Thu Sep 03 2026

Logo

ખરીદદારો સોના કરતાં ચાંદી તરફ વધુ વળતા બિસ ચાંદીનાં હૉલમાર્કિંગ ટેસ્ટિંગમાં વધારો કરશે

2026-08-09 19:19:39
Author: Ramesh Gohil
ખરીદદારો સોના કરતાં ચાંદી તરફ વધુ વળતા બિસ ચાંદીનાં હૉલમાર્કિંગ ટેસ્ટિંગમાં વધારો કરશે

નવી દિલ્હીઃ સોનાના ભાવમાં થયેલા વધારાને કારણે ખરીદદારો સોના કરતાં ચાંદી તરફ વધુ વળ્યા હોવાથી બ્યૂરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (બિસ) ચાંદીની ટેસ્ટિંગ લેબોરેટરીઝમાં વધારો કરશે, એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવતાં ઉમેર્યું હતું કે બે વર્ષમાં ચાંદીનાં રેફરલ અને એસે લેબોરેટરીઝને રાષ્ટ્રીય સ્તરે વિસ્તારવામાં આવશે. નોંધનીય બાબત એ છે કે વર્ષ 2005થી ચાંદીનું હોલમાર્કિંગ મરજિયાત હતું અને સપ્ટેમ્બર, 2025થી ખરીદદારોને પ્યોરિટીની ચકાસણી માટે હોલમાર્ક થયેલી ચાંદીની ચીજોને હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન (એચયુઆઈડી) નંબર આપવામાં આવતો હતો. 

ગત સાલ અમે ચાંદીનાં આભૂષણો માટે પણ એચયુઆઈડી આપવાનું શરૂ કર્યું હતું અને માગમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી અમે સ્ટોકની આવશ્યકતાનો ક્યાસ લીધો હતો અને અમારી લેબોરેટરીમાં ચાંદીનાં આભૂષણોની ચકાસણી માટે સજ્જ થયા હોવાનું બિસનાં ડેપ્યૂટી ડિરેક્ટર જનરલ શિત એસ હકે પીટીઆઈને જણાવ્યું હતું. 

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે અમે આગામી બે વર્ષ સુધી ચાંદીનાં આભૂષણોની અમારી લેબોરેટરીમાં તપાસણીને પહોંચી વળવા સક્ષમ છીએ અને તે દરમિયાન અમે રેફરલ અને એસે લેબોરેટરીનું દેશભરમાં વિસ્તરણ પણ કરતાં રહીશું, એમ તેમણે ઉમેર્યું હતું. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત નાણાકીય વર્ષ 2025-26માં 59 લાખ ચાંદીનાં આભૂષણો અને આર્ટિકલનુ હૉલમાર્કિંગ કરવામાં આવ્યું હતું, જ્યારે તે પૂર્વેના વર્ષ 2024-25માં 32 લાખ ચાંદીનાં આભૂષણોનું હૉલ માર્કિંગ કરવામાં આવ્યું હતું. હાલ દેશમાં બિસ અધિકૃત અંદાજે 230 એસેઈંગ અને હૉલમાર્કિંગ સેન્ટર છે.