આવક વધારવા ગ્રીન બોન્ડ અને એન્ટરટેઈમેન્ટ ટેક્સ વસૂલ કરવાની યોજના
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એશિયાની સૌથી શ્રીમંત કહેવાતી મુંબઈ મહાનગરપાલિકાનું ૨૦૨૬-૨૭ના આર્થિક વર્ષ માટે બુધવારે કમિશનર ભૂષણ ગગરાણીએ ૮૦,૯૫૨ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું. ૮૯.૮૪ કરોડના પુરાંતવાળું આ બજેટ અત્યાર સુધીનું સૌથી મોટું કહેવાય છે. મુંબઈગરા પર કોઈ પણ જાતના નવા કરવેરાનો બોજો ઝીંકવામાં આવ્યો નથી. તો આગામી આર્થિક વર્ષ માટે કોઈ નવા મેગા વિકાસલક્ષી પ્રોજેક્ટની જાહેરાત નહીં કરતા પાયાભૂત સુવિધા પર ભાર આપીને તે માટે ૪૮,૧૬૪.૨૮ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. મુખ્યત્વે વર્સોવા-દહિસર-ભાયંદર લિંક રોડ, ગારગાઈ ડેમ અને દરિયાના ખારા પાણીને મીઠુ કરવાના પ્રોજેક્ટ પર ધ્યાન આપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ માટે ફિક્સ ડિપોઝિટમાંથી ૧૩,૭૬૫.૭૪ કરોડ રૂપિયા અને સ્પેશિયલ ફંડમાંથી ૧૪,૨૯૫.૮૬ કરોડ રૂપિયા ઉપાડવાની યોજના છે.
બુધવારે રજૂ થયેલા બજેટમાં નવા પ્રોજેક્ટને બદલે જૂના પ્રોજેક્ટને પૂરા કરવા પર જ ભાર આપવામાં આવ્યો છે, જેમાં મુખ્યત્વે મુંબઈ કોસ્ટલ રોડ (દક્ષિણ) પૂરો થયા બાદ પાલિકાનું હવે સંપૂર્ણ ધ્યાન મુંબઈ કોસ્ટલ રોડ (ઉત્તર) એટલે વર્સોવાથી દહિસર-ભાંયદર પર છે. કોસ્ટલ રોડ, મુંબઈ સ્યુએજ પ્રોજેક્ટ, વોટર સપ્લાય પ્રોજેક્ટ, રોડ, સ્ટોર્મ વોટર, આરોગ્ય, ગોરેગામ-મુલુંડ લિંક રોડ, આશ્રય યોજના અંતર્ગત સફાઈ કર્મચારીઓ માટે ક્વાર્ટર્સ વગેરે માટે મોટા પ્રમાણમાં આર્થિક જોગવાઈ કરવામાં આવી છે.
ચાલુ આર્થિક વર્ષની સરખામણીમાં ૨૦૨૬-૨૭ના આર્થિક વર્ષના બજેટમાં ૮.૭૭ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. મુંબઈ મહાનગરપાલિકાના બજેટમાં છેલ્લાં બે વર્ષથી મોટો વધારો જોવા મળ્યો છે. ૨૦૨૪-૨૫માં ૬૫,૧૮૦.૮૦ કરોડનું તો ૨૦૨૫-૨૬માં ૭૪,૪૨૭.૪૧ કરોડ રૂપિયાનું હતું અને હવે ૨૦૨૬-૨૭માં બજેટ ૮૦,૯૫૨ કરોડ રૂપિયાએ પહોંચી ગયું છે.
ચાલુ આર્થિક વર્ષમાં બજેટમાં વિકાસ કામ માટે ૪૩,૧૬૨.૨૩ કરોડની જોગવાઈ સામે ૨૦૨૬-૨૭ના બજેટમાં આ આંકડો ૪૮,૧૬૪.૮ કરોડનો છે. ભાજપે મહાનગરપાલિકામાં સત્તા હાથમાં લીધા બાદ આ પહેલું બજેટ હોવા છતાં કોઈ નવા પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી નથી, તેને બદલે પ્રશાસને ચાલુ પ્રોજેક્ટને પૂરા કરવા માટે ભંડોળ પર ધ્યાન આપ્યું છે.
