Sun Jul 26 2026

Logo

બિહાર પોલીસે કરેલા એન્કાઉન્ટર કેસ પર ઘેરાયું રાજકારણ, આખરે કોણ હતો ભરત ભૂષણ તિવારી?

2026-06-22 17:43:33
Author: Vimal Prajapati
Article Image

પટનાઃ બિહારના ભોજપુર જિલ્લાનું બિલૌટી ગામ અત્યારે એક એવા રાજકીય અને સામાજિક વિવાદનું કેન્દ્ર બન્યું છે, જેણે રાજ્યની કાયદો અને વ્યવસ્થા તેમજ પોલીસ પ્રશાસનની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. 17 જૂન 2026ના રોજ શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી 28 વર્ષીય યુવક ભરત ભૂષણ તિવારીનું પોલીસ ગોળીબાર (એન્કાઉન્ટર)માં મોત નીપજ્યું હતું. પોલીસ જ્યાં તેને સેલ્ફ ડિફેન્સમાં કરવામાં આવેલું એન્કાઉન્ટર ગણાવી રહી છે, ત્યાં બીજી તરફ પરિવારજનો અને વિરોધ પક્ષોનો આરોપ છે કે આ એક આયોજનબદ્ધ 'ફેક એન્કાઉન્ટર' એટલે કે હત્યા છે.

ભરત ભૂષણ તિવારી કોણ હતો?

ભરત તિવારીનો જન્મ એક સામાન્ય મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. ભરત તિવારીના પિતા બિહાર પોલીસમાં ડ્રાઇવર તરીકે સેવા આપી નિવૃત્ત થયા છે. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી ભરત સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે સામાજિક કાર્યો અને સ્થાનિક સમસ્યાઓ ઉઠાવવામાં ખૂબ જ સક્રિય થયો હતો. તે સોશિયલ મીડિયા પર ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતો અને પૂર પીડિતોના પુનર્વસનની માંગ સાથે સતત સંઘર્ષ કરતો હતો, જેના કારણે સ્થાનિક લોકોમાં તે ઘણો લોકપ્રિય હતો. જોકે, વહીવટીતંત્ર અને પોલીસ સાથે તેની ખેંચતાણ ચાલતી હતી.

સોશિયલ મીડિયા પર 'લાઈવ' અને એન્કાઉન્ટરનો દાવો

આ વિવાદ 15 જૂનથી શરૂ થયો હતો જ્યારે ભરતે ફેસબુક પર વહીવટીતંત્ર અને અધિકારીઓની ટીકા કરતી કેટલીક પોસ્ટ કરી હતી. ત્યારબાદ જ્યારે પોલીસ તેના ઘરે પહોંચી, ત્યારે ભરત તિવારીએ ફેસબુક લાઈવ શરૂ કરી દીધું હતું અને આક્ષેપ કર્યો હતો કે પોલીસ તેનું એન્કાઉન્ટર કરવાનું કાવતરું ઘડી રહી છે. તે પછી 17 જૂનની સવારે બિહાર પોલીસ અને એસટીએફની ટીમ ગેરકાયદેસર હથિયાર જપ્ત કરવાની કાર્યવાહી કરવા તેના ઘરે પહોંચી હતી. પોલીસનો દાવો છે કે ભરતે ટીમ પર ફાયરિંગ શરૂ કર્યું, જેના જવાબમાં પોલીસે સેલ્ફ ડિફેન્સમાં ગોળી ચલાવવી પડી હતી. ગંભીર રીતે ઘવાયેલા ભરતનું પટના મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું.

વાયરલ વીડિયોના કારણે પોલીસના દાવાઓ શંકાના ઘેરામાં

પોલીસની આ થીયરી સામે ત્યારે મોટો વળાંક આવ્યો જ્યારે સોશિયલ મીડિયા પર આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો. આ વીડિયો પ્રમાણે ગોળી વાગતા પહેલા જ ભરત તિવારીએ પોલીસ સામે પોતાની પિસ્તોલ નીચે ફેંકી દીધી હતી અને આત્મસમર્પણ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ જનતા અને રાજકીય નેતાઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે કે જો યુવકે હથિયાર હેઠા મૂકી દીધા હતા, તો પછી પોલીસે શા માટે ગોળી ચલાવી? એટલું જ નહીં પરંતુ પોલીસે આ મામલે દાખલ કરેલી એફઆઈઆરમાં મૃતક ભરતના પિતા અને ભાઈને પણ આરોપી બનાવ્યા છે, જેનો સ્થાનિક સ્તરે અને સોશિયલ મીડિયા પર ભારે વિરોધ થઈ રહ્યો છે. તે જ સમયે, આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યો છે, જ્યાં સીબીઆઈ (CBI) તપાસની માંગ કરતી જનહિત અરજી દાખલ કરવામાં આવી છે.

આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શાહબાદ રેન્જના ડીઆઈજીએ શાહપુર સ્ટેશન હાઉસ ઓફિસર (SHO) રાજેશ માલાકર સહિત ત્રણ પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. પોલીસે આ ઘટના અંગે ત્રણ અલગ અલગ એફઆઈઆર નોંધી છે; નોંધનીય છે કે, આ એફઆઈઆરમાંથી એકમાં મૃતક ભરતના પિતા અને ભાઈનું નામ ગેરકાયદેસર હથિયારો છુપાવવા અને આશ્રય આપવા બદલ આરોપી તરીકે છે, જેનો સ્થાનિક સ્તરે ભારે વિરોધ થઈ રહ્યો છે. જ્યારે ઘટનાની ન્યાયિક તપાસનો આદેશ આપવામાં આવ્યો છે, ત્યારે ન્યાયની માંગણીઓ સતત ચાલુ છે.