Wed Sep 23 2026

Logo

મુંબઈમાં ગમે ત્યાં ફેંકવામાં આવતા બાંધકામ અને તોડકામ દરમ્યાન નીકળનારા કાટમાળ  પર આવશે નિયંત્રણ

2026-09-10 09:23:00
Author: Sapna Desai
મુંબઈમાં ગમે ત્યાં ફેંકવામાં આવતા બાંધકામ અને તોડકામ દરમ્યાન નીકળનારા કાટમાળ  પર આવશે નિયંત્રણ

 કાટમાળ લઈ જનારા વાહનોનું રજિસ્ટ્રેશન અને ડિજિટલ ટ્રેકિંગ ફરજિયાત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:  મુંબઈ મહાનગરપાલિકાએ ક્ધસ્ટ્રકશન અને ડિમોલિશન (સીઍન્ડડી) કચરાનું વહન કરતા વાહનોની નોંધણી અને ડિજિટલ ટ્રેકિંગ ફરજિયાત બનાવ્યું છે. પાલિકાએ તે માટે બિલ્ડરો, ડેવલપર, કૉન્ટ્રાક્ટરો, સરકારી એજન્સીઓ અને ટ્રાન્સપોર્ટરોને તેની મુંબઈ ડેબ્રિઝ કંટ્રોલ ઍન્ડ ટ્રેકિંગ સિસ્ટમ (એમડીસીટીએસ) નું પાલન કરવા માટે ૧૫ દિવસનો સમય આપવામાં આવ્યો છે.

બુધવારે પાલિકા પ્રશાસને એક જાહેર નોટિસ જારી કરીને સીઍન્ડડી કચરાના ઉત્પાદન, પરિવહન, પ્રક્રિયા, રિસાયક્લિંગ, અનલોડિંગ અથવા બેકફિલિંગ સાથે સંકળાયેલા તમામ હિસ્સેદારોને નિર્ધારિત સમયગાળામાં  એમડીસીટીએસ પોર્ટલ પર તેમના પ્રોજેક્ટ અને વાહનોની નોંધણી કરાવવાનો નિર્દેશ આપ્યો છે. સિસ્ટમ હેઠળ સીઍન્ડડી કચરો અથવા ખોદકામ સામગ્રીનું પરિવહન કરતા દરેક વાહનમાં પાલિકા-એમ્પેનલ્ડ  દ્વારા પૂરી પાડવામાં આવેલ સક્રિય વેહિકલ ટ્રેકિંગ અને મોનિટરિંગ સિસ્ટમ (વીટીએમએસ) ફીટ કરવી પડશે. 

માન્ય એમડીસીટીએસ રજિસ્ટ્રેશન અથવા માન્ય વીટીએમએસ વગરનાં વાહનોને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બાય-લોઝ, ૨૦૨૫ હેઠળ પ્રતિ વાહન ૨૫,૦૦૦ રૂપિયાનો દંડનો સામનો કરવો પડશે. પાલિકાના અધિકારીના કહેવા મુજબ આ પગલાનો હેતુ કાટમાળના પરિવહનના નિરીક્ષણમાં રહેલી ખામીઓને દૂર કરવાનો અને શહેરભરમાં અનધિકૃત સ્થળોએ બાંધકામ કચરાના ડમ્પિંગને રોકવાનો છે. 

મુંબઈ દરરોજ લગભગ ૮,૫૦૦ મેટ્રિક ટન સીઍન્ડડી કચરો ઉત્પન્ન કરે છે. પાલિકાએ પ્રોજેક્ટના સમર્થકો અને કચરાના જનરેટર્સને નિર્ધારિત સીઍન્ડડી કચરો વ્યવસ્થાપન યોજના સબમિટ કરવા અન્ય સીઍન્ડી કચરામાંથી ખોદકામ સામગ્રીને અલગ કરવા અને ફક્ત નોંધાયેલા અને અધિકૃત ટ્રાન્સપોર્ટરોને જોડવાનો નિર્દેશ આપ્યો છે. આ દરમ્યાન ટ્રાન્સપોર્ટરોએ ખાતરી કરવાની જરૂર પડશે કે કાટમાળ ફક્ત અધિકૃત પ્રક્રિયા, રિસાયક્લિંગ, અનલોડિંગ અથવા બેકફિલિંગ સુવિધાઓ પર જ લઈ જવામાં આવે. 

મુંબઈમાં એક સ્થળેથી બીજા સ્થળે જતા સમયે વાહનોમાંથી છલકાતા અને ધૂળના ઉત્સર્જનને રોકવા માટે સામગ્રી વહન કરતાં વાહનોને યોગ્ય રીતે આવરી લેવા પડશે. એમડીસીટીએસનો હેતુ સીઍન્ડડી કચરાના દરેક લૉડ માટે ઍન્ડ-ટુ-ઍન્ડ ડિજિટલ ટ્રેઇલ બનાવવાનો છે. આ સિસ્ટમ પાલિકાના  વહીવટને તેના ઉત્પાદન કેન્દ્રથી અધિકૃત ગંતવ્ય સ્થાન સુધી કાટમાળની ગતિવિધિને ટ્રેક કરવામાં સક્ષમ બનાવશે.

પાલિકાએ જણાવ્યું હતું કે આ માળખું ખાનગી, સરકારી, અર્ધ-સરકારી અને માળખાગત પ્રોજેક્ટને એક સામાન્ય દેખરેખ પદ્ધતિ હેઠળ લાવશે.  રજિસ્ટ્રેશન અને ટ્રેકિંગ આવશ્યકતાઓનું પાલન ન કરનારા પ્રોજેક્ટ અને વાહનોને ઓળખવા માટે વોર્ડ સ્તરે વેરિફિકેશન બાદ તેનું  અમલીકરણ પણ હાથ ધરશે. ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ ઉપરાંત ગેરકાયદેસર ડમ્પિંગ, અનધિકૃત પરિવહન અથવા સીઍન્ડડી કચરાના નિકાલ પર વધુ કડક કાર્યવાહી થઈ શકે છે, જેમાં સ્ટોપ-વર્ક ઓર્ડર, પરવાનગીઓ સસ્પેન્ડ કરવી, બેંક ગેરંટી સામે કાર્યવાહી અને લાગુ કાયદા હેઠળ અન્ય કાર્યવાહીનો સમાવેશ થાય છે. પાલિકાએ  આ પગલું ત્યારે લીધું છે જ્યારે શહેર પુનર્વિકાસ, માળખાગત સુવિધાઓ અને માર્ગ પ્રોજેક્ટ દ્વારા ઉત્પન્ન થતા મોટા પ્રમાણમાં બાંધકામ કાટમાળથી ઝઝૂમી રહ્યું છે.

વધુ જુઓ...