Sun Jul 26 2026

Logo

નેપાળમાં ભારત વિરોધી બાલેન શાહ બની શકે છે વડાપ્રધાન, શું ભારત પ્રત્યેનું વલણ બદલાશે ?

2026-03-08 17:58:00
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : નેપાળમાં યોજાયેલી ચુંટણીના પરિણામો ધીરે ધીરે સ્પષ્ટ થઇ રહ્યા છે. જેમાં રેપરમાંથી નેતા બનેલા બાલેન શાહની પાર્ટી જીતની નજીક છે. તેમની રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી એ 129 માંથી 100 બેઠકો જીતી છે. તેવા સમયે બાલેન શાહ નેપાળના નવા વડાપ્રધાન બનશે તે બાબત પણ નિશ્ચિત છે. ત્યારે તેમના ભારત અંગેના વિચારો જાણવા પણ જરૂરી છે. 

સ્વપનાને વાસ્તવિકતામાં તબદીલ કરવાની જવાબદારી

નેપાળમાં આવેલું આ પરિવર્તન લોકોની જીત છે.નવા બનનારા વડાપ્રધાન પાસે તેમની ઘણી આશાઓ અને અપેક્ષા છે. જેમાં પણ Gen-Z આંદોલનનું નેતૃત્વ કરનારા બાલેન શાહ સરકારનું નેતૃત્વ કરશે તો લોકોના સ્વપનાને વાસ્તવિકતામાં તબદીલ કરવાની તેમની જવાબદારી બનશે. કારણ કે લોકોએ તેમના પર  વિશ્વાસ મુક્યો છે. 

બાલેન શાહનું વલણ ભારત વિરોધી

જોકે, મહત્વનું છે આ પૂર્વે બાલેન શાહનું વલણ ભારત વિરોધી રહ્યું  છે. તેમણે અનેકવાર  ભારતની નીતીઓની ટીકા પણ કરી છે. તેમણે વારંવાર કહ્યું છે   કે નેપાળે મુખ્ય શક્તિશાળી દેશોના પ્રભાવથી સ્વતંત્ર નીતિ અપનાવવી જોઈએ. વર્ષ 2025 ની ફેસબુક પોસ્ટમાં, તેમણે ભારત, ચીન અને અમેરિકા સહિત મુખ્ય શક્તિશાળી દેશો પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. તેમના સમર્થકોએ નેપાળના વિસ્તૃત નકશાને પ્રોત્સાહન આપ્યું હતું. જેમાં ભારતીય પ્રદેશો પણ દર્શાવવામાં આવ્યા હતા. તેમજ મેયર તરીકે આ નકશાને તેમણે કાર્યાલયમાં લગાવ્યો હતો. 

 1806 ની સુગૌલી સંધિ સામે અવાજ ઉઠાવનારાઓમાં પણ સામેલ

આ ઉપરાંત બાલેન શાહ વર્ષ 1806 ની સુગૌલી સંધિ સામે અવાજ ઉઠાવનારાઓમાં પણ સામેલ છે. ભારત અને નેપાળ ગાઢ સંબંધો ધરાવે છે. ત્યાં હિન્દુઓ બહુમતી ધરાવે છે. તેમજ બંને દેશોમાં સહિયારી ધાર્મિક અને સાંસ્કૃતિક એકતાનો સદીઓ જૂનો ઇતિહાસ છે. આ સહિયારી ઓળખ  બાલેનને અનુકૂળ નથી.

રાષ્ટ્રવાદી છબીને પ્રોત્સાહન આપવા  ભારત વિરોધી લાગણીઓ ઉશ્કેરી 

જ્યારે બોલિવૂડ ફિલ્મ આદિપુરુષમાં એક સંવાદથી બાલેન નારાજ થયા હતા. જેમાં માતા સીતાને ભારતની પુત્રી તરીકે વર્ણવવામાં આવી હતી, અને તેમણે નેપાળમાં ભારતીય ફિલ્મોના પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી હતી. હકીકતમાં, ભારત-નેપાળ સંબંધોમાં ભારતની "મોટા ભાઈ" તરીકેની ભૂમિકા નેપાળમાં ચર્ચાનો વિષય બની રહી છે. નેપાળમાં ભારત વિરોધી લાગણીઓને ભડકાવનારા પરિબળો એવી ધારણા ફેલાવી રહ્યા છે કે ભારત નેપાળના આંતરિક બાબતોમાં દખલ કરે છે. બાલેન શાહ પોતાની રાષ્ટ્રવાદી છબીને પ્રોત્સાહન આપવા માટે ભારત વિરોધી લાગણીઓ ઉશ્કેરી રહ્યા છે, 

ભારત વિરોધી નિવેદનો આપીને લોકપ્રિયતા મેળવવાનો પ્રયાસ

આ ઉપરાંત બાલેન શાહે  નેપાળના સ્થાનિક રાજકારણમાં ભારત વિરોધી નિવેદનો આપીને લોકપ્રિયતા મેળવવાનો પ્રયાસ કર્યો છે. નેપાળ ભારત અને ચીન વચ્ચે સંતુલનની નીતિ પણ અપનાવી રહ્યું છે. ભ્રષ્ટાચાર વિરોધી, રોજગારીની તકો અને વહીવટી સુધારા જેવા મુદ્દાઓ સત્તામાં આવનારી નવી પેઢીની પ્રાથમિકતાઓમાં કેન્દ્રિય રહ્યા છે. વિદેશ નીતિ અત્યાર સુધી તેમના એજન્ડામાં ગૌણ રહી છે.

નેપાળના વિકાસ માટે ભારતનો સહયોગ જરૂરી છે 

નવી નેપાળ સરકારે  ભારત સાથે સહયોગ કેળવવો જરૂરી બનશે. કારણ કે નેપાળના અર્થતંત્ર, વેપાર અને રોજગારમાં ભારતનો હિસ્સો અવગણી શકાય તેમ નથી. તેમજ  કોઈપણ સ્થિર સરકાર  ભારત સાથે મુકાબલો કરવાના પક્ષમાં નહિ હોય.