Sun May 17 2026

Logo

ભિવંડીથી પાંચ વર્ષના બાળકનું અપહરણ કરનારો પાંચ કલાકમાં પવઈમાં પકડાયો

2026-05-16 18:06:00
Author: Yogesh D Patel
Article Image

આરોપીએ બાળક સાથે ક્રૂરતા આચરી હોવાનો પોલીસનો દાવો

થાણે: ભિવંડીમાં ઘરબહાર રમતા પાંચ વર્ષના બાળકનું કથિત અપહરણ કરનારા આરોપીને પોલીસે ઝડપી કાર્યવાહી કરી પાંચ કલાકમાં જ મુંબઈના પવઈ વિસ્તારમાંથી પકડી પાડ્યો હતો. આરોપીની ચુંગાલમાંથી છોડાવાયેલા બાળક સાથે ક્રૂરતા આચરવામાં આવી હોવાનો દાવો પોલીસે કર્યો હતો.
ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ ઈકબાલ ગુડ્ડુ અન્સારી (34) તરીકે થઈ હતી. ભિવંડીનો કાપડનો કારીગર અન્સારી પવઈમાં સંતાયો હતો. પોલીસની અલગ અલગ ટીમ ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી તેને શોધી રહી હતી. ઘટનાના પાંચ કલાકમાં જ પોલીસે તેની ધરપકડ કરી હતી.

ભિવંડી તાલુકા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર હર્ષવર્ધન બારવેએ જણાવ્યું હતું કે ગુરુવારની સવારે 9.30 વાગ્યાની આસપાસ બાળક ભિવંડીના સાવંધે વિસ્તારમાં આવેલા ઘરબહાર રમતો હતો. બાળકની નજીક ગયેલા આરોપીએ ચૉકલેટની લાલચે તેનું અપહરણ કર્યું હતું.
બાળક એકાએક ગુમ થતાં વડીલોએ તેની શોધખોળ શરૂ કરી હતી. જોકે તેની કોઈ ભાળ ન મળતાં પોલીસ ફરિયાદ કરાઈ હતી. પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી હતી.

બાળકની શોધ માટે પોલીસની અલગ અલગ ટીમ તપાસમાં લાગી હતી. આખરે આરોપી પવઈના ખૈરાનીપાડા ખાતે ટ્રેસ થયો હતો. પવઈ પોલીસની મદદથી ભિવંડી પોલીસે ખૈરાનીપાડા ખાતેના એક ઘર પર રેઇડ કરી આરોપીને પકડી પાડ્યો હતો અને તેની ચુંગાલમાંથી બાળકને છોડાવ્યો હતો.
તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપીએ બાળક સાથે ક્રૂરતા આચરી હતી, પરિણામે તેની વિરુદ્ધ જુવેનાઈલ જસ્ટિસ ઍક્ટની કલમ 75 પણ લગાવવામાં આવી હતી. પકડાયેલા આરોપીની પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.

(પીટીઆઈ)