Sat Aug 29 2026

Logo

સરકારી નોકરીને નામે 70 લાખ રૂપિયા પડાવનારી ટોળકીના ત્રણ સભ્ય પકડાયા

2026-07-30 17:40:46
Author: Yogesh C. Patel
સરકારી નોકરીને નામે 70 લાખ રૂપિયા પડાવનારી ટોળકીના ત્રણ સભ્ય પકડાયા

મંત્રાલયના અનેક વરિષ્ઠ અધિકારીના નામ-સિક્કાવાળા બનાવટી લેટરહેડ અને સ્ટેમ્પ જપ્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
રેવેન્યૂ અથવા વન વિભાગમાં નોકરીની લાલચે ભિવંડીના યુવક પાસેથી 70 લાખ રૂપિયા પડાવનારી ટોળકીના ત્રણ સભ્યની થાણે પોલીસે ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી મંત્રાલયના વિવિધ વિભાગના વરિષ્ઠ અધિકારીઓના નામ-સિક્કાવાળા બનાવટી લેટરહેડ અને સ્ટેમ્પ જપ્ત કરવામાં આવ્યા હતા.

ક્રાઈમ બ્રાન્ચના ભિવંડી યુનિટના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીઓની ઓળખ શામ વિઠોબા ખતકર (55), જુગલ કુમાર લોડાયા ઉર્ફે લોધિયા (39) અને રવીન્દ્ર દયાનિધિ શંખુઆ (52) તરીકે થઈ હતી. આરોપીઓ વિરુદ્ધ મુંબઈ, થાણે, મીરા-ભાયંદર અને હિંગોલીનાં પોલીસ સ્ટેશનોમાં આવી જ રીતે છેતરપિંડીથી નાણાં પડાવવાના ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

ભિવંડીના કાલ્હેર ગાંવ ખાતે રહેતા દર્શન સંતોષ પાટીલે (28) આ મામલે નારપોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે આરોપી શામ ખતકર સાથે તેનો ભેટો ગયા વર્ષે થયો હતો. મંત્રાલયમાં સારી ઓળખ હોવાનું કહીને આરોપીએ પહેલાં રેવેન્યૂ ડિપાર્ટમેન્ટમાં અને પછી વન વિભાગમાં નોકરીની ખાતરી આપી હતી.

ફરિયાદીનો વિશ્ર્વાસ સંપાદન કરવા માટે આરોપીના સાથીએ સરકારી અધિકારીઓના નામ અને સિક્કા તેમ જ રાજમુદ્રાવાળા બનાવટી દસ્તાવેજો દેખાડ્યા હતા. આરોપીઓની જાળમાં ફસાયેલા પાટીલે એક વર્ષ દરમિયાન વિવિધ ટ્રાન્ઝેક્શનથી અને રોકડમાં રૂપિયા આપ્યા હતા. આ રીતે તેની પાસેથી 70 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા.

રૂપિયા લીધા પછી ફરિયાદીને નોકરીનો બનાવટી નિયુક્તિ પત્ર અને આઈડી કાર્ડ આપવામાં આવ્યા હતા. પોલીસે પાટીલની ફરિયાદને આધારે શુક્રવારે પાંચ આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ છેતરપિંડીમાં આરોપીઓની આખી ચેઈન સંડોવાયેલી હોવાની શક્યતાને પગલે તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ હતી.

તપાસ દરમિયાન ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી પોલીસે ત્રણ આરોપીને તાબામાં લીધા હતા. તેમની પાસેથી મંત્રાલયના અનેક વરિષ્ઠ અધિકારીના નામ-સિક્કાવાળા બનાવટી સરકારી લેટરહેડ અને સ્ટેમ્પ મળી આવ્યા હતા. આ લેટરહેડ અને સ્ટેમ્પ આરોપીઓએ ક્યાંથી મેળવ્યા તેની તપાસ પોલીસ કરી રહી છે. આરોપીના ફરાર સાથીઓની પણ શોધ ચલાવાઈ રહી છે.