બજેટમાં પાલિકાએ આવક ઊભી કરવા માટે ડેવલપમેન્ટ પ્લાન તરફથી ૨૦૨૬-૨૭માં ૧૨,૦૫૦ કરોડની આવક પ્રસ્તાવિત કરી છે. ૨૦૨૫-૨૬માં ડેવલપમેન્ટ પ્લાનિંગ વિભાગને પ્રાપ્ત થનારી આવક ૯,૭૦૦ કરોડની અપેક્ષિત હતી, તે ૧૧,૧૫૩.૭૫ કરોડ સુધારિત કરવામાં આવી હતી. તેને કારણે ૧૪.૯૯ ટકા એટલે કે ૧,૪૫૩.૭૫ કરોડ રૂપિયા જેટલો વધારો થયો હતો. ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી પાલિકાનેે ૮,૧૩૮.૨૬ કરોડની આવક થઈ છે. તો પાલિકાને ચાલુ વર્ષમાં ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી પ્રોપર્ટી ટેક્સના માધ્યમથી ૪,૮૧૨.૩૪ કરોડની આવક થઈ છે. વર્ષ ૨૦૨૬-૨૭માં ૭,૦૦૦ કરોડની આવક રળવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
આવક ઊભી કરવા માટે પાલિકાએ પોતાના પ્લોટ લીઝ પર આપવાનો નિર્ણય લીધો છે, જેમાં છત્રપતિ શિવાજી મહારાજ માર્કેટ, વરલીનો અસફાલ્ટ પ્લાન્ટ અને લોઅર પરેલનો પ્લોટ પણ આપવાની છે.
પાલિકાએ પોતાના બજેટમાં ફરી એક વખત બેસ્ટ ઉપક્રમને મદદ જાહેર કરી હતી. ૨૦૧૨-૧૩થી જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં ૧૨૦૨૮.૮૧ કરોડ રૂપિયાની આર્થિક મદદ કરી છે. હવે ફરી એક વખત ૨૦૨૬-૨૭માં ૧,૦૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ ગ્રાન્ટ તરીકે પ્રસ્તાવિત કરી છે.
પાલિકાએ ૨૦૨૬-૨૭ તેના પુલ વિભાગ માટે ૯,૬૫૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે, જેમાં ૫,૫૧૯ કરોડ રૂપિયા તેના સુધારિત અંદાજ કરતા ૭૦ ટકાથી વધુનો વધારો છે. રોડ અને ટ્રાફિક ડિપાર્ટમેન્ટને ૬,૮૭૫ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પ્રોજેક્ટ માટે ૫,૬૯૦ કરોડ, રોડ ક્રૉંક્રીટાઈઝેશન માટે ૫,૫૨૦ કરોડ, વર્સોવા-ભાયંદર કોસ્ટલ રોડ માટે ૪,૭૦૦ કરોડ, ગોરેગામ-મુલુંડ લિંક રોડ માટે ૨,૬૫૦ કરોડનો સમાવેશ થાય છે. વાયુ પ્રદૂષણની વધતી ચિંતા સામે પાલિકાએ તેના પર્યાવરણ અને આબોહવા પરિવર્તન વિભાગ માટે ગયા વર્ષે જે ૭૬ કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી, તેને બમણી કરીને ૧૫૯ કરોડની કરી છે.
મુંબઈ મહાનગરપાલિકાના ૨૦૧૭ની ચૂંટણીમાં ચૂંટાયેલા નગરસેવકોની મુદત માર્ચ ૨૦૨૨માં પૂરી થયા બાદ છેલ્લાં ત્રણ વર્ષથી મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર પ્રશાસક તરીકે બજેટ રજૂ કરી રહ્યા હતા. છેલ્લા ત્રણ વર્ષના બજેટ કોઈ પણ જાતની ચર્ચા વગર મંજૂર થયા હતા. હવે જોકે આ વર્ષે ૧૫ જાન્યુઆરી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પાર પડયા બાદ હવે ૨૦૨૬-૨૭નું બુધવારે રજૂ થયેલા બજેટ પર હવે નગરસેવકો ચર્ચા કરશે અને એ બાદ તેને મંજૂરી મળશે.
