Sun Jul 26 2026

Logo

રામ મંદિર ટ્રસ્ટની બેઠકમાં ચંપત રાયનું રાજીનામું મંજૂર; જાણો કોને બનાવાયા નવા મહાસચિવ, અહીં વિગતો...

2026-07-06 17:30:53
Author: Vimal Prajapati
Article Image

અયોધ્યાઃ રામ મંદિરમાં થયેલી દાન ચોરી મામલે અત્યારે ભારે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદમાં આજે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રામ મંદિર ખાતે બેઠક મળી હતી. આ બેઠકમાં એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ બેઠકમાં ટ્રસ્ટના પદાધિકારીઓએ ઐતિહાસિક નિર્ણય લેતા વર્તમાન મહાસચિવ ચંપત રાયના રાજીનામાને સત્તાવાર રીતે મંજૂરી આપી દીધી છે. ચંપત રાયની વિદાયની સાથે જ ટ્રસ્ટે સર્વસંમતિથી વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહામંત્રી બજરંગ લાલ બાગડાને રામ મંદિર ટ્રસ્ટના નવા મહાસચિવ તરીકે ચૂંટી કાઢ્યા છે.

રામ મંદિરનો કાર્યભાર હવે બજરંગ બાગડાના ખભે

સૂત્રાના અહેવાલ પ્રમાણે નવનિયુક્ત મહાસચિવ બજરંગ લાલ બાગડા હાલ અયોધ્યા રામ મંદિર પરિસર વિસ્તારમાં જ હાજર છે. જોકે, કોઈ કારણોસર તેઓ ટ્રસ્ટની આ બેઠકમાં સામેલ થયા નહોતા. સત્તાવાર પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ તેઓ ટૂંક સમયમાં જ પોતાનો નવો કાર્યભાર સંભાળશે તેવું સૂત્રોનું કહેવું છે. ચંપત રાય દાન ચોરીને લઈને ભારે વિવાદમાં આવ્યાં છે, પરંતુ તેમના પર કોઈ કાર્યવાહી થશે કે કેમ તેના વિશે કોઈ વિગતો પ્રકાશમાં આવી નથી. 

આખરે કોણ છે બજરંગ બાગડા? 

વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બજરંગ લાલ બાગડા મૂળ તો રાજસ્થાનના સીકર જિલ્લાના વતની છે.  ચંપત રાયની વિદાય બાદ હવે આ જવાબદારી બજરંગ લાલ બાગડાને સોંપવામાં આવી છે. તેમની અદભૂત વહીવટી ક્ષમતાના કારણે ટ્ર્સ્ટ દ્વારા આ જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ ભારત સરકારના ખાણ મંત્રાલય હેઠળ આવતી દેશની પ્રતિષ્ઠિત અને 'નવરત્ન' જાહેર ક્ષેત્રની કંપની રાષ્ટ્રીય એલ્યુમિનિયમ કંપની લિમિટેડના ચેરમેન સહ મેનેજિંગ ડિરેક્ટર રહી ચૂક્યા છે. કોર્પોરેટ અને સરકારી વિભાગોમાં કામ કરવાનો પણ સારો એવો અનુભવ ધરાવે છે. 

નાલ્કોમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ VHP સક્રિય થયા

નાલ્કો જેવી મોટી સરકારી કંપનીમાંથી તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને સંપૂર્ણપણે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) માં સક્રિય થઈ ગયા હતા. તેમની સંગઠનાત્મક નિષ્ઠા, બેદાગ છબી અને યોગ્યતાને જોતા ફેબ્રુઆરી 2024માં અયોધ્યામાં જ આયોજિત વિહિપની રાષ્ટ્રીય બેઠકમાં તેમને સર્વસંમતિથી સંગઠનના આંતરરાષ્ટ્રીય મહામંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા હતા. બજરંગ લાલ બાગડા હિન્દુ સમાજ, ધર્માંતરણ વિરોધી કાયદો, વસ્તી નિયંત્રણ અને દેશભરના મંદિરોના ધાર્મિક-વહીવટી મામલાઓ પર વિહિપનો પક્ષ અત્યંત મજબૂતાઈ, વૈજ્ઞાનિક અને તાર્કિક રીતે રજૂ કરવા માટે જાણીતા છે. મહત્વની વાત એ છે કે, હવે તેમને રામ મંદિરનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. ચંપત રાય પછી હવે લોકોની તેમના પર વધારે નજર રહેવાની છે.