની જરૂરિયાત સામે સવાલ કર્યા હતા અને તેને બિનજરૂરી ખર્ચ ગણાવ્યો હતો. જોકે ભાજપે વળતો પ્રહાર કરતા કહ્યું કે આ પ્રસ્તાવ એકપક્ષીય નિર્ણય નથી પરંતુ તમામ રાજકીય પક્ષોના નેતાઓની સંમતિથી મંજૂર કરવામાં આવ્યો છે.
ભાજપે આ વિવાદને બિનજરૂરી ગણાવતા કહ્યું હતું કે આ પ્રસ્તાવ પર ચર્ચા થઈ હતી ત્યારે બધાએ સંમતિ આપી હતી. સ્થાયી સમિતિના અધ્યક્ષ પ્રભાકર શિંદેએ પણ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું અને આરોપ લગાવ્યો કે વિપક્ષના સભ્યો આ નિર્ણયથી વાકેફ હતા અને અગાઉ તેના પર સંમત થયા હતા. બધા રાજકીય પક્ષો દ્વારા ચર્ચા અને સ્વીકાર કરાયેલા મુદ્દા પર હવે વાંધો ઉઠાવવો ખોટો છે.
શાસક પક્ષના સભ્યોએ કૉંગ્રેસ દ્વારા વાહન બદલવાનો પ્રસ્તાવ એજન્ડામાં ન હોવા છતાં સ્થાયી સમિતિમાં ઉઠાવવા પર વાંધો ઉઠાવતા સ્થાયી સમિતિમાં શબ્દયુદ્ધ ફાટી નીકળ્યું. તેમણે તેમના પર સૂચિબદ્ધ કાર્યવાહીથી ભટકવાનો આરોપ લગાવ્યો અને અધ્યક્ષને હસ્તક્ષેપ કરવાની માંગ કરી. કૉંગ્રેસના નેતાએ વળતો પ્રહાર કરતા કહ્યું કે તેઓ પાલિકાના ખર્ચ, પ્રાથમિકતાઓ અને નાણાકીય શિસ્તની તાત્કાલિક જરૂરિયાત પર મોટી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
આ દરમ્યાન ભાજપના નગરસેવક અને હાઉસ લીડરે કહ્યું હતું કે આ વિવાદ ખોટો હતો, પાલિકાએ આ વાહનો ખરીદ્યા નથી પરંતુ તેમને વેટ લીઝ ધોરણે ભાડે રાખ્યા છે. તેમણે નિર્દેશ કર્યો કે જ્યારે વાહનો ભાડે આપવામાં આવે છે, ત્યારે પાલિકા ફક્ત ઇંધણ અને ડ્રાઇવરો માટે ચૂકવણી કરે છે.
વાહનોને અપગ્રેડ કરવાની માગણી મૂળ રીતે તમામ રાજકીય પક્ષોના નેતાઓ તરફથી આવી હતી, પરંતુ હવે તેઓ આ નિર્ણયથી દૂર ભાગીને ખોટો વિવાદ ઊભો કરી રહ્યા છે. હાઉસ લીડરે સમાન વાહન નીતિની માંગણી કરતા કહ્યું કે મેયર અને મ્યુનિસિપલ કમિશનર સિવાય તમામ વરિષ્ઠ અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને સમાન શ્રેણીના વાહનો પૂરા પાડવા જોઈએ.