મુંબઈઃ શુભમન ગિલની કૅપ્ટન્સીમાં ભારત તાજેતરમાં શ્રીલંકામાં ટેસ્ટ શ્રેણી 1-0થી જીત્યું, પણ એકંદરે આ સિરીઝમાં ભારતીયોનો પર્ફોર્મન્સ નિરાશાજનક હતો જેમાં ખાસ કરીને છેલ્લી ટેસ્ટમાં ખાસ કરીને એકલો સોનાલ દિનુશા ભારતના બોલરોને ભારે પડી ગયો અને ટીમ ઇન્ડિયાને એ ટેસ્ટ ન જ જીતવા દીધી એને કારણે ભારતીય ટીમની પ્રતિષ્ઠાને થોડું નુકસાન પહોંચતાં બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) નારાજ છે.
કેટલાક અહેવાલો અનુસાર છેલ્લાં થોડા મહિનાઓથી વિદેશી ધરતી પર ભારતનો પર્ફોર્મન્સ સારો ન હોવાથી બીસીસીઆઇ હવે થોડું સખત વલણ અપનાવવા માગે છે. ક્રિકેટ બોર્ડના મોવડીઓએ હેડ-કોચ ગૌતમ ગંભીર (GAUTAM GAMBHIR), ચીફ સિલેક્ટર અજિત આગરકર અને બેંગ્લૂરુ-સ્થિત સેન્ટર ઑફ એક્સેલન્સ (COE)ના ચીફ વીવીએસ લક્ષ્મણને ગુરુવાર, ત્રીજી સપ્ટેમ્બરે મુંબઈ-સ્થિત હેડ ક્વૉર્ટરમાં બોલાવ્યા છે.
કહેવાય છે કે ત્રણેય દિગ્ગજ સાથેની બેઠકમાં છેલ્લાં થોડા મહિનાના ભારતીય ટીમના પર્ફોર્મન્સ ઉપરાંત ભારતીય ટીમના ભાવિ તેમ જ ભવિષ્યની યોજના વિશે પણ ચર્ચા થશે. ખાસ કરીને આયરલૅન્ડ તથા ઇંગ્લૅન્ડમાં ટી-20 શ્રેણીમાં થયેલા અનુક્રમે 0-2 અને 0-4ના પરાજય, ખેલાડીઓની ફિટનેસ, પ્લેયરને થતી ઈજા વિશેના સંચાલન તેમ જ આઇપીએલના વર્ક-લૉડ બાબતમાં પણ ચર્ચા થશે. આઇપીએલ પછી ભારતીય ખેલાડીઓને વિદેશી ટૂર માટે કેવી રીતે પૂરેપૂરા તૈયાર કરવા એના પર પણ ગંભીરતાથી ચર્ચા થશે. ઇંગ્લૅન્ડમાં ભારત ટી-20 સિરીઝ 0-4થી હારવા ઉપરાંત વન-ડે સિરીઝમાં 1-2થી પરાજિત થયું હતું.
BCCI Secretary Devajit Saikia(AP)
બીસીસીઆઇના સેક્રેટરી દેવાજિત સૈકિયાએ થોડા દિવસ પહેલાં જ કહ્યું હતું કે `વિદેશોમાં ભારતીય ટીમના નબળા પર્ફોર્મન્સ વિશે બોર્ડની મીટિંગમાં ચર્ચા થશે જ.'
આ વર્ષની આખરમાં ભારતીય ક્રિકેટરો ખાસ કરીને ન્યૂ ઝીલૅન્ડનો પ્રવાસ કરશે. 2027ના વન-ડે વર્લ્ડ કપ માટેની તૈયારીને પણ બીસીસીઆઇ પ્રાથમિકતા આપવા મક્કમ છે. આ બધુ જોતાં બીસીસીઆઇ ઇચ્છે છે કે ટીમ મૅનેજમેન્ટ, સિલેક્શન કમિટી, ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ તેમ જ સીઓઇ એક જ દિશામાં કામ કરે.
કહેવાય છે કે કેટલાક ખેલાડીઓને સીઓઇ પર ભરોસો નથી. ખેલાડીઓ, સીઓઇ અને સિલેક્શન કમિટી વચ્ચેનો તાલમેલ ન હોવાનું જણાય છે. આ જ કારણસર ક્રિકેટ બોર્ડ હવે ખેલાડીઓની ઈજા અને ફિટનેસ બાબતમાં વધુ ચિંતિત છે અને સમસ્યાઓ ઉકેલવા દૃઢ છે. આ મહિને દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે જે ટી-20 સિરીઝ રમાશે એ માટેની ટીમમાં જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા, નીતીશ કુમાર રેડ્ડી તેમ જ વૉશિંગ્ટન સુંદરનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ તેઓ પૂરા ફિટ હશે તો જ એ શ્રેણીમાં રમશે. ક્રિકેટ બોર્ડ એના પર ચર્ચા કરવા માગે છે કે ખેલાડીઓને થતી ઈજાનું પ્રમાણ કેવી રીતે ઓછું કરી શકાય?