Fri Oct 02 2026

Logo

મિરજાપરમાં ગોડાઉનમાં ઊભેલી કારમાંથી રૂ.૧.૫૪ લાખનો વિદેશી દારૂ જપ્ત: સુખપરના યુવકની અટકાયત, માંડવીની મહિલાનું નામ ખુલ્યું

2026-09-12 10:56:00
Author: Mumbai Samachar Team
મિરજાપરમાં ગોડાઉનમાં ઊભેલી કારમાંથી રૂ.૧.૫૪ લાખનો વિદેશી દારૂ જપ્ત: સુખપરના યુવકની અટકાયત, માંડવીની મહિલાનું નામ ખુલ્યું

ભુજ: ભુજ શહેર પાસેના મિરજાપર ગામના સહજાનંદ નગર વિસ્તારમાં સ્થિત એક ટાઈલ્સના ગોડાઉનમાં પોલીસે દરોડો પાડીને નંબર પ્લેટ વગરની કારમાંથી રૂપિયા ૧,૫૪,૬૨૦ની કિંમતનો વિદેશી શરાબ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે સુખપરના એક યુવકની અટકાયત કરી છે, જ્યારે માલ સપ્લાય કરનાર તરીકે માંડવીની મહિલાનું નામ પ્રકાશમાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ, સુખપર નવાવાસમાં રહેતો જયદીપ વિજય ચુડાસમા નામનો શખ્સ મિરજાપરના સહજાનંદ નગરમાં આવેલા જગદીશ પટેલના ટાઈલ્સના ગોડામાં પોતાની કાર લઈને ઊભો છે અને કારમાં દારૂનો મોટો જથ્થો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે બપોરના સમયે ગોદામમાં દરોડો પાડી જયદીપને ઝડપી લીધો હતો. પોલીસે નંબર પ્લેટ વગરની કારની તલાશી લેતાં તેમાંથી રોયલ સ્ટેગ, ગ્રીન લેબલ, રોયલ ચેલેન્જ, કેપીએમ, ઓલ સીઝન્સ અને અંકલ ટોમ બ્રાન્ડની દારૂની બોટલો તેમજ કિંગફિશર બિયરના ટીન મળીને કુલ ૨૭૨ નંગ દારૂ-બિયરનો જથ્થો (કિંમત રૂ.૧,૫૪,૬૨૦) જપ્ત કર્યો હતો.

રાજસ્થાન અને પંજાબ રાજ્યમાં વેચાણ માટેનો આ શરાબ માંડવીની હંસાબા જાડેજા નામની મહિલા આપી ગઈ હોવાની કબૂલાત આરોપીએ કરી હતી. ગોદામ સંચાલકની આમાં શું ભૂમિકા છે તે અંગે તેમજ દારૂ સપ્લાય કરનાર મહિલાને ઝડપી પાડવા પોલીસે કવાયત આદરી છે.

ઉત્સવ વૈદ્ય