Wed May 06 2026

Logo

મુંબઈ મહાનગરપાલિકાની ફિક્સ ડિપોઝિટ ૮૧, ૪૪૯ કરોડ પર: ગયા વર્ષની સરખામણીમાં માત્ર ૩૨૫ કરોડનો ઘટાડો

2026-02-26 09:22:00
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધી તરફથી)
મુંબઈ: છેલ્લા કેટલાક વર્ષોથી મુંબઈ મહાનગરપાલિકાની ફિક્સ ડિપોઝિટમાં સતત ઘટાડો થઈ રહ્યો હોવાનું જણાઈ આવ્યું છે.  ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ફિક્સ ડિપોઝિટમાં  ૩૨૫ કરોડનો ઘટાડો થયો છે. આ વર્ષના બજેટ મુજબ, મુંબઈ મહાનગરપાલિકાની ડિપોઝિટ હાલમાં ૮૧ , ૪૪૯ કરોડ છે. ગયા વર્ષે તે ૮૧ ,૭૭૪ કરોડ રૂપિયા હતી.

મુંબઈ મહાનગરપાલિકાની ડિપોઝિટ, જેમાં ૨૦૨૧-૨૨માં ૯૧,૦૦૦ કરોડની ફિક્સ ડિપોઝિટ હતી, તે ૨૦૨૪-૨૫માં ૮૧,૭૭૪ કરોડ થઈ ગઈ.   વર્ષમાં મહાનગરપાલિકાની ફિક્સ ડિપોઝિટમાં લગભગ ૧૦ હજાર કરોડનો ઘટાડો થયો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, મહાનગરપાલિકાએ મોટા માળખાકીય પ્રોજેક્ટ્સ હાથ ધર્યા છે. આ પ્રોજેક્ટના આયોજન અને અમલીકરણ માટે નગરપાલિકાની ફિક્સ ડિપોઝિટ ઝડપથી ઘટવા લાગી છે. તેથી, આ વર્ષે તેમાં કેટલો ઘટાડો થશે તે અંગે ચર્ચા થઈ હતી. આ સંદર્ભમાં પાલિકા ગૃહના વિરોધ પક્ષના નેતા કિશોરી પેડણેકરે ફિક્સ ડિપોઝિટ પર શ્વેતપત્ર બહાર પાડવાની માંગ કરી હતી.

પાલિકાના વિવિધ વિભાગોની વધારાની રકમની ફિક્સ ડિપોઝિટ વિવિધ બેંકોમાં છે. આ ડિપોઝિટ વિવિધ બેંકોના વ્યાજ દર પૂછીને સૌથી વધુ વ્યાજ દર આપતી બેંકોમાં રોકાણ કરવામાં આવે છે. તે ફિક્સ ડિપોઝિટ પરથી પાલિકાની નાણાકીય સ્થિતિનો અંદાજ લગાવી શકાય છે. એસ્ટેબ્લિશમેન્ટ ખર્ચ અને નિવૃત્ત કર્મચારીઓના લેણાં નગરપાલિકાની ફિક્સ ડિપોઝિટમાંથી ચૂકવવામાં આવે છે. ઉપરાંત, વિવિધ વિકાસ કામ  માટે કોન્ટ્રાક્ટરો પાસેથી લેવામાં આવેલી ડિપોઝિટનો પણ આ ડિપોઝિટમાં સમાવેશ થાય છે.

તેનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થાય છે?
હાલમાં પાલિકા પાસે ઉપલબ્ધ ૮૧,૦૦ કરોડની ફિક્સ ડિપોઝિટમાંથી, કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ,પેન્શન, ગ્રેચ્યુઇટી, અન્ય ખાસ ભંડોળ, કોન્ટ્રાક્ટરો અને ડિપોઝિટર માટે ૪૪,૮૨૬ કરોડનો ઉપયોગ કરવો ફરજિયાત છે. તેથી પાલિકા તે રકમનો ઉપયોગ વિકાસ કાર્યો, મોટા પ્રોજેક્ટ્સ માટે કરી શકતી નથી. જોકે, બાકીના ૩૬,૬૨૩  કરોડનો ઉપયોગ વિકાસ ભંડોળ માટે કરી શકાય છે.