Sun Sep 06 2026

Logo

બિહારમાં પ્લમ્બરના ખાતામાં અચાનક આવ્યા ₹ 294 કરોડ, યુવક ચોંકી ગયો

2026-06-05 20:58:10
Author: Mumbai Samachar Team
બિહારમાં પ્લમ્બરના ખાતામાં અચાનક આવ્યા ₹ 294 કરોડ, યુવક ચોંકી ગયો

ગયાજી (બિહાર): બિહારના ગયાજી જિલ્લામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેની રાજ્યભરમાં ચર્ચા થઈ રહી છે. બોધ ગયા પોલીસ સ્ટેશન વિસ્તારના મસ્તપુરા ગામના યુવાન વિકાસ કુમારના ખાતામાં અચાનક 294 કરોડ રૂપિયા જમા થયા હતા. કુમાર એક પ્લમ્બર અને ઇલેક્ટ્રિકલ મિકેનિક છે. 

વિકાસ કુમારના ખાતામાં અચાનક 294.80 કરોડ રૂપિયા જમા થયા હતા. જ્યારે તેણે તેના પરિચિતો, પડોશીઓ અને વોર્ડ કાઉન્સિલરને બેલેન્સ વિશે જાણ કરી ત્યારે બધા ચોંકી ગયા હતા. આટલું મોટું બેલેન્સ જોઈને તે ગભરાઈ ગયો અને માંગ કરી કે સરકાર પૈસા લઈ લે અને આ મામલાની તપાસ કરે.

બોધ ગયા પોલીસ સ્ટેશનના એસએચઓ મનોજ કુમાર સિંહે કહ્યું હતું કે આ એક સંવેદનશીલ નાણાકીય મામલો છે. બેન્ક રેકોર્ડ, સર્વર લોગ, ટ્રાન્ઝેક્શન આઈડી અને લિંક્ડ એકાઉન્ટ્સની તપાસ કરવામાં આવી રહી છે. 

તેમણે કહ્યું કે પોલીસ એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે કે જમા થયેલી રકમ બેન્કિંગ ભૂલ, ટેકનિકલ ખામી અથવા કોઈ છેતરપિંડીનું પરિણામ છે. તેમણે ઉમેર્યું કે તપાસ ચાલી રહી છે.

વિકાસે કહ્યું હતું કે તેને ખબર નથી કે પૈસા ક્યાંથી આવ્યા અને તેને વાપરવાનો પ્રયાસ કર્યો નથી. હું પ્લમ્બર છું. મારા બેન્ક ખાતામાં આટલી રકમ અસંભવ છે. મને ખબર નથી કે આ પૈસા ક્યાંથી આવ્યા." 

તેણે કહ્યું હતું કે એક ગ્રાહક દ્વારા મોકલવામાં આવેલા લગભગ 1,300 રૂપિયા ઉપાડ્યા પછી તેમના ખાતામાં ફક્ત 113 રૂપિયા હતા. ગુરુવારે સવારે ખાતામાં અચાનક 94 કરોડ રૂપિયા અને પછી સાંજ સુધીમાં 294 કરોડ રૂપિયાનું બેલેન્સ થઈ ગયું હતું.