Fri May 01 2026

Logo

પાલિકાનો અજબ કારભાર: મીઠી નદી માટે ફાળવેલા ભંડોળમાંથી ૯૦ કરોડ  ઘાટકોપર-માનખુર્દ લિંક રોડ ફ્લાયઓવરના કામ માટે ફાળવી દીધા

2026-03-27 08:55:00
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસને  મીઠી નદી અને અન્ય નદીઓને પહોળી અને ઊંડી કરવા માટે ફાળવવામાં આવેલા ભંડોળમાંથી ૯૦ કરોડ રૂપિયા ઘાટકોપર-માનખુર્દ લિંક રોડ પર ફલાયઓવરને લંબાવવા માટેના કામમાં ડાઈવર્ટ કરી દીધા હતા, તેની તપાસ ચાલી રહી છે ત્યારે તેનો લગતો પ્રસ્તાવ સ્થાયી સમિતિમાં મંજૂરી માટે આવ્યો હતો. તેની સામે  વિરોધપક્ષે  છેલ્લા ત્રણ વર્ષમાં ઈન્ટર ડિપાર્ટમેન્ટલ ટ્રાન્સફર રેકોર્ડની માગ કરી હતી અને પ્રશાસનનું નાણાકીય આયોજન એકદમ નબળું હોવાનો આરોપ કર્યો હતો. 

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં મીઠી નદી સહિત અન્ય નદીઓને પહોળી કરવા માટે ફાળવવામાં આવેલા ૧૫૦ કરોડ રૂપિયામાંથી ફક્ત ૧૦ કરોડ રૂપિયા પાલિકાએ ખર્ચયા હતા. પાલિકા  વાશી ખાતે સાયન-પનવેલ હાઈવે તરફ ઘાટકોપર-માનખુર્દ લિંક રોડ ફ્લાયઓવરને લંબાવવા માટે બાકી રહેલા ૧૪૦ કરોડમાંથી ૯૦ કરોડ રૂપિયા ફાળવવાનો પ્રસ્તાવ સ્થાયી સમિતિમાં મંજૂરી માટે લાવી હતી. ભંડોળને ટ્રાન્સફર કરવાના પ્રસ્તાવ પર બુધવારે સ્થાયી સમિતિમાં ચર્ચા કરવામાં આવી હતી, જેના પર કૉંગ્રેસે છેલ્લા ત્રણ વષના ભંડોળ-ટ્રાન્સફરની  માગ કરી હતી.

પાલિકાના એડિશનલ કમિશનર વિપીન શર્માએ આ બાબતે ખુલાસો આપતા કહ્યું હતું કે મીઠી નદીના કામમાં બ્લેક લિસ્ટ થયેલા કૉન્ટ્રેક્ટરોને કોઈ ચૂકવણી કરવામાં આવી નથી, તેને કારણે ભંડોળનો એક ભાગ વપરાયેલા વગરનો પડી રહ્યો છે. આ રકમ માર્ચ અંત સુધીમાં વાપરી નહીં તો તે લેપ્સ થઈ જશે.  તેથી સ્થાયી સમિતિેના અધ્યક્ષે આ ભંડોળને ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી હતી. જોકે સ્થાયી સમિતિમાં સભ્યોએ ઊભા કરેલા સૂચનોને ધ્યાનમાં લેવાનો નિર્દેશ આપ્યો હતો.

નોંધનીય છે કે ઘાટકોપર-માનખુર્દ લિંક રોડ ફ્લાયઓવર એક્સટેન્શનમાં બે ભાગનો સમાવેશ થાય છે. એક વાશી તરફ ૮.૫ મીટર પહોળો, ૧,૪૭૩ મીટરનો પટ્ટો અને ૧,૯૩૦ મીટરનો રિટર્ન પટ્ટો. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ લગભગ ૧,૦૫૧ કરોડ રૂપિયાનો છે અને તેનો હેતુ માનખુર્દમાં મહારાષ્ટ્ર નગર જંકશન પર ભીડ ઓછી કરવાનો છે, જ્યા ઘાટકોપર-મુલુંડ લિંક રોડ સાયન-પનવેલ હાઈવેને મળે છે. જોકે હાલમાં ફક્ત ૩૪૪ કરોડ રૂપિયા ઉપલબ્ધ હોવાથી પ્રોેજેક્ટ પૂરો કરવામાં અડચણ આવી રહી છે. અપૂરતા ભંડોળને પગલે પાલિકા પ્રશાસને રીવર ઈમ્પ્રુમેન્ટ બજેટ (નદી સુધારણા પ્રોજેક્ટ)માંથી ભંડોળ મેળવવાની યોજના ધરાવે છે.