Sun Aug 23 2026

Logo

વૃક્ષ સંરક્ષણ નિયમોનું ઉલ્લંંઘન: બે હાઉસિંગ સોસાયટી સામે બીએમસીની કાર્યવાહી

2026-08-04 08:25:00
Author: Sapna Desai
Article Image

હાઉસિંગ સોસાયટી વિરુદ્ધ પોલીસમાં ગુનો દાખલ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં વૃક્ષને નુકસાન પહોંચાડવા બદલ તેમ જ મંજૂરી વગર વધુ પ્રમાણમાં  વૃક્ષની છટણી કરવા બદલ બે હાઉસિંગ સોસાયટી સામે મુંબઈ મહાનગરપાલિકાએ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. 

વૃક્ષોનું રક્ષણ કરવા અને પર્યાવરણીય સંતુલન જાળવવા માટે પાલિકા દ્વારા વૃક્ષ સંરક્ષણ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક વલણ અપનાવ્યું છે. પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ  દિંડોશી મેટ્રો સ્ટેશન નજીક આવેલી એક હાઉસિંગ સોસાયટીના કૉમ્પ્લેક્સની બહાર વૃક્ષોને નુકસાન પહોંચાડવા બદલ સંબંધિત હાઉસિંગ સોસાયટીના પદાધિકારીઓ અને ડેવલપર સામે કુરાર પોલીસ સ્ટેશનમાં બિન-દખલપાત્ર ગુનો નોંધવામાં આવ્યો છે. ઉપરાંત, ઘાટકોપર (પશ્ર્ચિમ) માં પણ એક હાઉસિંગ સોસાયટીના  પરિસરમાં પાલિકા દ્વારા આપવામાં આવેલી પરવાનગી કરતા વધુ વૃક્ષો કાપવામાં આવ્યાં હોવાનું જાણવા મળતાં સંબંધિત હાઉસિંગ સોસાયટી સામે કેસ નોંધવામાં આવ્યો છે.

પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે દિંડોશી મેટ્રો સ્ટેશન પાસે આવેલી હાઉસિંગ સોસાયટી બાબતે પાલિકાના  પી નોર્થ વોર્ડને  એક ઓનલાઈન ફરિયાદ મળી હતી કે આ હાઉસિંગ સોસાયટીની સામેનાં બે વૃક્ષોને ઝેરી ઇન્જેક્શન આપીને સુકાવી દેવામાં આવ્યાં છે. આ ફરિયાદને ધ્યાનમાં લેતા ઉદ્યાન  વિભાગના અધિકારીઓએ સંબંધિત સ્થળનું ઈન્સ્પેકશન કર્યું હતું એ દરમ્યાન જણાઈ આવ્યું હતું  હાઉસિંગ સોસાયટીના પ્રવેશદ્વાર સામેના રસ્તા પર આવેલા પેલ્ટોફોરમ પ્રજાતિના ઝાડના થડ પર જમીનની નજીક લગભગ વીસથી બાવીસ કાણા પાડવામાં આવ્યા હતા અને તેમાં ઝેરી ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. હાઉસિંગ સોસાયટીના બીજા પ્રવેશદ્વાર સામેનું ઝાડ સંપૂર્ણપણે સુકાઈ ગયું હતું. પ્રથમ દ્રષ્ટિએ સ્પષ્ટ હતું કે હાઉસિંગ સોસાયટીએ વૃક્ષોને નુકસાન પહોંચાડ્યું હતું. પાલિકા દ્વારા  સંબંધિતો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તે મુજબ, મહારાષ્ટ્ર (શહેરી વિસ્તારો) વૃક્ષો સંરક્ષણ અને જાળવણી અધિનિયમ, ૧૯૭૫ ની કલમ આઠ સાથે કલમ ૨૧ હેઠળ કુરાર પોલીસ સ્ટેશનમાં બિન-દખલપાત્ર ગુનો નોંધવામાં આવ્યો છે.

ઘાટકોપર (પશ્ર્ચિમ)માં આવેલી હાઉસિંગ સોસાયટીએ તેના કૉમ્પલેક્સમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી પરવાનગીની મર્યાદા કરતાં વધુ એટલે કે ૧૦૦ થી વધુ વૃક્ષો કાપ્યા હોવાની ફરિયાદ એન-વોર્ડને  મળી હતી.  તેથી સંબંધિત સ્થળનું ઈન્સ્પેકશન કરતા એવું જાણવા મળ્યું કે મંજૂર પરવાનગીથી  વધુ પ્રમાણમાં વૃક્ષોની કાપણી કરવામાં આવી હતી. 

કોઈપણ વૃક્ષ કાપતા પહેલા પાલિકા પાસેથી પૂર્વ પરવાનગી મેળવવી ફરજિયાત છે અને મંજૂર શરતોનું કડક પાલન કરવું ફરજિયાત છે. આ નિયમોનું ઉલ્લંઘન કરવાના પ્રકરણમાં કાયદા મુજબ સંબંધિત વ્યક્તિ, સંસ્થા અથવા ડેવલપર સામે દંડ અને ફોજદારી કાર્યવાહીની જોગવાઈ છે. તે મુજબ આ હાઉસિંગ સોસાયટી લિમિટેડ સામે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
પાલિકાના એડિશનલ કમિશનર (પૂર્વીય ઉપનગર) ડૉ. અવિનાશ ઢાકણેએ જણાવ્યું હતું કે કોઈપણ વૃક્ષને નુકસાન પહોંચાડવું, ઝેરી પદાર્થો અથવા ઇન્જેક્શન આપવા, વૃક્ષો કાપવા અથવા નાશ કરવા એ કાયદા હેઠળ સજાપાત્ર ગુના છે. જો આવી ઘટનાઓ ધ્યાનમાં આવે તો નાગરિકોએ તાત્કાલિક સંબંધિત વિભાગને જાણ કરવી જોઈએ અને પર્યાવરણ સંરક્ષણ માટે સહકાર આપવો જોઈએ.