Sat Mar 07 2026

Logo

બેડરૂમમાં થતા ઘરકંકાસનું કારણ હોઈ શકે છે ખોટી દિશાનું વાસ્તુ, જાણો હકીકત?

1 week ago
Author: Mumbai Samachar Team
Article Image

ઘણીવાર જોવા મળે છે કે પતિ-પત્ની વચ્ચે આમ બધું સામાન્ય હોય છે. પણ જેવા તેઓ બેડરૂમમાં પ્રવેશ કરે છે કે તરત જ નાની-નાની વાતોમાં વિવાદ શરૂ થઈ જાય છે. એકબીજાનું ધ્યાન રાખતા હોવા છતાં ખબર નહીં કેમ રૂમની અંદરનો માહોલ નકારાત્મક બની જાય છે. 
વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતોના મતે, આ કોઈ સંજોગ નહીં પણ તમારા બેડરૂમની ખોટી દિશાનું પરિણામ હોઈ શકે છે. ઘરની ઊર્જા આપણા મન અને સંબંધો પર ઊંડી અસર કરે છે, અને જો બેડરૂમ યોગ્ય સ્થાને ન હોય તો સુખી સંસારમાં પણ અશાંતિ પેદા થઈ શકે છે.

કઈ દિશામાં બેડરૂમ હોવાથી સર્જાય છે વિવાદ 

જો તમારો બેડરૂમ પૂર્વ-દક્ષિણ-પૂર્વ (East-South-East) દિશામાં હોય, તો તે દંપતી વચ્ચે અકારણ દલીલો વધારી શકે છે. વાસ્તુ મુજબ આ દિશા 'મંથન' એટલે કે ઊંડા વિચારોની દિશા માનવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ આ દિશામાં ઊંઘે છે અથવા વધુ સમય વિતાવે છે, ત્યારે તેનું મન 'ઓવરથિંકિંગ' એટલે કે વધુ પડતા વિચારો કરવા લાગે છે. પરિણામે, જૂની વાતો ઉખેડવી, શંકા કરવી કે નાની વાતનું વતેસર કરવું જેવી આદતો પડી જાય છે. અપરિણીત લોકો માટે પણ આ દિશામાં લાંબો સમય રહેવું બેચેની અને ગભરામણનું કારણ બની શકે છે.

કોના માટે આ દિશા લાભદાયી સાબિત થઈ શકે?

રસપ્રદ વાત એ છે કે વાસ્તુમાં કોઈ પણ દિશા સંપૂર્ણપણે ખરાબ નથી હોતી. આ દિશા 'મંથન'ની હોવાથી રિસર્ચ કે ગહન અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ દિશામાં બેડરૂમ હોવો આશીર્વાદરૂપ બની શકે છે. જો તમે કોઈ વિષય પર મૂંઝવણમાં હોવ અને નિર્ણય ન લઈ શકતા હોવ, તો આ ખૂણામાં બેસીને વિચારવાથી તમને સ્પષ્ટતા મળી શકે છે. જોકે, લાંબા ગાળાના આરામ કે નિદ્રા માટે આ દિશા દંપતીઓ માટે હિતમાં નથી.

વાસ્તુ દોષ નિવારવા શું રાખવું અને શું ટાળવું?

જો આ દિશામાં તમારો બેડરૂમ હોય તો તેને બદલવો હિતાવહ છે, પરંતુ જો તેમ શક્ય ન હોય તો કેટલીક ચીજોનું ધ્યાન રાખવું જરૂરી છે. વાસ્તુ મુજબ આ દિશામાં વોશિંગ મશીન કે મિક્સર ગ્રાઇન્ડર રાખવું યોગ્ય માનવામાં આવે છે, કારણ કે તે માનસિક હલચલને સંતુલિત કરવામાં મદદ કરે છે. જોકે, આ વિસ્તારમાં લાલ, પીળો કે ગ્રે (રાખ જેવો) રંગ લગાવવાનું ટાળવું જોઈએ, કારણ કે આ રંગો વાસ્તુ દોષમાં વધારો કરી શકે છે. હળવા અને શાંત રંગોનો ઉપયોગ મનને શાંત રાખવામાં મદદરૂપ થાય છે.

યાદ રાખો કે બેડરૂમ એ માનસિક શાંતિ અને આરામ માટેનું સ્થળ છે. જો તમારા બેડરૂમમાં પણ તણાવ રહેતો હોય, તો એકવાર દિશાઓની તપાસ જરૂર કરાવો. સુખદ દામ્પત્ય માટે નૈઋત્ય કોણ (દક્ષિણ-પશ્ચિમ) સૌથી ઉત્તમ માનવામાં આવે છે. ઘરના વાસ્તુમાં નાના ફેરફારો કરીને તમે તમારા સંબંધોમાં ફરીથી મીઠાશ લાવી શકો છો અને બિનજરૂરી માનસિક મંથનમાંથી મુક્તિ મેળવી શકો છો.

વધુ જુઓ...