Mon Aug 31 2026

Logo

બજારોના પુન:વિકાસ માટે નવી પૉલિસી બનાવવામાં આવશે

2026-08-08 09:52:00
Author: Sapna Desai
બજારોના પુન:વિકાસ માટે નવી પૉલિસી બનાવવામાં આવશે


(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની માલિકીની  બજારોની માળખાકીય સ્થિતિ નબળી હોવાથી  તેના પુન:વિકાસ માટે નીતિ ઘડવા માટે પાલિકાની સ્થાયી સમિતિએ એક ખાસ બેઠક યોજવાનો નિર્ણય લીધો છે. 

દાદરમાં ૪૬ વર્ષ જૂની સાવરકર માર્કેટને સ્ટ્રક્ચરલ ઓડિટમાં સી-ટૂબી શ્રેણીના માળખા તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે, જેના માટે અંદાજિત  ૨.૪૬ કરોડ રૂપિયાના મોટા સમારકામની જરૂર છે. સમારકામના પ્રસ્તાવને તાજેતરમાં પાલિકાની સ્થાયી સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. ચર્ચા દરમિયાન મનસેના  જૂથ નેતા યશવંત કિલ્લેદારે જણાવ્યું હતું કે બજારનો પુન:વિકાસ જરૂરી છે, પરંતુ તાત્કાલિક સમારકામના કામો હાથ ધરવા જોઈએ કારણ કે બજારના કામ હાથમાં લેવામાં આવે ત્યારે વેપારીઓ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ હોતી નથી. 

સ્થાયી સમિતિના અધ્યક્ષ પ્રભાકર શિંદેએ લગભગ ૨૦ મ્યુનિસિપલ બજારોના પુન:વિકાસ માટે અગાઉના પ્રસ્તાવોના ભાવિ પર પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે વિલંબને કારણે બજારો પાર્કિંગ જગ્યાઓ અને કોલ્ડ સ્ટોરેજ જેવી આવશ્યક સુવિધાઓથી વંચિત રહ્યા છે.  મોટાભાગના મ્યુનિસિપલ બજારોની સ્થિતિ ખરાબ છે અને તાત્કાલિક સમારકામ જરૂરી છે.  અનામત બજાર પ્લોટ વિકસાવવા માટે લાંબા ગાળાના અભિગમની જરૂર હોવા પર તેમણે ભાર મૂક્યો હતો. 

સ્થાયી સમિતિ અધ્યક્ષે જણાવ્યું હતું કે આગામી ખાસ બેઠકમાં બજાર પુન:વિકાસ માટે એક વ્યાપક વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવશે, જેમાં વાણિજ્યિક ઉપયોગ, એજન્સીઓની ભાગીદારી અને પાલિકા માટે વધારાની આવક ઉત્પન કરવાના રસ્તાઓનો સમાવેશ થાય છે.