Wed Sep 09 2026

Logo

ભુજમાં સોશિયલ મીડિયા પર ‘એકના ચાર’ કરવાની લાલચ આપી છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ

2026-03-20 13:40:00
Author: Mumbai Samachar Team
ભુજમાં સોશિયલ મીડિયા પર ‘એકના ચાર’ કરવાની લાલચ આપી છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ

ભુજઃ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને રાતોરાત અમીર બનવાની લાલચ આપી છેતરપિંડી આચરવાના વધુ એક રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં ફેસબુક પર ખોટી આઈડી બનાવી ‘એક લાખના ચાર લાખ’ કરી આપવાની લોભામણી જાહેરાતો પ્રસિદ્ધ કરી લોકો સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરતા બે શખ્સોને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધા છે.

બાતમીના આધારે પોલીસે કાર્યવહા કરી

પ્રાપ્ત વિગતો મુજબ, ભુજના રહીમનગર વિસ્તારનો સોહિલ ચાવડા અને અન્ય એક કિશોર ફેસબુક પર બોગસ આઈડી બનાવી ભારતીય ચલણી નોટોના ફોટા અને વીડિયો વાયરલ કરી લોકોને પોતાની જાળમાં ફસાવતા હતા. તેઓ ભુજ-ખાવડા માર્ગ પર આવેલા એફ.ડી.આર. રિસોર્ટ પાસે એક્ટિવા (નંબર જીજે-12-ઈએસ-3625) પર જઈ રહ્યા હોવા અંગે પેટ્રોલિંગ કરી રહેલી એલસીબીની ટુકડીને પૂર્વ બાતમી મળી હતી જેના આધારે રિસોર્ટ પાસે ધસી ગયેલી પોલીસે સોહિલ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને ઝડપી લીધા હતા. 

મોબાઈલ ફોનની તપાસ ચોંકાવનારી વિગતો મળી આવી

જ્યારે પોલીસ દ્વારા મોબાઈલ ફોનની તપાસ કરતા ‘વિશાલ પટેલ’ નામના ફેસબુક એકાઉન્ટ પરથી ‘એક લાખ કા ચાર લાખ, ફેસ ટુ ફેસ, હેન્ડ ટુ હેન્ડ’ જેવી લખાણવાળી પોસ્ટ અને વીડિયો મળી આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 500ના દરની નકલી ભારતીય ચલણી નોટોના 8 બંડલ, છેતરપિંડી માટે વપરાતી 500ની બે અસલી ચલણી નોટો કિંમત રૂપિયા 1000, હોન્ડા એક્ટિવા કિંમત રૂપિયા 20,000 ગુનામાં વપરાયેલા બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા 10,000 સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસ પૂછપરછમાં આ ગુનામાં અન્ય બે શખ્સો આબીદખાન પઠાણ (રહે. સેજવાળા માતામ, ભુજ) અને અલીશા કાસમશા શેખ (રહે.શેખ ફળિયું, ભુજ) ના નામ પણ ખુલ્યા છે. હાલમાં માનકૂવા પોલીસ મથકે ગુનો નોંધીને ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

(ઉત્સવ વૈદ્ય)