પાટીદારની પલ્ટન સામે ગિલ ઇલેવન પરાસ્તઃ જોકે ફાઇનલમાં ફરી સામસામે આવી શકે
ધરમશાલાઃ હિમાચલ પ્રદેશના ધરમશાલામાં મંગળવારે ડિફેન્ડિંગ ચૅમ્પિયન બેંગ્લૂરુ (20 ઓવરમાં 5/254)એ ગુજરાત (19.3 ઓવરમાં 10/162)ને 92 રનથી હરાવીને સતત બીજી સીઝનમાં ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. હવે લાગલગાટ બીજા ટાઇટલથી બેંગ્લૂરુ એક જ ડગલું દૂર છે.
રવિવાર, 31મી મેએ અમદાવાદની ફાઇનલમાં ફરી આ જ બન્ને ટીમ સામસામે આવી શકે. બુધવારના એલિમિનેટરમાં હૈદરાબાદ-રાજસ્થાનમાંથી જીતનારી ટીમ સામે શુક્રવારે ગુજરાતે રમવું પડશે. એમાં જો ગુજરાત જીતી જશે તો રવિવારે ફાઇનલમાં બેંગ્લૂરુ સામે ટકરાશે.
PTI
બહુ ગાજેલા ગુજરાતના બૅટ્સમેનો 255 રનના તોતિંગ લક્ષ્યાંક નીચે દબાઈ ગયા હતા. રાહુલ તેવાટિયા (68 રન, 43 બૉલ, ચાર સિક્સર, આઠ ફોર) ટીમનો હાઇએસ્ટ સ્કોરર હતો. ગુજરાતનો 89 રનનો લોએસ્ટ સ્કોરનો વિક્રમ તૂટતા રહી ગયો હતો. તુલના કરીએ તો બેંગ્લૂરુએ 214મા રને પાંચમી વિકેટ ગુમાવી હતી, જ્યારે ગુજરાતની પાંચમી વિકેટ માત્ર 51 રનના સ્કોર પર પડી હતી. પેસ બોલર રસિખ સલામે એક જ ઓવરમાં નિશાંત સિંધુ (પાંચ રન) અને જેસન હોલ્ડર (0)ને પૅવિલિયનમાં પાછા મોકલ્યા હતા. બેંગ્લૂરુના બોલર્સમાં ડફીએ ત્રણ, રસિખ સલામે બે તેમ જ ભુવીએ અને કૃણાલે પણ બે વિકેટ અને હૅઝલવૂડે એક વિકેટ મેળવી હતી.
PTI
સુદર્શનથી બૅટ છૂટ્યું અને થયો હિટવિકેટ
આ વખતની ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 652 રન બનાવનાર સાઇ સુદર્શન હિટવિકેટ થયો હતો. જેકબ ડફીના બૉલમાં શૉટ માર્યા બાદ સુદર્શનના હાથમાંથી બૅટ પાછળની તરફ છટકી ગયું હતું અને ટપ પડ્યા બાદ સ્ટમ્પ્સને વાગ્યું હતું. સુદર્શન 14 રન બનાવીને નિરાશ હાલતમાં પાછો આવ્યો હતો. આ વખતે સેક્નડ-હાઇએસ્ટ 618 રન બનાવનાર શુભમન ગિલને જેનો સૌથી વધુ ડર હશે એ જ બોલર (ભુવનેશ્વર)એ ક્લીન બોલ્ડ કર્યો હતો. તેણે માત્ર બે રન બનાવ્યા હતા. બટલર (29 રન)ને હૅઝલવૂડે ક્લીન બોલ્ડ કરી દેતાં ગુજરાતને ત્રીજો ઝટકો લાગ્યો હતો. ગુજરાતને આ ત્રણ ટોચના બૅટ્સમેને પ્લે-ઑફમાં પહોંચાડ્યું અને હવે તેઓ સાવ સસ્તામાં આઉટ થઈ ગયા.

પાટીદારના નવ છગ્ગા, પાંચ ચોગ્ગા
એ પહેલાં, બેંગ્લૂરુએ પાંચ વિકેટે 254 રન બનાવ્યા હતા. રજત પાટીદાર (93 અણનમ, 33 બૉલ, નવ સિક્સર, પાંચ ફોર) કૅપ્ટન્સ ઇનિંગ્સ રમ્યો હતો. તેણે કૃણાલ પંડ્યા (43 રન, 28 બૉલ, બે સિક્સર, પાંચ ફોર) સાથે 47 બૉલમાં 95 રનની, ટિમ ડેવિડ (ચાર રન) સાથે 11 બૉલમાં પચીસ રનની પાર્ટનરશિપ અને છેલ્લે વિકેટકીપર જિતેશ શર્મા (15 અણનમ, પાંચ બૉલ, એક સિક્સર, એક ફોર) સાથે 12 બૉલમાં 40 રનની અતૂટ ભાગીદારી કરી હતી.
18મી ઓવરને અંતે ટિમ ડેવિડની પાંચમી વિકેટ પડ્યા પછી જે નવ સ્કોરિંગ હતા એમાં ચાર છગ્ગા અને બે ચોગ્ગા ફટકારાયા હતા. બેંગ્લૂરૂના 254 રનમાં વિરાટ કોહલી (43 રન, પચીસ બૉલ, એક સિક્સર, પાંચ ફોર) અને પડિક્કલ (30 રન, 19 બૉલ, પાંચ ફોર) તેમ જ ઓપનર વેન્કટેશ ઐયર (19 રન, સાત બૉલ, એક સિક્સર, ત્રણ ફોર)ના પણ નાના-મોટા યોગદાન હતા.
બુધવારે હૈદરાબાદ વિરુદ્ધ રાજસ્થાન
ન્યૂ ચંડીગઢમાં બુધવારે (સાંજે 7.30 વાગ્યાથી) પ્લે-ઑફના એલિમિનેટરમાં ત્રીજા નંબરના હૈદરાબાદ અને ચોથા નંબરના રાજસ્થાન વચ્ચે ટક્કર છે. બન્નેના ટૉપ-ઑર્ડર બાજી પલટાવી નાખે એવા છે. આ વખતે હૈદરાબાદે બન્ને મૅચમાં રાજસ્થાનને હરાવ્યું છે અને એની સામેની છેલ્લી તમામ છ મૅચમાં જીતી છે. જોકે રાજસ્થાન ન્યૂ ચંડીગઢમાં અપરાજિત રહ્યું છે. બુધવારે હારનારી ટીમ ટૂર્નામેન્ટની બહાર થઈ જશે, જ્યારે વિજેતા ટીમ શુક્રવારે ગુજરાત સામે ક્વૉલિફાયર-ટૂમાં રમશે.