અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટની ત્રિમાસિક બેઠક શનિવારે યોજાઈ હતી. આ બેઠકમાં આગામી ધાર્મિક આયોજન, મંદિર વ્યવસ્થા અને કેટલાક ઐતિહાસિક નિર્ણયો પર વિસ્તારથી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન ટ્રસ્ટના મહાસચીવ ચંપત રાયે સંપૂર્ણ જાણકારી આપી હતી. રામ મંદિર ટ્રસ્ટની આ મહત્ત્વપૂર્ણ બેઠક ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસના ઘરે યોજાઈ હતી, જેમાં આઠ સભ્યો હાજર હતા.
ઓનલાઈન માધ્યમથી જોડાયા સભ્ય
આ બેઠકમાં કેટલાક સભ્યો ઓનલાઈન માધ્યમથી પણ જોડાયા હતા. કેટલાક આમંત્રિત સભ્યો પણ આ બેઠકમાં જોડાયા હતા. આ બેઠકમાં રામયંત્ર સ્થાપના કાર્યક્રમની વિસ્તારથી સમીક્ષા કરવામાં આવી હતી. આ પહેલા 5 ઓગસ્ટ 2020ના રોજ ભૂમિ પૂજન અને 22 જાન્યુઆરી 2024ના રોજ રામલીલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા આ તમામ ઐતિહાસિક કાર્યક્રમો—ભૂમિ પૂજન, પ્રાણ પ્રતિષ્ઠા, ધ્વજારોહણ અને રામ યંત્ર સ્થાપનાને એક સ્મરણ પુસ્તિકા તરીકે પ્રકાશિત કરવાનો નિર્ણય લીધો છે.

સન્માન કાર્યક્રમ પણ યોજાશે
આ પુસ્તિકામાં આ કાર્યક્રમો સાથે જોડાયેલી તસવીરો અને વિગતવાર માહિતી સમાવેશ કરવામાં આવશે. મહાસચિવ ચંપત રાયના જણાવ્યા મુજબ, આવનારા દિવસોમાં મંદિર નિર્માણ સાથે જોડાયેલા શ્રમિકો અને કાર્યદાયી સંસ્થાઓને સન્માનિત કરવામાં આવશે. સાથે જ તા.2 એપ્રિલે વિશેષ ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જ્યારે હનુમાન જયંતિના અવસરે રામ મંદિર પરિસરમાં આવેલ હનુમાન મંદિરમાં ખાસ કાર્યક્રમો યોજાશે. તા.22થી 25 માર્ચ સુધી મંદિર પરીસરના જુદા જુદા ભાગમાં ધ્વજારોહણ યોજાશે. 27મી માર્ચે રામનવમીના અવસર પર 12 વાગ્યે અદભૂત દ્રશ્ય જોવા મળશે. સૂર્યના કિરણો રામ પ્રભુના લલાટે તિલક કરશે. આ માટે ખાસ પ્રકારની વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. ટેક્નોલોજીના માધ્યમથી આ સૂર્યતિલક કરવું શક્ય બની રહ્યું છે.
સુરક્ષા મુદ્દે ચર્ચા
દર્શન વ્યવસ્થાને લઈને પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. છેલ્લા બે વર્ષમાં આશરે 7 કરોડ ભાવિકોએ પ્રભુ રામના દર્શન કર્યા છે. દેશના જુદા જુદા રાજ્યોમાંથી ભાવિકો અહીં દર્શન હેતું આવ્યા છે. એવામાં સુરક્ષા વ્યવસ્થા વધારે મજબૂત કરવા પર ધ્યાન અપાઈ રહ્યું છે. બીજી તરફ મંદિરના ચારેય દ્વારનું કામ પૂર્ણ થઈ ગયું છે, ટૂંક સમયમાં તે લોકો માટે ખોલી દેવામાં આવશે. હવે ટ્રસ્ટની આગામી બેઠક 11 જુલાઈ 2026ના રોજ યોજાશે, જોકે આ પહેલા કેટલાક મુદ્દાઓ પર કામ કરવામાં આવશે. ખાસ કરીને ભાવિકોને કોઈ પ્રકારની દર્શન માટે મુશ્કેલીઓ ન પડે એ વાતને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.