ભુજઃ કચ્છમાં જોવા મળેલી ભેદી આકાશી ગતિવિધિઓએ લોકોમાં ચર્ચા જગાવી છે. ગત મે મહિનામાં 'ઓપરેશન સિંદૂર' વખતે પાકિસ્તાની ડ્રોન હુમલા અને તેના પગલે વગાડાયેલા સાયરન તેમજ બ્લેક આઉટની બિહામણી યાદો હજુ કચ્છવાસીઓના મનમાંથી ભૂંસાઈ નથી, ત્યાં શુક્રવારની રાત્રે ભુજના આકાશમાં જોવા મળેલી એક વિચિત્ર ઘટનાએ લોકોમાં ભારે ફાળ પાડી છે.
શુક્રવારે રાત્રે આશરે પોણા દસ વાગ્યાના અરસામાં ભુજ શહેરના આકાશમાં એકસાથે ૫૦થી વધુ ચળકતા, ડ્રોન જેવા દેખાતા ભેદી પદાર્થો એક હારમાળામાં ઉડતા જોવા મળ્યા હતા. આ પદાર્થો ખાસ કરીને ભુજના કેમ્પ વિસ્તાર, સરપટ નાકા અને ભીડ નાકા આસપાસના વિસ્તારોમાં સ્પષ્ટપણે દેખાયા હતા. આ દ્રશ્ય થોડીવાર માટે આકાશમાં અંકિત થયા બાદ અચાનક અંધકારમાં ઓગળી ગયું હતું.
સામાન્ય રીતે આકાશમાં આવી હારમાળા દેખાય ત્યારે તેને એલન મસ્કના 'સ્ટારલિંક' સેટેલાઈટ માનવામાં આવે છે. જોકે, ભુજના જાણીતા ખગોળવિદ્ અને 'સ્ટારગેઝિંગ ઈન્ડિયા'ના નરેન્દ્રભાઈ ગોરે આ શક્યતાને નકારી કાઢી છે. તેમણે જણાવ્યું હતું કે, "આ પદાર્થો ક્લસ્ટર બોમ્બ કે ડ્રોનના ઝુંડ જેવા દેખાતા હતા અને તે બહુ ઊંચાઈ પર નહોતા. આ સ્ટારલિંક સેટેલાઈટ્સની શ્રૃંખલા નહોતી, જે ખરેખર કૌતુકનો વિષય છે.
હાલમાં ઈરાન સહિતના અખાતી દેશોમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની સ્થિતિ અને કચ્છની સંવેદનશીલ સરહદને જોતા આ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. એવી અટકળો પણ વહેતી થઈ છે કે ભારતીય સંરક્ષણ દળો દ્વારા સર્વેલન્સ (નિરીક્ષણ) માટે કોઈ ખાસ પ્રોજેક્ટ હેઠળ આ ડ્રોન ઉડાડવામાં આવ્યા હોઈ શકે છે. હાલ આ સમગ્ર મામલે સ્થાનિક વહીવટીતંત્ર પણ સતર્ક થયું છે.
દરમ્યાન, ભુજ બી ડિવિઝનના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.ડી. શિમ્પીએ જણાવ્યું કે, આકાશમાં આવી કોઈ ભેદી ચીજવસ્તુઓ ઉડતી હોવાની માહિતી અમારા ધ્યાન પર આવી છે. આ વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ હોવાથી અમે આ મામલે ગહન તપાસ હાથ ધરી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
(ઉત્સવ વૈદ્ય)