Wed Sep 02 2026

Logo

ભુજ: સસ્તા સોનાની લાલચ આપી રૂ.૨૮ લાખની છેતરપિંડી કરનાર ફરાર આરોપી ઝડપાયો

2026-03-10 12:31:00
Author: Mumbai Samachar Team
ભુજ: સસ્તા સોનાની લાલચ આપી રૂ.૨૮ લાખની છેતરપિંડી કરનાર ફરાર આરોપી ઝડપાયો

ભુજઃ આંતરરાષ્ટ્રીય બજાર ભાવ કરતાં સસ્તા ભાવે ઈમ્પોર્ટેડ સોનાની જાળ બિછાવી રાજસ્થાનના એક શખ્સ સાથે રૂ.૨૮ લાખની છેતરપિંડી આચરવાના ગુનામાં છેલ્લા બે મહિનાથી પોલીસને થાપ આપી રહેલા ભુજની ઉમેદનગર સોસાયટીમાં રહેતા અંકુર પ્રદીપ જોશીને સ્થાનિક ગુન્હાશોધક શાખાએ પૂર્વ બાતમીના આધારે ભુજના કોટ અંદરના પાટવાડી નાકા પાસેની પકડી પાડ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, અંદાજે બે વર્ષ પૂર્વે ઠગબાજોએ રાજસ્થાનના એક યુવકને સસ્તું ઈમ્પોર્ટેડ સોનું અપાવવાની લાલચ આપી વિશ્વાસમાં લીધો હતો. લાલચમાં આવી ગયેલા ફરિયાદી પાસેથી આરોપીઓએ કુલ રૂ.૨૮ લાખ પડાવી લીધા હતા, પરંતુ સોનું આપવાને બદલે છેતરપિંડી આચરી હતી. આ અંગે ભુજ 'એ' ડિવિઝન પોલીસ મથકે ગત ૨૪ ડિસેમ્બરના રોજ વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ ગુનામાં સંડોવાયેલા ત્રણ મુખ્ય આરોપીઓ પૈકી અંકુર જોશી ધરપકડથી બચવા નાસતો-ફરતો હતો. આ દરમ્યાન પશ્ચિમ કચ્છ એલસીબીની ટુકડીને અંકુર જોશી ભુજના પાટવાડી નાકા આસપાસ હોવા અંગે પૂર્વ બાતમી પ્રાપ્ત થતાં એલસીબીએ તેને કોર્ડન કરીને ઝડપી લીધો હતો.  આ છેતરપિંડીમાં સામેલ અન્ય આરોપીઓ અને નાણાંની રિકવરી અંગે પોલીસ હાલે વધુ તપાસ ચલાવી રહી છે.


(ઉત્સવ વૈદ્ય)