(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની માલિકીની હજારો કરોડ રૂપિયાની જમીનો અને મિલકતોને મામૂલી દરે ખાનગી ડેવલપરોને આપી દેવાના પ્રસ્તાવને મંગળવારે સામાન્ય સભામાં કોઈ પણ જાતની ચર્ચા વગર મંજૂરી આપી દેવામાં આવી હતી, તેની સામે વિરોધપક્ષે સભાગૃહમાંથી નારાબાજી કરીને વોકઆઉટ કર્યું હતું અને સભાગૃહની બહાર જ સભાગૃહ યોજ્યું હતું. બાદમાં તમામ વિરોધપક્ષે પાલિકાના એડિશનલ કમિશનરની મુલાકાત લઈને સભાગૃહમાં સુધાર સમિતિના મંજૂર કરવામાં આવેલા તમામ પ્રસ્તાવને રદ કરવાની તેમ જ કાયદાકીય કાર્યવાહીની માગણી કરી હતી.
સુધાર સમિતિની ૨૮ જુલાઈ અને ૧૪ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ થયેલી બેઠકમાંથી ૧૦ પ્રસ્તાવ ચર્ચા વગર જ સભાગૃહમાં મંજૂર કરવામાં આવ્યા હતા. કૉંગ્રેસે દાવો કર્યો છે કે આ મિલકતોનું સંયુક્ત મૂલ્ય ૨૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ છે અને કોઈ પણ જાતની ચર્ચા વગર જાહેર મિલકતની ખુલ્લી લૂંટની ટીકા કરવામાં આવી રહી છે. આ નિર્ણયના વિરોધમાં કૉંગ્રેસ, શિવસેના (ઠાકરે), મનસે સહિત સમાજવાદી એમ તમામ વિરોધપક્ષના તમામ નગરસેવકોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. ‘ચોકીદાર ચોર હૈે’ સાથેના નારા સાથે સભાગૃહની બહાર જ સભા યોજી હતી. એ બાદમાં તમામ વિરોધપક્ષે પાલિકાના એડિશનલ કમિશનર અવિનાશ ઢાકણેની મુલાકાત લઈને મંગળવારે ગૃહમાં સુધાર સમિતિના જેટલા પ્રસ્તાવ મંજૂર થયા હતા, તે તમામ પ્રસ્તાવ રદ કરવાની લેખિતમાં માગણી કરી હતી.
કૉંગ્રેસના ગ્રૂપ લીડર અશરફ આઝમીએ કહ્યું હતું આટલા મોટા આર્થિક મૂલ્યના પુન:વિકાસ માટે પ્લોટના ટ્રાન્સફર, લીઝ, રિઝર્વેશનમાં ફેરફાર અને જોગવાઈ પર ગૃહમાં ચર્ચા ન થવા દેવી એ લોકશાહી પ્રક્રિયાનું ગળું દબાવવા સમાન છે. વિરોધપક્ષ નેતા અને ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકરે કહ્યું હતું કે મુંબઈના પ્લોટ અને સામાન્ય નાગરિક સાથે સંકળાયેલા હિત સાથે જોડાયેલા વિષય પર વિરોધપક્ષ સાથે સવિસ્તર ચર્ચાની માગણી કરવી એ વિરોધપક્ષનો મૂળભૂત અધિકારી હતો. વિરોધપક્ષ પ્રસ્તાવમાં રહેલી ખામીઓ અને જનહિતને લગતી બાબતો જ સભાગૃહમાં રજૂ કરવામાં માગતું હતું અને તે બાબતે મેયર સામે અનેક વખત વિનંતી કરવામાં આવી હતી પણ સત્તાધારીએ વિરોધપક્ષને નહીં ગણકારતા તેમના સંખ્યાબળનો ગેરઉપયોગ કરીને મહાનગરપાલિકાના નિયમની વિરુદ્ધ જઈને સભાનું કામકાજ ચલાવીને ઉતાવળે પ્રસ્તાવ મંજૂર કર્યા હતા. લોકશાહીનું ગળું દબાવી દેવાની ઘટના છે. વિરોધપક્ષના અવાજને દબાવીને લોકશાહીના મૂલ્યનું અપમાન કરવામાં આવ્યું હોવાથી વિરોધપક્ષે સભાત્યાગ કર્યો હતો.
બોકસ
કરોડોની કિંમતની જમીન ખાનગી ડેલપરોને
મંગળવારે સામાન્ય સભામાં સુધાર સમિતિનો મરોલમાં લગભગ ૬૬,૬૮૭.૯૦ ચોરસ મીટર મ્યુનિસિપલ જમીન પર સેવન હિલ્સ હૉસ્પિટલ ચલાવવા માટે વધુ ૩૦ વર્ષ માટે નવીનીકરણનો વિકલ્પ આપવાની ભલામણને લગતો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો હતો, તેની સામે કૉંગ્રેસે ગૃહમાં કોઈ પણ જાતની ચર્ચા નહીં કરતા ખાનગી સંસ્થાને આટલી મોટી જમીનનો લાંબા ગાળાનો ઉપયોગ કેવી રીતે મંજૂર થઈ શકે? એવો સવાલ ઉપસ્થિત કર્યો હતો. મુલુંડમાં ૬૦,૭૦૩ ચોરસ મીટર જમીન ખાનગી કૉન્ટ્રેક્ટરને કાસ્ટિંગ યાર્ડ, પ્રિકાસ્ટ એલિમેન્ટ મેન્યુફેક્ચરિંગ અને આરએમસી પ્લાન્ટ સ્થાપવા માટે આપવાનો પ્રસ્તાવ મંજૂર કરવા સામે પણ વિરોધપક્ષે નારાજગી વ્યક્ત કરી હતી. લોઅર પરેલમાં પાલિકાની માલિકીની ૮,૯૯૪.૦૫ ચોરસ મીટર જમીનને ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજનામાં પ્લોટ સાથે મર્જ કરવાની ભલામણ સુધાર સમિતિએ કરી છે, તેનો લગતો પ્રસ્તાવ પણ મંજૂર કરવામાં આવ્યો છે. આંબીવલીમાં લક્ષ્મીનારાયણ મંદિરનો ૧,૮૪૦ ચોરસ મીટર પ્લોટ પર બગીચા અને ઉદ્યાનનું અનામત રદ કરવા અને તે વિસ્તારને રહેણાંક વિસ્તારમાં સમાવવા માટે ડેવલપમેન્ટ પ્લાનમાં સુધારો કરવાની પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત મુલુંડ પૂર્વમાં ૪,૨૪૭.૫૦ ચોરસ મીટર વિસ્તાર પરના રમતગમત સંકુલ-સ્ટેડિયમનું અનામત રદ કરવા અને પેટ્રોલ પંપનું અનામત પ્રસ્તાવિત કરવા માટે ડેવલપમેન્ટ પ્લાનમાં સુધારો કરવાની પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવી છે.