ગિલ ઇલેવન શુક્રવારે હૈદરાબાદ સામે રમશે કે રાજસ્થાન સામે?
ધરમશાલાઃ હિમાચલ પ્રદેશના ધરમશાલામાં મંગળવારે ડિફેન્ડિંગ ચૅમ્પિયન બેંગ્લૂરુ (20 ઓવરમાં 5/254)એ ગુજરાત (19.3 ઓવરમાં 10/162)ને 92 રનથી હરાવીને સતત બીજી સીઝનમાં ફાઇનલમાં એન્ટ્રી કરી તો હતી, પણ સૌથી મોટી વાત એ છે કે બેંગ્લૂરુએ મોટા રેકોર્ડ સાથે ફાઈનલ-પ્રવેશ કર્યો છે.

હવે બૅક-ટુ-બૅક ટાઇટલથી બેંગ્લૂરુ એક જ ડગલું દૂર છે. ખૂબીની વાત એ છે કે બેંગ્લૂરુનો સ્કોર (5/254) આઈપીએલના 19 વર્ષના ઇતિહાસમાં નૉકઆઉટ/પ્લે ઑફ રાઉન્ડનો વિક્રમજનક સ્કોર છે. બેંગ્લૂરુ (Bengaluru)એ ગુજરાત (Gujarat)નો મુંબઈ સામેના 3/233ના સ્કોરનો રેકૉર્ડ તોડી નાખ્યો છે.
રવિવાર, 31મી મેએ અમદાવાદની ફાઇનલમાં ફરી આ જ બન્ને ટીમ (બેંગ્લૂરુ-ગુજરાત) સામસામે આવી શકે. આજના એલિમિનેટરમાં હૈદરાબાદ-રાજસ્થાનમાંથી જીતનારી ટીમ સામે શુક્રવારે ગુજરાતે રમવું પડશે. એમાં જો ગુજરાત જીતી જશે તો રવિવારે ફાઇનલમાં બેંગ્લૂરુ સામે ટકરાશે.
બહુ ગાજેલા ગુજરાતના બૅટ્સમેનો મંગળવારે 255 રનના તોતિંગ લક્ષ્યાંક નીચે દબાઈ ગયા હતા. રાહુલ તેવાટિયા (68 રન, 43 બૉલ, ચાર સિક્સર, આઠ ફોર) ટીમનો હાઇએસ્ટ સ્કોરર હતો. બેંગ્લૂરુના બોલર્સમાં ડફીએ ત્રણ, રસિખ સલામે બે તેમ જ ભુવીએ અને કૃણાલે પણ બે વિકેટ અને હૅઝલવૂડે એક વિકેટ મેળવી હતી.
સાઇ સુદર્શન હિટવિકેટ
આ વખતની ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 652 રન બનાવનાર સાઇ સુદર્શન હિટવિકેટ થયો હતો. જેકબ ડફીના બૉલમાં શૉટ માર્યા બાદ સુદર્શનના હાથમાંથી બૅટ પાછળની તરફ છટકી ગયું હતું અને ટપ પડ્યા બાદ સ્ટમ્પ્સને વાગ્યું હતું. સુદર્શન 14 રન બનાવીને નિરાશ હાલતમાં પાછો આવ્યો હતો. આ વખતે સેકન્ડ-હાઇએસ્ટ 618 રન બનાવનાર શુભમન ગિલને જેનો સૌથી વધુ ડર હશે એ જ બોલર (ભુવનેશ્વર)એ ક્લીન બોલ્ડ કર્યો હતો. તેણે માત્ર બે રન બનાવ્યા હતા. બટલર (29 રન)ને હૅઝલવૂડે ક્લીન બોલ્ડ કરી દીધો હતો. ગુજરાતને આ ત્રણ ટોચના બૅટ્સમેને પ્લે-ઑફમાં પહોંચાડ્યું અને હવે તેઓ સાવ સસ્તામાં આઉટ થઈ ગયા. જોકે હવે શુક્રવારે ફરી તેમની પરીક્ષા થશે.
પાટીદારના નવ છગ્ગા, પાંચ ચોગ્ગા સાથે અણનમ 93 રન
એ પહેલાં, બેંગ્લૂરુએ પાંચ વિકેટે 254 રન બનાવ્યા હતા. રજત પાટીદાર (93 અણનમ, 33 બૉલ, નવ સિક્સર, પાંચ ફોર) કૅપ્ટન્સ ઇનિંગ્સ રમ્યો હતો. તેણે કૃણાલ પંડ્યા (43 રન, 28 બૉલ, બે સિક્સર, પાંચ ફોર) સાથે 47 બૉલમાં 95 રનની, ટિમ ડેવિડ (ચાર રન) સાથે 11 બૉલમાં પચીસ રનની પાર્ટનરશિપ અને છેલ્લે વિકેટકીપર જિતેશ શર્મા (15 અણનમ, પાંચ બૉલ, એક સિક્સર, એક ફોર) સાથે 12 બૉલમાં 40 રનની અતૂટ ભાગીદારી કરી હતી.
બેંગ્લૂરૂના 254 રનમાં વિરાટ કોહલી (43 રન, પચીસ બૉલ, એક સિક્સર, પાંચ ફોર) અને પડિક્કલ (30 રન, 19 બૉલ, પાંચ ફોર) તેમ જ ઓપનર વેન્કટેશ ઐયર (19 રન, સાત બૉલ, એક સિક્સર, ત્રણ ફોર)ના પણ નાના-મોટા યોગદાન હતા.
આજે હૈદરાબાદ વિરુદ્ધ રાજસ્થાન
ન્યૂ ચંડીગઢમાં આજે (સાંજે 7.30 વાગ્યાથી) પ્લે-ઑફના એલિમિનેટરમાં ત્રીજા નંબરના હૈદરાબાદ અને ચોથા નંબરના રાજસ્થાન વચ્ચે ટક્કર છે. બન્નેના ટૉપ-ઑર્ડર બાજી પલટાવી નાખે એવા છે. આ વખતે હૈદરાબાદે બન્ને મૅચમાં રાજસ્થાનને હરાવ્યું છે અને એની સામેની છેલ્લી તમામ છ મૅચમાં જીતી છે. જોકે રાજસ્થાન ન્યૂ ચંડીગઢમાં અપરાજિત રહ્યું છે. બુધવારે હારનારી ટીમ ટૂર્નામેન્ટની બહાર થઈ જશે, જ્યારે વિજેતા ટીમ શુક્રવારે ગુજરાત સામે ક્વૉલિફાયર-ટૂમાં રમશે.