(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અનેક હાઇ પ્રોફાઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની ડિઝાઇનમાં ખામીઓ અને આયોજન ભૂલો અંગે થયેલી ટીકા બાદ મુંબઈ મહાનગરપાલિકાએ શહેરમાં મુખ્ય પુલ, ફ્લાયઓવર અને ટનલ પ્રોજેક્ટના અમલીકરણનું આયોજન, ડિઝાઇન અને દેખરેખ રાખવા માટે ૨૯ ટૅકનિકલ સલાહકારોની પાંચ વર્ષની પેનલની નિમણૂક કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
ગુરુવારે પાલિકાની સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થનારા આ પ્રસ્તાવમાં મોટાભાગના પ્રોજેક્ટ માટે ક્ધસલ્ટન્સી ફી ૩.૫ કરોડ રૂપિયા સુધીની મર્યાદિત કરવામાં આવી છે અને સલાહકારની ભૂલોથી ઉદ્ભવતી ડિઝાઇન ભિન્નતા અથવા વધારાના ખર્ચને પ્રોજેક્ટના મૂલ્યના ૧૫ ટકા સુધી મર્યાદિત કરવામાં આવ્યો છે. પ્રસ્તાવમાં જણાવાયું છે કે મર્યાદાનો ભંગ કરવાથી ક્ધસલ્ટન્સી ફીના ૧૦ ટકા જેટલો દંડ થઈ શકે છે.
ગોરેગાંવમાં નવા ઉદ્ઘાટન કરવામાં આવેલા મૃણાલતાઈ ગોર ફ્લાયઓવરની અસમાન સપાટી, સેન્ટ્રલ ડિવાઇડર અને રાહદારી સુવિધાઓ વિનાનો વિક્રોલી રેલ્વે ઓવરબ્રિજ ખોલવા અને અંધેરીમાં ગોપાલ કૃષ્ણ ગોખલે બ્રિજના બંને આર્મનું પુન:નિર્માણ દરમિયાન સંરેખિત ન થવા સહિત અનેક માળખાગત વિવાદો પછી આ પગલું લેવામાં આવ્યું છે.
પેનલમેન્ટ માટે બિડ સબમિટ કરનાર ૩૧ કંપનીઓમાંથી ૨૯ કંપનીઓને તેમની ટૅક્નિકલ કુશળતા અને ઓળખપત્રોની ચકાસણી પછી શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી. સલાહકારો પ્રોજેક્ટ ડિઝાઇન તૈયાર કરશે, બાંધકામ પહેલાં ઍન્જિનિયરિંગ પડકારોને ઓળખશે અને ડિઝાઇન નિષ્ફળતાઓ અને વિલંબને રોકવા માટે અમલીકરણ દરમિયાન સુધારાત્મક પગલાંની ભલામણ કરશે. પ્રસ્તાવિત ફી કેપ કેબલ-સ્ટેડ, કમાન અને સસ્પેન્શન બ્રિજ જેવા ટૅક્નિકલ રીતે જટિલ માળખાં પર લાગુ થશે નહીં, જેના માટે અલગ ફી શેડ્યૂલ લાગુ થશે.