Wed Aug 19 2026

Logo

ભુજ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: સગીર પુત્રીને આપઘાત માટે મજબૂર કરનાર કળિયુગી પિતાને આજીવન કેદ

2026-08-14 12:32:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ રાજ્યમાં ક્રાઈમની ઘટનાઓ સતત વધી રહી છે. લોકોમાં કાયદાનો ડર રહે તે માટે કાર્યવાહી કરવી અનિવાર્ય બની જાય છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પોતાની જ 17 વર્ષની સગીર પુત્રીને અસહ્ય માનસિક ત્રાસ આપી આત્મહત્યા માટે મજબૂર કરનાર નિષ્ઠુર પિતાને ભુજની નામદાર સ્પેશિયલ કોર્ટે આજીવન સખત કેદની સજા અને ભારે દંડ ફટકારી દાખલારૂપ ચુકાદો સંભળાવ્યો છે. 

અશ્લીલ માંગણીઓ કરતા દીકરીએ કરી હતા આત્મહત્યા

બનાવની વિગતો મુજબ, બંદરીય શહેર માંડવીના દીવાદાંડી વિસ્તારમાં રહેતો અને ઓમાનમાં નોકરી કરતો 47 વર્ષીય કમલેશ પરષોત્તમ કષ્ટવાલા અવારનવાર ઘરે આવીને તથા વીડિયો કોલ મારફતે પોતાની સગીર દીકરી સામે અશ્લીલ માંગણીઓ મૂકી સતત માનસિક ત્રાસ આપતો હતો. બાપની આ વિકૃત હરકતોથી કંટાળીને સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ અંગે ગત સપ્ટેમ્બર 2021માં માંડવી પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ તપાસ અધિકારી આર.સી. ગોહિલે કોર્ટ સમક્ષ ચાર્જશીટ રજૂ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાની દલીલો અને પુરાવા ધ્યાને લઈ અદાલતે આરોપીને આઈપીસી કલમ 305 હેઠળ આજીવન સખત કેદ તથા રૂપિયા 1 લાખનો દંડ તેમજ પોક્સો હેઠળ 3 વર્ષની સજા અને રૂપિયા 5 લાખનો દંડ ફટકાર્યો છે. ઉપરાંત, પીડિતાની માતાને રૂપિયા 5 લાખનું વળતર ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભલામણ કરવામાં આવી છે. 

(ઉત્સવ વૈદ્ય)