ભોપાલ/મુંબઈઃ નવી દિલ્હીમાં ચાલી રહેલા કોક્રોરોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શનના પડઘા હવે સમગ્ર દેશના મહાનગરમાં પડી રહ્યા છે. એવામાં કોંગ્રેસના નેતાઓ એમની પડખે ઊભા રહેતા સમગ્ર ઘટનામાં પોલિટિકલ ફ્લેવર ઉમેરાઈ ગયો છે. કેન્દ્રી મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ કરતા 'જેન-ઝી' કહેવાતા યુથ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.
સૌથી મોટી અને ખાસ વાત એ છે કે સમગ્ર ઘટનાના કેન્દ્રમાં રહેલા અભિષેક દીપકે જ્યારે ઘર્ષણ થયું ત્યારે ક્યાંય જોવા મળ્યા ન હતા. દિલ્હી પોલીસની મંજૂરી વગર સંસદ સુધીની યાત્રાના મુદ્દે પણ હવે રાજકીય પાર્ટીઓ અને કોક્રોરોચ જનતા પાર્ટીમાં સામ-સામે ખો-ખો રમાઈ રહી છે. સોનમ વાંગચુકને હાઈ કોર્ટના આદેશ બાદ હાયર સેન્ટર રીફર કરી દેવામાં આવ્યા હતા. ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં એમને વધુ સારવાર માટે ખસેડાયા છે.
સરકારને આપ્યું એલર્ટ
કોક્રોરોચ જનતા પાર્ટીના પ્રવક્તા આશુતોષ રાંકાએ સરકારને એલર્ટ આપતા કહ્યું હતું કે, સરકાર ભલે વિરોધ કરનારા પર UAPA લગાવે કે NSA લગાવી દે, વિરોધ પ્રદર્શન યથાવત રહેશે. સંસદમાં મોનસૂન સત્ર શરૂ થઈ ચૂક્યું છે. આ સત્ર પ્રાથમિક તબક્કાથી જ હંગામાથી ભર્યું રહ્યું છે. પહેલા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસના કદાવર નેતા સાથે વિરોધ પ્રદર્શન કર્યું અને વડા પ્રધાનના આવાસ પાસે અનશન પર ઊતર્યા હતા. આ પછી હવે ભાજપના નેતાઓ વિરોધ પ્રદર્શન કરવા માટે મેદાને પડ્યા છે.
મુંબઈ, ભોપાલ અને પટણામાં ભાજપના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધી સામે વિરોધ વ્યક્ત કર્યો છે. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લેતા કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓની વાત સાંભળવી એ અમારી જવાબદારી છે. વિપક્ષ વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરી રહ્યો છે. વિરોધ પ્રદર્શન દરમિયાન જે યુવાનોને ઈજા પહોંચી છે એમની સારવાર લેડી હાર્ડિંગ મેડિકલ કૉલેજમાં ચાલી રહી છે. કેટલાક ઈજાગ્રસ્તની માઈનર સર્જરી પણ કરવામાં આવી છે. એવું હોસ્પિટલના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
ભોપાલમાં નારેબાજી
જેની સ્થિતિ સારી છે અને તબિયત સ્થિર છે એને રજા આપી દેવામાં આવી છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનરજીને સમગ્ર મોનસૂન સત્રમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એમના પર આરોપ છે કે, તેમણે સંસદમાં શોભે નહીં એવી ભાષાનો પ્રયોગ કર્યો હતો. લોકસભાની કાર્યવાહી ગુરૂવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

મધ્ય પ્રદેશના પાટનગર શહેર ભોપાલમાં ભારતીય જનતા પાર્ટીના લોકસભાના નેતા વિરોધ પ્રદર્શન કરવા માટે ઊતર્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના નેતા અને કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ હેમંત ખેડલવાલના નેતૃત્વમાં સમગ્ર વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસની સામે નારેબાજી કરવામાં આવી હતી.લોકોને કોંગ્રેસના રાજકારણમાંથી બચીને રહેવા માટે અપીલ કરી હતી.
મુંબઈમાં અગાઉથી તૈયારીઓ હતી
મુંબઈમાં પણ ભાજપે કોંગ્રેસ સામે વિરોધ પ્રદર્શન કર્યું છે. આ દરમિયાન કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે પણ રાજકીય ઘર્ષણ થયું હોવાના વાવડ મળ્યા છે. કોંગ્રેસે નવી દિલ્હીની ઘટનાને ધ્યાને લઈને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અટકાયત બાદ મુંબઈમાં આવેલા ભાજપ કાર્યાલય પર આક્રમક પ્રદર્શન કર્યું હતું.
સામે ભાજપના કાર્યકર્તાઓ પણ કોંગ્રેસ સામે વિરોધ પ્રદર્શન કરવા માટે રસ્તે ઊતર્યા હતા. પરિસ્થિતિ બેકાબુ ન બને એ માટે પોલીસે અગાઉથી સુરક્ષા બંદોબસ્ત માટે ટીમને જવાબદારી સોંપી દીધી હતી. તિલક બ્રિજ અને ભાજપ કાર્યાલય પાસે સુરક્ષા માટે વધારાના પોલીસ કર્મચારીઓને જવાબદારી સોંપી દેવામાં આવી છે.

દિલ્હીની સમગ્ર ઘટનાને લઈને હવે અન્ય રાજ્યમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજકીય ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. આ કારણે અનેક રાજ્યોએ સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. કોઈ મોટી ઘટના બને એ પહેલા જ વિરોધ પ્રદર્શનને ટૂંકાવવા માટે પગલાં લેવાઈ રહ્યા છે.