ભુજ: કચ્છના ભચાઉ શહેરમાં દબાણોનો રાફડો ફાટ્યો છે. લારી-ગલ્લા સહિતના દબાણોથી સ્થાનિકો પરેશાન છે. સતત વધતા દબાણોથી હવે તો સ્થાનિક રહેવાસીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. હવે તંત્રએ દબાણો હટાવવા આકરું વલણ અપનાવ્યું છે. ખાસ કરીને જૂની મુખ્ય બજાર તથા ફૂલવાડી વિસ્તારમાં વકરેલી ટ્રાફિક સમસ્યાનો નિકાલ કરવા નગરપાલિકા તંત્ર દ્વારા મોડી રાત્રિના સમયે દબાણ હટાઓ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા રસ્તા પર ખડકાયેલા અનધિકૃત ઓટલા અને લારી-ગલ્લા સહિતના ગેરકાયદે બાંધકામો દૂર કરાયા હતા.
મુખ્ય બજાર વિસ્તારમાં દૂધ ડેરી અને નાસ્તાની દુકાનો બહાર વાહનોનું અસ્તવ્યસ્ત પાર્કિંગ તેમજ દુકાનદારો દ્વારા રસ્તા પર કરાયેલા દબાણોના કારણે અવારનવાર ભારે ટ્રાફિક જામ સર્જાતો હતો. આ સમસ્યા અંગે સ્થાનિકોની ફરિયાદોને પગલે નગરપાલિકા દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા ટ્રાફિક પોલીસનો કાફલો પણ સાથે રહ્યો હતો.
આ કાર્યવાહીમાં પાલિકા ચીફ ઓફિસર એ. બી. ઝાલા, એસ.ડી. ઝાલા, પ્રમુખ પેથાભાઈ રાઠોડ, ઉપપ્રમુખ ચંપાબેન ગોઠી, કારોબારી ચેરમેન વિજયાસિંહ ઝાલા, પિન્ટુદાન ગઢવી, પરેશ ઠક્કર અને દેવશી રબારી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ જોડાયા હતા. દબાણો હટાવીને રસ્તો પહોળો કરાતાં વાહનચાલકો અને રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો છે.
ઉત્સવ વૈદ્ય