મુંબઈમાં બ્રિજ ડિપાર્ટમેન્ટ માટે ૯,૬૫૦ કરોડ
પાલિકાના બજેટમાં સૌથી વધુ રકમ બ્રિજ ડિપાર્ટમેન્ટ માટે ફાળવવામાં આવી છે. ૨૦૨૬-૨૭ના બજેટમાં કુલ ૯,૬૫૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે, જે ગયા વર્ષના અંદાજિત ૫,૫૧૯ કરોડ કરતા ૭૦ ટકા વધુ છે
વોટર ટેક્સ અને એન્ટેરટેઈનમેન્ટ ટેક્સ
મહારાષ્ટ્ર એન્ટરટેઈનમેન્ટ ડ્યૂટી એક્ટ હેઠળ એન્ટરટેઈનમેન્ટ ટેક્સ વસૂલવાની જવાબદારી સ્થાનિક અધિકારીઓને સોંપવામાં આવી છે. રેવેન્યૂ એન્ડ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધીની રાહત લંબાવી છે, પાલિકાએ રાજ્ય સરકારને એક પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેમાં પાલિકા દ્વારા એન્ટરટેઈનમેન્ટ ટેક્સને ઔપચારિક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જો સરકાર મંજૂરી આપે અને સત્તાવાર સૂચના જારી કરે તે પછી શરૂ થશે એવું ભૂષણ ગગરાણીએ કહ્યું હતું. વધુમાં કમિશનરે ક્હ્યું હતું કે અમે એન્ટરટેઈનમેન્ટ ટેક્સમાંથી વાર્ષિક ૪૦૦થી ૫૦૦ કરોડની આવક મેળવવાની અપેક્ષા રાખીએ છીએ. તેમ જ વર્તમાનમાં બજેટમાં વોટર ટેક્સમાં પણ કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
મલ્ટિપર્પસ અંડર ગ્રાઉન્ડ ટનલ બનાવાશે
શહેરની ટ્રાફિક સમસ્યા અને ચોમાસામાં ભરાતા પાણીની સમસ્યાનો નિકાલ લાવવા માટે પાલિકા મલ્ટિપર્પસ અંડરગ્રાઉન્ડ ટનલ બાંધવાની છે, જેમાં અંડરગ્રાઉન્ટ ટનલમાં એક સ્તરનો ઉપયોગ ટ્રાફિક માટે, બીજી ટનલનો ઉપયોગ યુટિલિટિઝ સર્વિસ અને સ્યુએજ લાઈન માટે કરવામાં આવવાનો છે. સ્યુએજ સિસ્ટમનો ઉપયોગ મુશળધાર વરસાદ દરમ્યાન ભાંગી પડતી હોય છે. તેથી આ પ્રોજેકટને કારણે મુશળધાર વરસાદમાં પણ વરસાદી પાણીનો નિકાલ ઝડપથી થશે.
એન્ટ્રી પોઈન્ટ પર ક્લોક ટાવર બનશે
મુંબઈની ઓળખને મજબૂત બનાવવાના હેતુથી પાલિકા પ્રશાસને શહેરના ચાર મુખ્ય પ્રવેશ સ્થળે ક્લોક ટાવર સાથે ભવ્ય પ્રવેશ દ્વારા બનાવવાની યોજના જાહેર કરી છે. ચોક્કસ સ્થળ હજી નક્કી કર્યા નથી પણ આ પ્રોજેકટથી શહેરના સૌંદર્યમાં ચોક્કસ વધારો થશે અને પ્રવાસીઓમાં તે આકર્ષણનું કેન્દ્ર બનશે.
સ્માર્ટ પાર્કિંગ યોજના
પાલિકા સમગ્ર મુંબઈમાં સ્માર્ટ પાર્કિંગ પ્રોજેક્ટ લાગુ કરવાની યોજના ધરાવે છે. તે માટે પાલિકાએ ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે. વધુ સંગઠિત અને સિટીઝન ફ્રેન્ડલી પાર્કિંગ સિસ્ટમ બનાવવાના હેતુથી આ પ્રોજેક્ટમાં એક મોબાઈલ પાર્કિંગ એપ્લિકેશનનો પણ સમાવેશ થશે, જેનાથી નાગરિકો ચોક્કસ સમય માટે પાર્કિંગ જગ્યાઓ પહેલાથી બુક કરી શકશે.