Mon Jun 08 2026

Logo

બાન્દ્રામાં પાઈપલાઈનમાં ભંગાણ: લાખો લિટર પાણીનો વેડફાટ

2026-04-10 22:17:03
Author: સપના દેસાઈ
Article Image

FPJ


(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પશ્ચિમ ઉપનગરના બાન્દ્રામાં લકી હોટલ પાસે રસ્તાનું કામ ચાલી રહ્યુ હતું ત્યારે ખોદકામ સમયે પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડતા લાખો લિટર પાણી વેડફાઈ ગયું હતું. આ દરમ્યાન રસ્તા પર પાણી ભરાઈ જતા અહીં ટ્રાફિક જૅમ થઈ ગયો હતો અને તેની અસર છેક માહિમ સુધી થઈ હતી.
પાલિકાના પાણીપુરવઠા વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ બાન્દ્રા પશ્ચિમમાં એસ.વી.રોડ પર લકી હોટલ જંકશનપાસે બપોરના લગભગ ૩.૩૦ વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો, જેમાં અહીં જંકશન પર મેટ્રો ઓથઓરિટી દ્વારા કામ ચાલી રહ્યું હતું એ દરમ્યાન ખોદકામને કારણે જમીનની નીચે રહેલી ૭૫૦  મિલીમીટર વ્યાસની પાઈપલાઈનમાં ભંગાણ પડ્યું હતું.

પાઈપલાઈનમાં ભંગાણ પડ્યા બાદ સેંકડો લિટર પાણી રસ્તા પર વેડફાઈ ગયું હતું. રસ્તા પર જાણે નદી વહેતી હોય એવું દૃશ્ય જોવા મળ્યું હતું. પાણીપુરવઠા વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ ઘાટકોપરની એક ટીમ ઘટના સ્થળે પહોંચીને પાઈપલાઈનમાં રહેલા ગળતરને શોધીને સમારકામ હાથ ધર્યું હતું. પાલિકાના દાવા મુજબ પાઈપલાઈનના ભંગાણ બાદ પણ વિસ્તારમાં પાણીપુરવઠાને કોઈ અસર થઈ નહોતી.પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ પાઈપલાઈનમાં થયેલા ભંગાણ માટે પાલિકા નહીં પણ મેટ્રો પ્રશાસન જવાબદાર હતું. તેમના દ્વારા અહીં ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે તેમના કૉન્ટ્રેક્ટર દ્વારા પાઈપલાઈનને નુકસાન થયું હતું. મેટ્રો પ્રશાસના કૉન્ટ્રેક્ટર દ્વારા વારંવાર મુંબઈમાં પાલિકાની પાણીની પાઈપલાઈનને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.

મુંબઈમાં હાલ આકરો ઉનાળો વર્તાઈ રહ્યો છે અને મુંબઈને પાણી પૂરું પાડનારા જળાશયોમાં પહેલાથી ૩૫ ટકાની આસપાસ પ્રમાણમાં ઓછું કહેવાય એટલો પાણીનો જથ્થો છે ત્યારે શુક્રવારે પાઈપલાઈનમાં થયેલા ભંગાણને પગલે મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થતા નાગરિકોમાં ભારે નારાજગી જોવા મળી હતી.