Mon Jul 27 2026

Logo

ફેક્ટ ચેક: વહેલી સવારે કે મોડી રાત્રે પેટ્રોલ ભરાવવાથી શું સાચે પૈસા બચે છે? જાણો સોશિયલ મીડિયા પર વાઈરલ દાવાની હકીકત...

2026-05-27 17:41:48
Author: Darshana Visaria
Article Image

હેડિંગ વાંચીને તમે પણ વિચારમાં પડી ગયા હશો, બરાબર ને? મધ્ય પૂર્વ કટોકટી પછી પેટ્રોલ અને ડીઝલના વધતાં જતાં ભાવ વચ્ચે સોશિયલ મીડિયા પર એક જૂનો દાવો ફરી ચર્ચામાં આવી રહ્યો છે. વાઈરલ થયેલા મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વહેલી સવારે કે પછી મોડી રાત્રે પેટ્રોલ ભરવાથી વધારે પેટ્રોલ મળે છે અને પૈસાની પણ બચત થાય છે. આ પાછળ એવું કારણ આપવામાં આવ્યું છે કે ઠંડા હવામાનમાં ફ્યુલ વધુ ઘટ્ટ હોય છે. પરંતુ શું આ ખરેખર સાચું છે? ચાલો આ પાછળનું વૈજ્ઞાનિક કારણ જાણીએ... 

સવારે વહેલાં અથવા મોડી રાત્રે પેટ્રોલ ભરવાનો સિદ્ધાંત કેમ ખોટો છે?
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા દાવા મુજબ, બપોરે તડકાને લીધે પેટ્રોલ ફેલાય છે એટલે કે એક્સ્પાન્ડ થાય છે અને સવારે ઠંડીમાં તે સંકોચાય છે એટલે કે ડેન્સ થાય છે. જોકે સામાન્ય વિજ્ઞાનની દ્રષ્ટિએ આ સિદ્ધાંત સાચો લાગે છે, પરંતુ વાસ્તવિકતામાં પેટ્રોલ પંપ પર એવું બનતું નથી.

અંડર ગ્રાઉન્ડ ટેન્કઃ
હકીકતમાં, બધા જ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલ જમીનની અંદર મોટી ભૂગર્ભ ટાંકીઓમાં રાખવામાં આવે છે. 'કન્ઝ્યુમર રિપોર્ટ્સ'ના એક અહેવાલ અનુસાર, બહારની હવાનું તાપમાન ગમે તેટલું બદલાય, ભૂગર્ભમાં રાખેલા પેટ્રોલનું તાપમાન લગભગ 62°F (16.6°C) પર સ્થિર રહે છે. તમે સવારે 8 વાગ્યે, બપોરે 2 વાગ્યે કે રાત્રે 10 વાગ્યે પેટ્રોલ ભરો, તમારા વાહનની ટાંકીમાં પૂરાઈ રહેલાં પેટ્રોલની ઘનતા એટલે કે ડેન્સિટી એકસમાન જ રહે છે. તેથી સમય ગમે તે હોય, તમને સમાન માત્રામાં જ પેટ્રોલ કે ડીઝલ મળશે.

તો પછી પેટ્રોલ-ડીઝલના પૈસા કેવી રીતે બચાવશો?
જો તમે વહેલી સવારે કે મોડી રાત્રે પેટ્રોલ પંપ પર દોડાદોડી કરો છો, તો હવે ચિંતા કરવાનું બંધ કરો. પૈસા બચાવવામાં સમય કરતાં નીચે આપેલી ટિપ્સ વધુ મદદરૂપ સાબિત થશે-
રોજના ભાવ પર નજર રાખો: ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલાય છે. રોજનો એકથી ત્રણ રૂપિયાનો તફાવત પણ મહિનાના અંતે મોટો ફેરફાર લાવી શકે છે, એમાં પણ ખાસ કરીને લાંબા અંતરના મુસાફરો માટે.

શહેરમાં જ રિફ્યુઅલિંગ કરો: જો તમે વીકએન્ડ પર બહાર જવાના હોવ, તો શહેરની અંદર જ ટાંકી ફૂલ કરાવી લો. હાઇવે પર આવેલા પેટ્રોલ પંપ ઘણીવાર વધુ ભાવ વસૂલતા હોય છે.
સ્માર્ટ એપ્સનો ઉપયોગ: આજકાલ એવી ઘણી મોબાઈલ એપ્લિકેશનો ઉપલબ્ધ છે જે તમારી નજીકના સૌથી સસ્તા પેટ્રોલ પંપ અને આજના લાઈવ ભાવની માહિતી પૂરી પાડે છે, તેનો સ્માર્ટલી ઉપયોગ કરો.

ડ્રાઇવિંગની આ આદતો બદલો, જે સૌથી વધુ પૈસા બચાવશે
પંપ પર જવાનો યોગ્ય સમય પસંદ કરવા કરતાં વધુ મહત્વનું એ છે કે તમે તમારી ડ્રાઇવિંગ આદતોમાં સુધારો કરો. આ ત્રણ બાબતો તમારા ખિસ્સાનો ભાર હળવો કરશે-
ટાંકી 1/4 ખાલી થાય ત્યારે જ રિફિલ કરો: 

જ્યારે ટાંકી સંપૂર્ણપણે ખાલી થાય છે, ત્યારે ફ્યુઅલ સિસ્ટમ ભારે દબાણ હેઠળ આવે છે. આ સિવાય, ટાંકીના તળિયે જમા થયેલી ગંદકી એન્જિનના ફિલ્ટરને મોટું નુકસાન પહોંચાડી શકે છે.
અચાનક સ્પીડ વધારવાનું કે બ્રેક મારવાનું ટાળો: હાઈવે કે સિટીમાં વાહનને એકધારી સ્પીડ પર ચલાવવાથી એન્જિન પર લોડ ઓછો પડે છે, જેનાથી વાહનનું માઇલેજ સીધું વધી જાય છે.

યોગ્ય ટાયર પ્રેશર અને સમયસર સર્વિસિંગ: ટાયરમાં યોગ્ય પ્રમાણમાં હવા ન હોય તો પણ એન્જિનને વધુ જોર કરવું પડે છે અને પેટ્રોલ વધુ વપરાય છે. પરિણામે સમયસર સર્વિસ અને ટાયર પ્રેશર ચેક કરાવતા રહો.