Wed Aug 19 2026

Logo

બસના મુસાફરોના મોબાઈલ ચોરનારી ટોળકી પકડાઈ: 135 મોબાઈલ હસ્તગત

2026-08-03 20:14:51
Author: Yogesh C. Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બેસ્ટની બસમાં મુસાફરી કરનારાઓના મોબાઈલ ફોન ચોરનારી ટોળકીને પકડી પાડી એમઆઈડીસી પોલીસે ચોરીના 135 મોબાઈલ હસ્તગત કર્યા હતા.અંધેરી પૂર્વમાં પૂનમનગરમાં રહેતા જગત જ્યોતિ મોહંતી (59)નો અંદાજે 90 હજાર રૂપિયાનો મોબાઈલ ફોન 6 જૂનની બપોરે ચોરાયો હતો. અંધેરીના એમઆઈડીસી સેન્ટ્રલ રોડ પરથી સ્ટેશને જવા મોહંતી બેસ્ટની 415 રૂટની બસમાં ચડ્યો હતો. તેની પૅન્ટના ખીસામાં મૂકેલો મોબાઈલ અજાણ્યો શખસ તફડાવી ફરાર થઈ ગયો હતો.

અધિકારીએ જણાવ્યું હતું કે તાજેતરમાં આસપાસનાં પોલીસ સ્ટેશનોમાં પણ બસના મુસાફરોના મોબાઈલ ચોરાયાની ફરિયાદો નોંધાઈ હતી. પરિણામે એક ટીમ મોબાઈલ ચોરોની શોધમાં લાગી હતી. પોલીસની ટીમે વિવિધ સ્થળે લાગેલા 40થી 45 સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી શકમંદોને ઓળખી કાઢ્યા હતા. ટેક્નિકલ માહિતી અને ખબરીએ આપેલી જાણકારી પરથી મુંબ્રા અને શિવાજી નગરમાં રહેતા સાત જણની ટોળકીને પોલીસે પકડી પાડી હતી. તપાસ દરમિયાન આરોપીઓએ ચોરેલા 135 મોબાઈલ હસ્તગત કરવામાં આવ્યા હતા. 

આરોપીઓની પૂછપરછમાં એમઆઈડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ત્રણ ગુના ઉકેલાયા હતા. મુંબઈના અલગ અલગ વિસ્તારોમાં બેસ્ટની બસમાં મુસાફરી કરીને આ ટોળકીએ અનેકના મોબાઈલ ચોર્યા હોવાનું પોલીસનું કહેવું છે.