મુંબઈ: સાંતાક્રુઝ વિસ્તારમાં બેસ્ટ બસની અડફેટે આવેલા 41 વર્ષના અરુણ તિવારીના પરિવારના સભ્યોએ બુધવારે આક્ષેપ કર્યો હતો કે ખાનગી હોસ્પિટલમાં લઇ જવા પાલિકા સંચાલિત હૉસ્પિટલ દ્વારા એમ્બ્યુલન્સની વ્યવસ્થા ન કરી આપતાં શખસનું મોત થયું હતું.
શનિવારે રાતે આ અકસ્માત થયો હતો અને અરુણ તિવારીને ખાનગી હૉસ્પિટલમાં ખસેડાયા બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. અકસ્માતનો વીડિયો બુધવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
વાકોલામાં રહેતો અરુણ તિવારી 14 ફેબ્રુઆરીએ તેના નિવાસેથી મોટરસાઇકલ પર નજીકના પેટ્રોલ પંપ તરફ જઇ રહ્યો હતો. અરુણ કાલિના પહોંચ્યો ત્યારે ખાડાને કારણે તેની મોટરસાઇકલ સ્કીડ થઇ હતી અને તે માર્ગ પર પટકાયો હતો. એ સમયે ત્યાંથી જઇ રહેલી બેસ્ટની બસ અરુણ પર ફરી વળતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી.
અરુણને સારવાર માટે પાલિકા સંચાલિત વી.એન. દેસાઇ હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ તેને લીલાવતી હોસ્પિટલમાં ખસેડવાની પરિવારજનોને સલાહ આપી હતી.
અરુણની પત્નીએ જણાવ્યું હતું કે ડૉક્ટરોની સલાહ મુજબ અરુણને ખાનગી હોસ્પિટલમાં લઇ જવા માટે દેસાઇ હોસ્પિટલના અધિકારી તથા સ્ટાફને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવા માટે વિનંતી કરી હતી. જોકે લગભગ 30 મિનિટ રાહ જોયા બાદ પણ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. આખરે અરુણને લીલાવતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. દેસાઇ હોસ્પિટલના સત્તાવાળાઓએ સમયસર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી હોત તો તેનો જીવ બચાવી શકાયો હોત, એમ તેણે કહ્યું હતું.
અકસ્માત બાદ સ્થાનિકોએ બસના ડ્રાઇવરને પકડીને તેની મારપીટ કરી હતી. પોલીસે ડ્રાઇવરને છોડાવ્યો હતો અને બાદમાં તેને નજીકની હોસ્પિટલમાં લઇ જવાયો હતો. અરુણના પરિવારજનોએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે બસના ડ્રાઇવર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)