(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની સ્કૂલના આઠમા ધોરણના વિદ્યાર્થીઓ માટે વરલીના નહેરુ સેન્ટરમાં પિકનિકનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને મફતમાં લઈ જવામાં આવનારી આ શૈક્ષણિક પિકનિકનો પ્રસ્તાવ સ્થાયી સમિતિમાં મંજૂરી માટે આવ્યો છે. જોકે પિકનિક માટે કરવામાં આવનારા ખર્ચ સામે વિરોધપક્ષે પ્રશાસનની કામગીરી સામે સવાલ ઉપસ્થિત કર્યા છે.
પાલિકા પ્રશાસન દ્વારા સ્થાયી સમિતિમાં ૮૭ લાખ રૂપિયાનો પ્રસ્તાવ મંજૂરી માટે આવવાનો છે, જોકે વિદ્યાર્થીઓને મફત શૈક્ષણિક પ્રવાસ માટે વરલી સ્થિત નહેરુ સેન્ટર લઈ જવા પાછળ થનારા અધધ ખર્ચને જોતા વિરોધપક્ષે ખર્ચ અને કરાર પ્રક્રિયા પર પ્રશ્ર્નો ઉઠાવ્યા છે.
પ્રશાસને આ શૈક્ષણિક પ્રવાસ દરમ્યાન વિદ્યાર્થીઓ માટે નાસ્તા અને ભોજનની વ્યવસ્થા માટે કૉન્ટ્રેક્ટરને (ફૂડલિંક) લગભગ ૮૭ લાખ રૂપિયાનો સીધો કરાર આપવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. વિપક્ષે આ મુદ્દા પર વાંધો ઉઠાવ્યો છે અને આરોપ લગાવ્યો છે કે ટેન્ડર પ્રક્રિયાને બાજુએ રાખીને સીધો કૉન્ટ્રેક્ટ આપવાનું કારણ શું?
પ્રશાસનના જણાવ્યા મુજબ નહેરુ સેન્ટર વિસ્તારમાં કેટરિંગ સેવાઓ પૂરી પાડવાનો અધિકાર ફક્ત ફૂડલિંક કંપની પાસે હોવાથી ઓપન ટેન્ડર પ્રક્રિયા કર્યા વિના સીધો જ કૉન્ટ્રેક્ટ આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન એક્ટ મુજબ ત્રણ લાખ રૂપિયાથી વધુના કામો માટે ટેન્ડર પ્રક્રિયા જરૂરી છે. જોકે આ પ્રકરણમાં આ શરત હળવી કરવા માટે શિક્ષણ સમિતિને એક અલગ પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. તેથી ટેન્ડર નિયમોમાં છૂટછાટ આપવાના નિર્ણય પર પણ પ્રશ્ર્ન ઊભા થઈ રહ્યા છે.
આ પ્રસ્તાવ સ્થાયી સમિતિ અને શિક્ષણ સમિતિ સમક્ષ અંતિમ મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યો છે. સમિતિઓની મંજૂરી મળ્યા પછી જ પિકનિકનું આયોજન અંતિમ સ્વરૂપમાં કરવામાં આવશે.
Ai Image