Thu Sep 03 2026

Logo

પાલિકામાં ભાજપનો રેઢિયાળ કારભાર: ચોમાસામાં મુંબઈ પાણીમાં ડૂબશે

2026-05-28 08:55:00
Author: Sapna Desai
પાલિકામાં ભાજપનો રેઢિયાળ કારભાર: ચોમાસામાં મુંબઈ પાણીમાં ડૂબશે

નાળાસફાઈના કામની મુદત બીજી વખત લંબાવીને ૧૦ જૂન 
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકામાં ભાજપનો રેઢિયાળ કારભાર ચાલી રહ્યો છે. ચોમાસું નજીક છે છતાં હજી નાળાસફાઈના કામના કોઈ ઠેકાણા નથી. નાળાસફાઈના કામમાં સતત મુદત વધારવામાં આવી રહી છે. માનખુર્દ, ગોવંડી અને ચેમ્બુરના અમુક વિસ્તારોને આવરી લેતા ઝોન પાંચમાં નાળાની સફાઈનું કામ હજી શરૂ થયું નહોવાનો બુધવારે સ્થાયી સમિતિમાં મુદ્દો ચર્ચાએ આવ્યો હતો. પાલિકા પ્રશાસને આ વિસ્તાર માટે સમયમર્યાદા હવે ૧૦ જૂન સુધી લંબાવી છે. એ સિવાય ઝોન છમાં પણ ભાંડુપ, કાંજુર સહિતના વિસ્તારોમાં નાળસફાઈના કામના ઠેકાણે નથી ત્યારે આ વર્ષે ચોમાસામાં મુંબઈ પાણીમાં ડૂબવાની પૂરેપૂરી શકયતા જણાઈ રહી છે. 

બુધવારે સ્થાયી સમિતિમાં ઝોન પાંચમાં આવેલા નાળાઓની સફાઈના કામને લગતો પ્રસ્તાવ મંજૂરી માટે આવ્યો હતો. ચર્ચા દરમ્યાન કૉંગ્રેસના નગરસેવક અશરફ આઝમીએ આરોપ કર્યો હતો કે નાળાને સાફ કરવાની પ્રક્રિયા ફક્ત કાગળ પર રહી છે. ૨૫ મેના સ્થાયી સમિતિના નગરસેવકોએ દેવનાર, માનખુર્દ અને મીઠી નદીની નબળી સફાઈનો પર્દાફાશ કર્યો હતો.  વિરોધપક્ષના નગરસેવકોે એવો આરોપ પણ કર્યો હતો કે નાળામાંથી કાઢવામાં આવેલો ગાળ કિનારા પર જ ફેંકવામાં આવ્યો છે અને હવે વરસાદ દરમ્યાન ફરી ગટરમાં ધોવાઈ જશે.

શિવસેના (ઉદ્ધવ)ના નગરસેવકે સ્થાયી સમિતિમાં એવો આરોપ પણ લગાવ્યો હતો કે ‘એસ’ વોર્ડમાં આવતા ભાંડુપ સહિતના વિસ્તારોમાં હજી સુધી નાળાની સફાઈનું કામ શરૂ જ થયું નથી. ઝોન છમાં આવતા ‘એસ’વોર્ડમાં અત્યાર સુધી માંડ ૧૫.૩૭ ટકા જેટલી સફાઈ થઈ છે.  તેથી આ વર્ષે ચોમાસાના પહેલા જ વરસાદમાં મુંબઈ જળબંબાકાર થવાની ભારોભાર શકતા જણાઈ રહી છે.

મુંબઈમાં નાળાઓને સાફ કરવાની  અંતિમ મુદતને થોડા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે  ખાસ કરીને ઝોન-પાંચમાં આવતા  માનખુર્દ, ગોવંડી અને ચેમ્બુરના કેટલાક ભાગોને આવરી લેતા ઘણા નાળાઓની સફાઈનું કામ હજુ સુધી કામ શરૂ થયું નથી, એવો આક્ષેપ વિરોધપક્ષના નગરસેવકો દ્વારા થઈ રહ્યા છે ત્યારે પાલિકામાં સત્તા મેળવવાની સાથે જ મુંબઈને પૂરમુક્ત કરવાના બણંગા ફૂંકનારી ભાજપના નગરસેવકો જ ચોમાસામાં મુંબઈ પૂરમુક્ત રહેશે એવું આશ્ર્વાસન આપી શકતા નથી એવી કબૂલાત સ્થાયી સમિતિમાં કરીને  પોતાની જવાબદારીથી  ભાજપે હાથ ખંખેરી દીધા હોવાનું જણાઈ આવ્યું હતું.

ચોમાસાની તૈયારી અંગે વધતી ચિંતાઓ વચ્ચે પાલિકા પ્રશાસને આ વિસ્તારો માટે સમયમર્યાદા ૧૦ જૂન સુધી લંબાવી દીધી છે. અગાઉ ૩૧ મે સુધીમાં નાળાસફાઈનું કામ પૂર્ણ કરવાનું હતું. એ બાદ આ મુદતને પાંચ જૂન સુધી લંબાવવામાં આવી હતી અને ફરી એક વખત મુદત લંબાવવાનો પ્રશાસને નિર્ણય લીધો છે, ત્યારે નાળાસફાઈ માટે મુદત લંબાવવાને કારણે  સ્થાયી સમિતિએ ડિફોલ્ટર કોન્ટ્રાક્ટરો પર કડક કાર્યવાહી કરવા અને સુધારેલી સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેલા લોકો સામે કડક કાર્યવાહી શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.